અમરેલી જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આગામી ૧૬ સપ્ટેમ્બરના રોજ ‘નમો કે નામ’ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રના વીર સૈનિકોની ‘ઓપરેશન સિંદૂર’ની ભવ્ય સફળતાને સન્માન આપવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર ગુજરાત રાજ્યમાંથી એક જ દિવસે એક લાખ યુનિટ રક્ત એકત્ર કરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો છે. અમરેલી જિલ્લાનો લક્ષ્યાંક ૪,૦૦૦ યુનિટ રક્ત એકત્ર કરવાનો છે. આ કેમ્પ સવારે ૮ઃ૦૦ વાગ્યાથી શરૂ થશે.માનવસેવા અને જીવનદાનનો સંકલ્પઃ અમરેલી જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાએ તમામ નાગરિકોને આ સેવાયજ્ઞમાં જોડાવા માટે અપીલ કરી છે. રક્તદાનને માત્ર એક દાન નહીં, પરંતુ જીવનદાન ગણાવીને જણાવવામાં આવ્યું છે કે, એક ટીપું રક્ત કોઈ વ્યક્તિ માટે આશાનું કિરણ બની શકે છે. સર્જરી, અકસ્માત, કેન્સર કે થેલેસેમિયા જેવા ગંભીર રોગોથી પીડાતા દર્દીઓ માટે રક્તનું એક યુનિટ નવજીવન સમાન સાબિત થાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરેલી જિલ્લા આચાર્ય સંઘ, પ્રાથમિક શિક્ષક સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, વહીવટી સંઘ, આરોગ્ય કર્મચારી સંઘ અને તલાટી કર્મચારી સંઘના પ્રમુખો અને મંત્રીઓ સહિતના અગ્રણીઓએ એક બેઠક યોજી હતી.
અમરેલી જિલ્લામાં કુલ પાંચ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
૧. અમરેલી : વિદ્યાસભા સંકુલ, લાઠી રોડ (અમરેલી, કુંકાવાવ, વડીયા તાલુકા માટે)
૨. સાવરકુંડલા : એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ, એ.કે. ઘેલાણી ગર્લ્સ હા.સેક. સ્કૂલ (સાવરકુંડલા, ખાંભા તાલુકા માટે)
૩. લાઠી : કલાપી વિનય મંદિર (લાઠી, લીલીયા, બાબરા તાલુકા માટે)
૪. બગસરા : મેઘાણી હાઈસ્કૂલ (ધારી, બગસરા તાલુકા માટે)
૫. રાજુલા : બાલકૃષ્ણ વિદ્યાલય (રાજુલા, જાફરાબાદ તાલુકા માટે)










































