કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કે અન્ય રમતોમાં જેમ પ્રાથમિક રાઉન્ડ બાદ જેમ સેમિફાઇનલ હોય છે તેવી જ રીતે રાજકારણની રમતમાં પણ સેમિફાઇનલ હોય છે.૨૦૨૪માં લોકસભાની ચૂંટણી પહેલા વિવિધ રાજ્યોની વિધાનસભાઓની જે ચૂંટણી આવે છે તેને સેમિફાઇનલ તરીકે જ મૂલવવામાં આવે છે.આ ચૂંટણીના પરિણામો ઘણા પ્રસંગોમાં પારાશીશી સમાન પુરવાર થતા હોય છે.આમ કોઈ કિસ્સામાં અપવાદ ઉભો થતો હોય છે.૨૦૨૨ અને ૨૦૨૩ના વર્ષોમાં જે રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી આવે છે તેના પરિણામો ઉપરથી લોકોનો મૂડ કેવો છે તેનો સહેલાઇથી ખ્યાલ આવી જાય તેમ છે.૨૦૨૪માં જે લોકસભાની ચૂંટણી રૂપી ફાઇનલ પહેલા ૨૦૨૨માં બે અને અને ૨૦૨૩માં એક સેમિફાઇનલ જેવી રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી યોજાવાની છે.૨૦૨૨માં સાત અને ૨૦૨૩માં  ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
૨૦૨૨માં  ઉત્તરપ્રદેશ,ઉત્તરાખંડ, પંજાબ,મણિપુર અને ગોવા એમ પાંચ રાજ્યોની ચૂંટણી એપ્રિલ અને મેં માસમાં યોજાવાની છે. જ્યારે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ના નવેમ્બર માસમાં યોજાવાની છે.આમ આ વર્ષમાં કુલ સાત રાજ્યોમાં ચૂંટણી છે.જ્યારે ત્યાર પછીના વર્ષે એટલે કે ૨૦૨૩માં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી યોજાશે. આમ આ દસ રાજ્યોની ચૂંટણી ૨૦૨૪ની ફાઇનલ પહેલાની સેમિફાઇનલ સમાન ચૂંટણી બની રહેવાની છે.આ ચૂંટણીનું એટલા માટે પણ ઘણું મહત્વ છે.જો કે ૨૦૨૩ના છેલ્લા માસમાં તેલંગણાની ચૂંટણી પણ યોજાય તેમ છે.જો આમ થાય તો આ ૧૧ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સત્તાધારી અને વિપક્ષ એ બન્ને માટે મહત્વની બની રહે તેમ છે.એક માટે સત્તા ટકાવવાનો અને બીજા માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ બનશે.
આ ૧૧ રાજ્યો પૈકી પાંચ રાજ્યો ઉત્તરપ્રદેશ,ઉત્તરાખંડ,પંજાબ ,   મણિપુર અને ગોવા વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ના એપ્રિલ મેં માસમાં યોજાવાની છે.આ પાંચ પૈકી ચાર રાજ્યોમાં હાલ ભાજપનું શાસન છે.એક માત્ર પંજાબમાં કોંગ્રેસનું શાસન છે.ઉત્તરપ્રદેશ એ દેશનું સૌથી મોટું રાજ્ય છે.ત્યાંની રાજ્ય વિધાનસભામાં ૪૦૩ સભ્યો છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં ભાજપે ત્યાં ૩૦૦ કરતા વધુ બેઠકો સાથે સત્તા કબજે કરી હતી.ગોરખપુરના સંસદસભ્ય તરીકે રાજીનામુ આપી યોગી આદિત્યનાથ યુ પી ના મુખ્યમંત્રી બન્યા હતા.સમાજવાદી પક્ષને ૪૪ તેમજ માયાવતીના બહુજન સમાજ પાર્ટીને માત્ર ત્રીસ આસપાસ બેઠકો મળી હતી.જ્યારે સમાજવાદી પક્ષ સાથે જોડાણ કરી ૧૦૦ બેઠકો લડનાર કોંગ્રેસને માત્ર આંગળીના વેઢે ગણાય તેટલી સાત બેઠકો મેળવીને  સંતોષ માનવો પડ્યો હતો ટૂંકમાં કહો તો કોંગ્રેસનું રીતસરનું ધોવાણ થયું હતું.ત્યારબાદ લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી ભલે ભાજપ હાર્યું હોય પણ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ૬૧  બેઠકો જીતીને પોતાનો દબદબો જાળવ્યો હતો.