લોકસભામાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું છે કે ૨૦૨૧ની વસ્તી ગણતરી અને સંબંધિત પ્રવૃત્તિઓ કોરોના મહામારીના કારણે સ્થગિત કરવામાં આવી છે. ૨૮ માર્ચ ૨૦૧૯ની તારીખના ગેઝેટમાં ૨૦૨૧ની વસ્તી ગણતરી હાથ ધરવાનો સરકારનો ઈરાદો સૂચિત કરવામાં આવ્યો હતો. નિત્યાનંદ રાયે જવાબમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં વિવિધ રાજ્યોમાં વસ્તી ગણતરી અધિકારીઓની ૩૭૨ જગ્યાઓ ભરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું કે આઝાદી પછી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સિવાયની જાતિ મુજબની ગણતરી કરવામાં આવી નથી. સરકારને પૂછવામાં આવ્યું કે શું આર્થિક અને સામાજિક રીતે પછાત લોકોના ઉત્થાન માટે સરકારની જાતિ ગણતરીની કોઈ યોજના છે?
દેશમાં ડિજિટલ વસ્તી ગણતરીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત સરકાર પોર્ટલ દ્વારા નાગરિકોને સ્વયં માહિતી આપવાની સુવિધા લાવવા જઈ રહી છે. અત્યાર સુધી જે વસ્તી ગણતરી થતી હતી તે માટે વસ્તી ગણતરીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ ઘરે-ઘરે જઈને લોકો પાસેથી ફોર્મ દ્વારા માહિતી મેળવતા હતા. હવે ડિજિટલ વસ્તી ગણતરીમાં સ્માર્ટફોન, ટેબ દ્વારા વસ્તી ગણતરીનો ડેટા ફીડ કરવામાં આવશે. આ સિવાય લોકો પોર્ટલ દ્વારા પોતાના વિશેની માહિતી પણ આપી શકશે.