રાજ્યસભા ચૂંટણીને લઈને ગરમાગરમી ચાલી રહી છે. ચૂંટણીમાં બસ હવે ગણતરીની કલાકો જ બાકી છે. આ રાજ્યસભા ચૂંટણી માટે ૧૫ રાજ્યોમાં કુલ ૫૭ સીટ પર મતદાન થનાર હતું.જેમાં નામાંકન વાપસીના અંતિમ દિવસે ૪૧ સભ્યોને નિર્વિરોધ ચૂંટી લેવામાં આવ્યા છે. હવે માત્ર ૧૬ સીટ પર આવતીકાલ તા.૯ જુનના દિવસે ચૂંટણી થશે જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટક સામેલ છે. પાર્ટીઓને હોર્સ ટ્રેડિંગ અને ક્રોસ વોટિંગનો ડર સતાવી રહ્યો છે. ઉમેદવારો તોડ-જોડની રાજનીતિમાં વ્યસ્ત છે, જ્યારે પાર્ટીઓએ પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં છૂપાવી દીધા છે. ધારાસભ્યો આમ-તેમ ના થાય તે માટે ભારે રખેવાળી કરવામાં આવી રહી છે.
સૌથી વધુ નિરસ ગણાતી રાજ્યસભાની ચૂંટણીને પણ ભાજપે બેહદ ચર્ચાસ્પદ અને રસાકસીભરી બનાવી દીધી.મોટા રાજ્યોમાં રાજ્યસભાની ખાલી પડેલી બેઠકોની ચૂંટણી પ્રત્યે સમગ્ર દેશનું ધ્યાન છે. કારણ કે સત્તાધારી ભાજપ માટે આ ચૂંટણી રાજ્યસભામાં પૂર્ણ બહુમતી મેળવવાનું લક્ષ્યાંક છે, તો સામે કોંગ્રેસ સહિતના વિપક્ષો માટે પોતાનાં ધારાસભ્યોને ટકાવી રાખવાનો પડકાર છે.
ગ્રામ પંચાયતથી માંડીને લોકસભા સુધીની તમામ ચૂંટણીઓ જનતાના સીધા મતદાન થકી યોજોય છે. જનતા પોતે જ પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. જ્યારે રાજ્યસભાની ચૂંટણી એવી છે જેમાં જનતાના ચૂંટેલા પ્રતિનિધિઓ જનતા વતી મતદાન કરીને રાજ્યસભાના સદસ્યની ચૂંટણી કરે છે. વળી આ ચૂંટણી પણ દર વર્ષે નિયમિત રીતે યોજોતી રહે છે. કારણ કે સમગ્ર રાજ્યસભાનું કદી વિસર્જન થતું નથી પરંતુ પ્રત્યેક વર્ષે બે તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થતાં રહે છે. અર્થાત આ ચૂંટણીમાં જનતાની સીધી સામેલગીરી નથી. નિયમિત યોજોતી ચૂંટણી છે. આથી જ રાજ્યસભાની ચૂંટણી ક્યારે આવે છે, ક્યા રાજ્યની કેટલી બેઠકો છે, કોણ ઉમેદવાર છે, કોણ જીતે છે વગેરે બાબતોમાં સાધારણ રીતે જનતાની ઉત્સુકતા ઓછી હોય છે. પરંતુ ભારે આક્રમક રાજનીતિ કરવામાં માનતાં ભાજપે પ્રત્યેક ચૂંટણીને સંખ્યાબળ વધારવાનું અને વિચારધારા પ્રસારવાનું શસ્ત્ર બનાવી દીધી છે. એટલે જ્યાં પોતાનો ઉમેદવાર જીતી શકે તેમ ન હોય ત્યાં પણ યેનકેન પ્રકારે જીતવાના પ્રયાસો કરીને રાજ્યસભાની ચૂંટણીમાં પણ રસાકસીનું તત્વ લાવી દીધું છે. જેને લીધે ક્રોસવોટિંગ, હોર્સ ટ્રેડિંગ યાને ધારાસભ્યોના ખરીદ-વેચાણનું દુષણ પણ વધ્યું છે. વર્તમાન ચૂંટણી પણ તેમાંથી બાકાત નથી.