જો કે છેલ્લા બે વર્ષમાં ઉત્તરપ્રદેશમાં અનેક પડકારો ઉભા થયા છે.વખતે મુખ્ય વિપક્ષ સમાજવાદી પક્ષ,બહુજન સમાજ પાર્ટી ઉપરાંત દેશની સૌથી જૂની અને લડખડાતી પાર્ટી કોંગ્રેસ આક્રમક વલણ સાથે મેદાનમાં છે તો બીજી બાજુ દિલ્હીના શાસક પક્ષ આમ આદમી પાર્ટી પણ લડશે.ભાજપને સબક શીખવવા જનતા દળ (યુ) પણ મેદાનમાં ઉતરે તેવી પૂરેપૂરી શકયતા છે.પરંતુ સૌથી મોટો પડકાર તો મુલાયમસિંહ અને અખિલેશ યાદવનો પક્ષ સમાજવાદી પક્ષ જ બને તેમ છે.ઘણા માનેછે તે પ્રમાણે સ્થિતિ ૨૦૧૭ જેટલી આસાન તો નથીજ, ખેડૂત આંદોલન સહિતના ઘણા મુદ્દા ભાજપને નડવાના છે.જો કે ભાજપ સામેના મતોના વિભાજનના આધારે ચૂંટણી જીતવા આશાવાદી છે તો વિપક્ષ એન્ટી ઇન્કમબનસી વેવ પર ચૂંટણી જીતવા આશાવાદી છે.જો કે ઉત્તરપ્રદેશની જીત કોઈ પણ પક્ષ માટે નિર્ણાયક સાબિત થાય તેમ છે.છેલ્લી ત્રણ ચૂંટણીથી આ મોટા રાજ્યમાં શાસકો બદલાય છે.૨૦૦૭માં માયાવતીને જીત મળ્યા બાદ ૨૦૧૨માં અખિલેશ યાદવ જીત્યા હતા.જ્યારે ૨૦૧૭માં ભાજપ જીત્યું હતું.
ઉત્તરપ્રદેશમાંથીજ સર્જાયેલું અને હરદ્વાર,કેદારનાથ,બદ્રીનાથ સહિતના તીર્થધામોના કારણે દેવભૂમિ તરીકે જાણીતા બનેલા ઉત્તરાખંડ વારંવાર મુખ્યમંત્રી બદલવાના મોરચે પણ હવે ખ્યાતનામ બન્યું છે.૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને ત્યાં ૫૮ આસપાસ બેઠકો મળી હોવા છતાં અત્યાર સુધીમાં ત્રણ મુખ્યમંત્રીઓ બદલાઈ ચુક્યા છે. ઉત્તરાખંડમાં પણ લગભગ પાંચ વર્ષે તો શાસન પલટો થતો જ રહયો છે.આ વખતે ત્યાં આમઆદમી પાર્ટીએ અત્યારથી પુરી તાકાત સાથે પ્રચાર શરૂ કરી દીધો છે એટલુંજ નહિ પણ નિવૃત લશ્કરી અધિકારી અજય રાવતને મુખ્યમંત્રી પદનો ચહેરો પણ જાહેર કરી દઈ આમ બીજા રાજકીય હરીફોને પાછળ રાખી દીધા છે.જ્યારે રાબેતા મુજબ વચનોની લ્હાણી પણ કરી છે.જ્યારે આ વખતે ત્યાં માયાવતીનો પક્ષ બહુજન સમાજ પાર્ટી પણ પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરે તેમ છે. ટૂંકમાં ઉત્તરાખંડનો ચૂંટણી જંગ બધા માટે સાવ સરળ તો નથી જ.જ્યારે નજીકમાં આવેલ પંજાબમાં હાલ કોંગ્રેસની ભારે બહુમતીથી સત્તા પર આવેલી સરકાર છે.૨૦૧૭માં ૭૦ કરતા વધુ બેઠકો સાથે કોંગ્રેસે સત્તા કબજે કરી હતી.આમ આદમી પાર્ટી ૨૫ બેઠકો સાથે બીજાનંબરે હતી તો ભાજપ અકાલી દળ જોડાણનું તો આઠ બેઠકો સાથે રીતસરનું જોડાણ થયું હતું.ખેડૂત આંદોલનનું એ પી સેન્ટર પંજાબ છે.સ્થાનિક ચૂંટણીમાં પણ કોંગ્રેસને એક તરફી કહી શકાય તેવો ભવ્ય વિજય મળ્યો હતો.પરંતુ ત્યાં કોંગ્રેસની જૂથબંધી તેને નડે છે.હમણાંજ જેમને સત્તા છોડવી પડી તે કેપ્ટન અમરીન્દર સિંહે નવો પક્ષ રચી ભાજપ સાથે કૃષિકાયદાઓ રદ કરવાની શરતે ગઠબંધનના સંકેત આપ્યા છે.બીજી બાજુ ભાજપથી અલગ પડેલા અકાલી દળે બસપા સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી છે.આમઆદમી પાર્ટી આ વખતે સત્તા પ્રાપ્તિના ધ્યેય સાથે મેદાનમાં ઉતરી છે.કોંગ્રેસની સ્થિતિ સારી હતી પણ કૅપ્ટન અને નવજોત સિધ્ધુ વચ્ચેની ખેંચતાણના કારણે પક્ષનું વિભાજન થતા તેની સ્થિતિ બગડી છે.