દિવાળીના વેકેશન બાદ આજથી શાળાઓની શરૂઆત થઈ છે. દિવાળી વેકેશન બાદ વિદ્યાર્થીઓ આજે ફરી એક વખત સ્કૂલમાં પહોંચ્યા હતા. આજે સ્કૂલમાં વિદ્યાર્થીઓની ચહલપહલ શરૂ થઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી સરકારી, ગ્રાન્ટેડ સહિતની અંદાજે ૫૩ હજારથી વધારે સ્કૂલોમાં ૨૮મી ઓક્ટોબરથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન પડ્યું હતું જે આજે પૂર્ણ થયું છે. ત્યારે એકેડેમિક કેલેન્ડર પ્રમાણે આજથી એટલે કે ૧૮મી નવેમ્બરથી નવા એટલે કે બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ૫મી જુલાઇ ૨૦૨૪એ વર્ષ ૨૦૨૪-૨૫નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું હતું. જેમાં શિક્ષણના દિવસો, પરીક્ષાની તારીખ અને વેકેશનની તારીખના દિવસો પણ જાહેર કરી દેવામાં આવ્યા હતા. એકેડેમિક કેલેન્ડર પ્રમાણે ૧૮મી નવેમ્બરથી શરૂ થનારા બીજા શૈક્ષણિક સત્રમાં કુલ ૧૩૫ દિવસ શિક્ષણ કાર્ય કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ૨૦૨૫ માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫થી શરૂ થશે. ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ૧૩ માર્ચ ૨૦૨૫ સુધી ચાલશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક કેલેન્ડર અંતર્ગત ઉનાળુ વેકેશન ૩૫ દિવસનું રહેશે.