રાહુલ ગાંધીએ ૨૦૧૪ પહેલાં દેશમાં ‘લિંચિંગ’ શબ્દ કોઈએ સાંભળ્યો નહોતો તેમ કહીને કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો. તેના જવાબમાં ભાજપે ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોનો ઉલ્લેખ કરી રાજીવ ગાંધીને ‘મોબ લિંચિંગના પિતા’ ગણાવતા વિવાદ સર્જાયો હતો.

પંજાબમાં બે દિવસ પહેલાં મોબ લિંચિંગમાં માર્યા ગયેલા બે યુવાનોનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો. તેમણે ટ્‌વીટમાં જણાવ્યું હતું કે, ‘૨૦૧૪ પહેલા લિંચિંગ શબ્દ કોઈએ સાંભળ્યો નહોતો. થેન્ક્યુ મોદીજી.’ પંજાબમાં સતત બે દિવસમાં અલગ અલગ ઘટનામાં મોબ લિંચિંગમાં બે યુવાનોનાં મોત નીપજ્યાં હતા. રાહુલ ગાંધીના આક્ષેપના જવાબમાં માહિતી અને પ્રાસરણ મંત્રી તથા ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ૧૯૮૪ના હુલ્લડો કે જેમાં હજારો શીખો માર્યા ગયા હતા તે ‘મોબ લિંચિંગ’નું સૌથી મોટું ઉદાહરણ છે.

અનુરાગ ઠાકુરે મીડિયા માટે ‘દલાલી’ શબ્દનો ઉપયોગ કરવા બદલ રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી અને આ બાબતને શરમજનક ગણાવી હતી. એક પત્રકારે રાહુલ ગાંધીને સંસદનું સત્ર સુચારુ રૂપે નહીં ચાલવા દેવા માટે વિપક્ષને જવાબદાર ગણાવતા સરકારના નિવેદન અંગે સવાલ કરતા રાહુલ ગાંધી ગુસ્સે ભરાયા હતા. તેમણે પત્રકારને સવાલ કર્યો કે તમે સરકાર માટે કામ કરો છો? અને સરકારની દલાલી નહીં કરવા જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ મીડિયા પર પોતાનો અવાજ દબાવવાનો આક્ષેપ કરતાં ટ્‌વીટ કરી હતી કે, દુખદ! મીડિયાના અનેક સાથીઓને માત્ર એક જ વ્યક્તિનો ચહેરો દેખાય છે. મોબ લિંચિંગ મુદ્દે સરકારને ઘેરતી રાહુલ ગાંધીની ટ્‌વીટ પછી ભાજપના આઈટી વિભાગના વડા અમિત માલવિયે પણ રાજીવ ગાંધીનો એક જૂનો વીડિયો ટ્‌વીટ કરતાં તેમને મોબ લિંચિંગના પિતા ગણાવ્યા હતા