જ્યારે ઈશાન પૂર્વના રાજ્ય મણિપુરમાં હાલ ભાજપનું શાસન છે.સ્થાનિક પક્ષના ટેકાથી ચાલતું હતું તાજેતરમાં છ થી વધુ ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે.ત્યાં સ્થાનિક પક્ષના હાથમાં હુકમનું પાનું રહે તેવી શકયતા છે.જ્યારે પાંચમા રાજ્ય ગોવામાં હાલ એક થી વધુ સ્થાનિક પક્ષ સાથે ચાલતું ભાજપનું શાસન છે.કોંગ્રેસ ૧૫ બેઠકો મળી હોવા છતાં સત્તા મેળવી શકી નહોતી.આ વખતે મમતા બેનર્જીનો ઓક્સ ટી એમસી તેમજ આમ આદમી પાર્ટી ત્યાં પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે.ગોવા કોંગ્રેસમાં એક  ગાબડું તો પડી ચૂક્યું છે.આ વખતે ભાજપ કે કોંગ્રેસ કોઈ માટે ગોવાની ચૂંટણી સાવ સરળ નથી.
આ પાંચ રાજ્યો બાદ બીજા બે રાજ્યોની ચૂંટણી નવેમ્બર માસમાં આવે છે.ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વતન છે.ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી ડો મનસુખભાઇ માંડ વિયા તેમજ પરસોત્તમભાઈ રૂપાલા સહિત ના સાત પ્રધાનો ગુજરાત ના છે.ગુજરાતમાં ૧૯૯૫થી ભાજપની સત્તા છે. વડાપ્રધાન બન્યા પહેલા નરેન્દ્રભાઈ પણ ૨૦૦૧ થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્ય મંત્રી હતા.૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને ૯૯ અને કોંગ્રેસને ૭૭ બેઠકો મળી હતી.પરંતું  પક્ષ પલટા ના કારણે કોંગ્રેસની તાકાત ઘટીને ૬૫ થઈ ગઈ છે.૨૦૧૯માં કોંગ્રેસે લોકસભાની એક પણ બેઠક જીતી નહોતી.૨૦૨૦માં યોજાયેલી  પેટા ચૂંટણીમાં કોંગ્રેસે તમામ આઠ બેઠકો ગુમાવી હતી.તો તમામ આઠ મહાનગરો મોટાભાગના નગરો  અને તમામ જિલ્લા પંચાયતોમાં હાલ ભાજપની સત્તા છે.જ્યારે કોંગ્રેસ હજી પોતાની હતાશામાંથી બહાર આવી નથી.પોતાનું સંગઠન પણ વ્યવસ્થિત બનાવી શકી નથી.જ્યારે સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૭ જેટલી બેઠક જીતનાર આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી તાકાતથી લડવાના મૂડમાં છે અને આ અંગે તૈયારીઓ પણ શરૂ કરી છે.ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૨૨ તક જેટલા મત મેળવનાર કેજરીવાલનો આ પક્ષ પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે તે નક્કી છે.ગાંધીનગરમાં આપ અને કોંગ્રેસ એક બીજાને નડ્યા છે.તેથી ભાજપ ફાવી ગયું છે.તેમાંય ભાજપ આ વખતે તમામ ૧૮૨ બેઠક જીતવાના લક્ષાંક સાથે મેદાનમાં ઉતરવા વ્યૂહ ગોઠવી રહયુ છે.અત્યારે તો ગુજરાત માં ત્રી પાંખિયા જંગના એંધાણ દેખાય છે.ભાજપ સત્તા જાળવવા કોંગ્રેસ અસ્તિત્વ ટકાવવા અને આપ પોતાની તાકાત બતાવવા લડશે તેવું હાલના સંજોગો જોતા લાગી રહ્યું  છે.જ્યારે આ જ સમયગાળામાં જ્યાં ચૂંટણી યોજાવાની છે તે બીજા રાજ્ય હિમાચલ પ્રદેશમાં હાલ ભાજપની સત્તા છે.તે જાળવવા ભાજપ કોઈ કસર નહિ છોડે.જ્યારે આ રાજ્યમાં કોંગ્રેસ ગુજરાત કરતા ઘણી મજબૂત છે.જો કે આમ આદમી પાર્ટીના આંટા ફેરા આ રાજ્યમાં પણ ચાલુ છે.આમ આ રાજ્યમાં પણ રસાકસીસભર જંગ જોવા મળશે તે પણ નિશ્ચિત છે.
