ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ આવતા વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પાકિસ્તાનનાં પ્રવાસ પર બે ટી ૨૦ આંતરરાષ્ટ્રિય મેચ રમશે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે તેની પુષ્ટિ કરતા આ માહિતી આપી. ઇંગ્લિશ ટીમને પાકિસ્તાન પ્રવાસ પર પાંચ ટી ૨૦ મેચ રમવાની છે. પરંતુ તે વધારાની બે ટી ૨૦ મેચ પણ રમશે.
ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનનાં પ્રવાસ પર કુલ ૭ ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચ રમશે. ઇસીબીનાં ચીફ એક્ઝિક્યુટિવ ટોમ હેરિસન અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ રમીઝ રાજો સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ નવેમ્બર અને ડિસેમ્બરમાં ફરીથી પાકિસ્તાનનો પ્રવાસ કરશે, જ્યાં તેઓ ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમશે. ઈંગ્લેન્ડની ટીમ ૨૦૦૫ પછી પહેલીવાર ગયા મહિને ઓક્ટોબરમાં પાકિસ્તાનનાં પ્રવાસે જવાની હતી, જ્યારે તેમની મહિલા ટીમ પણ અહીં પ્રથમ વખત પ્રવાસે જવાની હતી. પરંતુ બાદમાં ઈસીબીએ સુરક્ષા કારણોને ટાંકીને પ્રવાસ રદ કર્યો હતો. ઈંગ્લેન્ડનાં આ નિર્ણયની પાકિસ્તાનમાં વ્યાપક ટીકા થઈ હતી.
આ પછી, ઈસીબીનાં ચીફ એક્ઝિક્યુટિવ ટોમ હેરિસન પાકિસ્તાનની મુલાકાતે ગયા અને પીસીબી સાથે સંબંધો સુધારવા માટે રમીઝ રાજોને મળ્યા અને બે વધારાની ટી ૨૦ મેચો રમવા માટે પણ સંમત થયા.
ઈસીબીનાં નિર્ણયનું સ્વાગત કરતાં પીસીબીનાં અધ્યક્ષ રમીઝ રાજોએ કહ્યું, “ઈસીબીએ અહીં આવીને પોતાનું દિલ ખોલીને બતાવ્યું છે, જેના માટે હું ટોમ અને માર્ટિનનો આભારી છું.” આ અમારા માટે ઘણુ મહત્વ ધરાવે છે. અમે રોમાંચિત છીએ કે ઈંગ્લેન્ડે ૨૦૨૨માં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં બે વધારાની ટી ૨૦ મેચ રમવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. અમે એ સુનિશ્ચિત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે કે તમામ મુલાકાતી ટીમો પાકિસ્તાનમાં સુરક્ષિત રહે. તો ૨૦૨૨માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને આવકારવા આતુર પાકિસ્તાનનાં ચાહકો માટે આ ગર્વની વાત છે.