તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલા જ ઓક્ટોબર મહિનાના પહેલા જ દિવસે લોકોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો ઝીંક્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ૪૮.૫ રૂપિયા સુધી વધ્યા છે. નવા ભાવ મંગળવાર એટલે કે પહેલી ઓક્ટોબર સવારથી જ લાગૂ થઈ ચૂક્યા છે. આ વધારા બાદ હવે દિલ્હીમાં ૧૯ કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ ૧૭૪૦ રૂપિયા સુધી પહોંચ્યો છે.
આ અગાઉ ૧ સપ્ટેમ્બરે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૩૯ રૂપિયાનો વધારો કર્યો હતો. જ્યારે પહેલી જુલાઈએ ભાવમાં ઘટાડો થયો હતો અને તે વખતે ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૩૦ રૂપિયા ઘટ્યા હતા.
જા કે આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફક્ત ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. પરંતુ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ ૮૦૩ રૂપિયા છે જ્યારે કોલકાતામાં ૧૪ કિલોગ્રામવાળો સિલિન્ડરનો ભાવ ૮૨૯ રૂપિયા છે. મુંબઈમાં એલપીજીનો ભાવ ૮૦૨.૫ રૂપિયા અને ચેન્નાઈમાં ૯૧૮.૫ રૂપિયા છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૪૮.૫ રૂપિયાનો વધારો ઝીંક્યા બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને ૧૭૪૦ રૂપિયા થયો છે. જ્યારે મુંબઈમાં ૧૯ કિલોગ્રામવાળો એલપીજીનો બાટલો ૧૬૪૪ રૂપિયાથી વધીને હવે ૧૬૯૨.૫૦, કોલકાતામાં ૧૮૫૦.૫૦ રૂપિયા ભાવ અને ચેન્નાઈમાં ૧૯૦૩ રૂપિયા થઈ ગયો છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એવિએશન ટર્બાઈન ફ્યૂલના ભાવમાં ઘટાડો કર્યો છે અને તેના ભાવમાં ૫,૮૮૩ રૂપિયા પ્રતિ કિલોલીટરનો કાપ આવ્યો છે. એટીએફના નવા દર આજથી લાગૂ થયા છે. એટીએફના ભાવમાં ઘટાડા બાદ હવે હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે. જા કે તે એરલાઈન્સ પર નિર્ભર કરે છે કે તે ઓઈલના ભાવમાં કાપનો ફાયદો મુસાફરોને આપે છે કે નહીં.