૨૦૨૩ એટલે કે લોકસભા ચૂંટણીના અગાઉના વર્ષમાં બે રાઉન્ડમાં કુલ ચાર રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી યોજાશે.આ રાજ્યો છે મધ્યપ્રદેશ,રાજસ્થાન અને છત્તીસગઢ છર જેની ચૂંટણી એક જ સમયગાળા માં યોજાવાની છે.૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીમાં છત્તીસગઢમાં કોંગ્રેસે મોટી બહુમતિ સાથે સત્તા કબજે કરી હતી. જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ અપક્ષ ધારાસભ્યોના સહયોગ સાથે સરકાર રચી હતી.જો કે મધ્યપ્રદેશના કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાની જાહેરાત કર્યા બાદ તેમના ટેકેદાર એવા ૨૨ જેટલા ધારાસભ્યોએ પણ એ જ માર્ગ લેતા ત્યાં કમલનાથના મુખ્યમંત્રી પદ હેઠળની કૉંગ્રેસી સરકારનું પતન થયું હતું.અને શિવરાજસિંહ ચૌહાણની આગેવાની હેઠળ ભાજપની સરકાર રચાઈ હતી.જે પેટાચૂંટણીમાં સિંધિયા સમર્થક ધારાસભ્યોના વિજય સાથે મજબૂત બની હતી. જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં જૂથબંધી ના ઓછાયા વચ્ચે કૉંગ્રેસી સરકાર ચાલુ છે.હવે પછીની ચૂંટણીમાં શુ થાય છે તે જોવાનું રહે છે.૨૦૧૯ની ચૂંટણીમાં આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસનો ધબડકો થયો હતો.જો કે આ ચૂંટણી લોકસભાની હતી.જો કે ત્રણેય રાજ્યોની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો નોંધપાત્ર વિજય થયો હતો.જો કે ભાજપ આ ત્રણેય રાજ્યોમાં પોતાનું વર્ચસ્વ મેળવવા માટેના પ્રયાસોમાં કોઈ કચાસ રાખશે નહિ. જ્યારે દક્ષિણના તેલંગણાની ચૂંટણીમાં ત્યાંના સ્થાનિક પક્ષ ટી આર એસ નો વિજય થયો હતો.બે ચૂંટણી આ પક્ષ જીત્યો છે.આ વખતે ભાજપ અને ઓવીસીનો પક્ષ તેમજ કોંગ્રેસ અને ટીડીપી એટલે કે ચંદ્રાબાબુ નાયડુનો પક્ષ તેલુગુ દેશમ પણ મેદાનમાં ઉતરે તેવી પુરી શકયતા છે.
આમ ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા યોજાનારી આ ૧૧ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો જંગ ૧૦૦૦ કરતા વધુ બેઠકો માટે ખેલાવાનો છે.આમાં લોકસભાની પણ ૧૭૫ કરતા વધુ બેઠકો આવી જાય છે. જેથી આ ચૂંટણીના પરિણામો પર થી વર્તમાન પરિસ્થિતિમાં જનતાનો કેવો મૂડ છે તેની પણ ખબર પડી જશે.તેવું મોટાભાગના રાજકીય નિરીક્ષકો માને છે.તેથી જ તો આ ચૂંટણી સેમિફાઇનલ સમાન જ ગણવામાં આવે છે.આથી કોઈ પક્ષ કચાશ રાખશે નહિ તે નિશ્ચિત છે.