પૂરક પરીક્ષામાં વિષયની સંખ્યામાં આ વર્ષથી જ વધારો કરાયો છે

ધોરણ ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૪ જૂનથી ધોરણ ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા યોજાશે. આજે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરાઈ છે. બોર્ડ દ્વારા વિગતવાર સમયપત્રક બાદમાં જાહેર થશે. ઉલ્લેખનીય છે કે, પૂરક પરીક્ષાની વિષયની સંખ્યામાં આ વર્ષથી જ વધારો કરાયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો ૨૦૦૫ના વિનિયમ ૧૬ (૧) ની જોગવાઈ અનુસાર ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમા માટેની પૂરક પરીક્ષા તા.૨૪/૦૬/૨૦૨૪થી યોજવામાં આવશે. ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું વિગતવાર સમયપત્રક આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.