ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ માટે બુધવારે ગુવાહાટી પહોંચી. કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ૩૦ રનથી હરાવીને બે મેચની શ્રેણીમાં ૧-૦થી લીડ મેળવી. ભારતીય ટીમ હવે ૨૨ નવેમ્બરના રોજ બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી મેચ ડ્રો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.કેપ્ટન શુભમન ગિલ ભારતીય ટીમ સાથે કોલકાતાથી ગુવાહાટી ગયો છે. ગિલને પહેલી ઇનિંગમાં બેટિંગ કરતી વખતે ઈજા થઈ હતી, જેના કારણે તે બાકીની મેચમાંથી બહાર થઈ ગયો હતો. ગિલ હજુ સુધી સંપૂર્ણ રીતે ફિટ નથી, અને બીજી ટેસ્ટમાં તેની ભાગીદારી શંકામાં છે. એવી શક્્યતા છે કે ગિલ ગુરુવાર અને શુક્રવારે યોજાનારી પ્રેક્ટીસ સત્રો દરમિયાન પોતાની ફિટનેસ સાબિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. જાકે, કેપ્ટનની ઈજાએ ટીમ ઇન્ડિયા માટે ચિંતા વધારી છે.ભારતીય ટીમના સૂત્રો અનુસાર, ૨૬ વર્ષીય ગિલ હજુ ૧૦૦% ફિટ નથી. તેની ગરદનનો દુખાવો ચાલુ છે, જાકે તે પહેલા કરતા ઘણો ઓછો છે. અગાઉ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે  જાહેરાત કરી હતી કે ગિલ ટીમ સાથે ગુવાહાટી ગયો હતો. બીસીસીઆઇ સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, “શુભમન સારવારથી સારો પ્રતિભાવ આપી રહ્યો છે અને ટીમ સાથે ગુવાહાટી જશે. બીસીસીઆઇ મેડિકલ ટીમ ગિલ પર નજર રાખશે, અને બીજી ટેસ્ટમાં તેની ભાગીદારી અંગે નિર્ણય તેની પ્રગતિના આધારે લેવામાં આવશે.” આમ,બીસીસીઆઇ સેક્રેટરીએ બીજી ટેસ્ટમાં ગિલની ભાગીદારી અંગે પોતાની શંકા જાળવી રાખી.