કોરોના વાયરસના કેસોમાં સતત મંગળવારે દેખાયેલા એક મોટા ઘટાડા બાદ બુધવારે દર્દીઓની સંખ્યા ફરીથી વધી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા ૨૪ કલાકની અંદર દેશમાં કોરોના વાયરસના ૬૯૮૪ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૨૪૭ દર્દીઓના મોત થયા છે. આ પહેલા મંગળવારે કોરોના વાયરસના દૈનિક કેસોની સંખ્યા ૫૭૮૪ હતી. જા કે રાહતની વાત એ છે કે કોરોનાથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને છેલ્લા એક દિવસમાં ૮૧૬૮ દર્દીઓ રિકવર થયા છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના વાયરસથી અત્યાર સુધી કુલ ૩,૪૧,૪૬,૯૩૧ દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે. કોરોના વાયરસના દર્દીઓનો રિકવરી રેટ વધવાથી સક્રિય દર્દી પણ ઘટ્યા છે અને હાલમાં આ આંકડો ઘટીને ૮૭,૫૬૨ સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે અત્યાર સુધી કુલ ૪,૭૬,૧૩૫ લોકોના જીવ ગયા છે. વળી, કોરોના મહામારી સામે દેશભરમાં રસીકરણ અભિયાન ચાલુ છે અને અત્યાર સુધી વેક્સીનનો કુલ ૧,૩૪,૬૧,૧૪,૪૮૩ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.
હજુ પણ દક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશભરમાં કુલ ૬૯૮૪ કેસોમાથી ૩૩૭૭ કેસ એકલા કેરળમાં મળ્યા છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસમાં કેરળની અંદર કોરોના વાયરસના કારણે ૨૮ લોકોના જીવ ગયા છે.