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની છ સીટ પર ચૂંટણી છે, જેમાં કોંગ્રેસ અને રાકાંપા પાસે એક-એક સીટ જીતવા માટે પર્યાપ્ત સંખ્યા છે, જ્યારે ભાજપ પાસે બે સીટ જીતવા માટે પર્યાપ્ત ધારાસભ્ય છે. શિવસેના પાસે એક ઉમેદવારને રાજ્યસભા મોકલવા માટે પર્યાપ્ત સંખ્યા છે. જો કે તેમણે પોતાના બીજો ઉમેદવારને ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે પોતાના સહયોગીઓ અને અન્ય અપક્ષ ઉમેદવારો પાસેથી વધુ ૩૦ વોટની જરૂરત છે. ભાજપ પોતાની તાકાત પર બે સીટ જીતી શકે છે. કોંગ્રેસ, શિવસેના અને રાષ્ટ્રવાદી પાર્ટી એક-એક સીટ જીતી શકે તેમ છે. સાથે જ મહાવિકાસ અઘાડી (એમવીએ)માં સામેલ ત્રણેય દળો પાસે એક અન્ય સીટ જીતવા માટે વધુ વોટ હશે. શિવસેના પોતાની બીજી સીટ જીતવા માટે આ વોટ પર જ નિર્ભર છે.
રાજસ્થાનમાં ચાર સીટ માટે સીધી ફાઈટ છે. કોંગ્રેસથી ત્રણ ઉમેદવાર મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારી મેદાનમાં છે. ત્રણેય ઉમેદવારો માટે ૧૨૩ ધારાસભ્યોના વોટ જરૂરી છે. બદલાયેલા હાલાતમાં જો ત્રણ ધારાસભ્યોના વોટ પણ આમ-તેમ થઈ જોય તો કોંગ્રેસના ત્રીજો ઉમેદવારની હાર નક્કી છે. કોંગ્રેસ પાસે ખુદના ૧૦૮ ધારાસભ્ય છે. એક આરએલડીના સુભાષ ગર્ગ છે. ૧૩ અપક્ષ ઉમેદવાર, બે સીપીએમ અને બે બીટીપી ધારાસભ્યોને મિલાવી કોંગ્રેસને કુલ ૧૨૬ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે ભાજપના સમર્થનથી અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રા પણ મેદાનમાં છે. ચંદ્રાને ૧૧ વોટની જરૂરત હશે. ચંદ્રાને ભાજપના ૩૦ સરપ્લસ અને આરએલપીના ત્રણ ધારાસભ્યોના વોટ મળી શકે છે.
હરિયાણામાં બે સીટ માટે રાજ્યસભા ચૂંટણી થનાર છે. કાર્તિકેય શર્માએ અહીં મુકાબલો દિલચસ્પ બનાવી દીધો છે. શર્માને ભાજપનું સમર્થન મળેલું છે. તેમને જીતવા માટે ૩૧ વોટ જોઈએ. તેઓ કોંગ્રેસના અજય માકન માટે પડકાર બની ગયા છે. જ્યારે માકન માટે જીત ત્યારે જ સંભવ છે જ્યારે ૩૧ કોંગ્રેસ ધારાસભ્યોમાંથી ઓછામાં ઓછા ૩૦ ધારાસભ્યો તેમને મત આપે. બીજી તરફ ચર્ચા થઈ રહી છે કે પાર્ટીના ત્રણ ધારાસભ્યોએ પોતાના તમામ આૅપ્શન ખુલા રાખ્યા છે. એવામાં બારગેનિંગ અને ક્રોસવોટિંગની પૂરી સંભાવના બની રહી છે. બીજી તરફ કાર્તિકેયના દુષ્યંત ચૌટાલાની જેજેપીના ૧૦ ધારાસભ્યો અને ભાજપના બચેલા ૧૦ ધારાસભ્યોના વોટ મળવાની પૂરી સંભાવના છે.