અમરેલી જિલ્લામાં શિયાળાની શરૂઆત થવાની સાથે જ નશાખોરો અંગ્રેજી શરાબનો સ્વાદ ચાખવા તલપાપડ બન્યા હોય તેમ બે સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮ બોટલ ઝડપાઈ હતી. બંને સ્થળેથી મળીને ૩૭,૩૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ભટવદર ગામના ગેટ પાસેથી રાભડા ગામે રહેતો અને હીરાકામ કરતો દેવેન્દ્ર ગોહિલ નામનો યુવક મોટર સાઇકલ લઇને પસાર થતી વખતે ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની ૧૧ બોટલ સાથે ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી બાઇક, દારૂની બોટલો મળી ૩૪,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેણે આ બોટલો ભાવનગરના યુવક પાસેથી લીધી હોવાની કબૂલાત કરી હતી. દામનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એમ.કે.પિછડીયા વધુ તપાસ કરી રહ્યા છે. ચાંચ ગામેથી મુકેશ શિયાળ નામના વ્યક્તિના રહેણાંક મકાનેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭ બોટલ મળી હતી. પોલીસે ૨૯૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રભાઈ બસીયા વધુ તપાસ કરી રહ્યા છે.