યુએઇમાં રમાઈ રહેલા ટી ૨૦ વર્લ્‌ડકપની સુપર ૧૨ મેચ પૂરી થયા બાદ હવે રોમાંચક વળાંક આવ્યો છે. ચાર સેમીફાઇનલ ટીમોનાં નામ સાથે, ટૂર્નામેન્ટ ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન, કોવિડ-૧૯ને કારણે, દુબઈ, અબુ ધાબી અને શારજોહ સ્ટેડિયમમાં મર્યાદિત સંખ્યામાં દર્શકોને મેચ જોવા માટે મેદાનમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે, આ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
જો કે આ દરમિયાન
એક રિપોર્ટ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ૧૪ નવેમ્બરે રમાનારી ફાઈનલ મેચ દરમિયાન દર્શકો ૧૦૦ ટકા ક્ષમતા સાથે દુબઈનાં મેદાન પર હાજર રહેશે.ટી ૨૦ વર્લ્‌ડકપની ફાઈનલ માટે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં તમામ ૨૫,૦૦૦ સીટો દર્શકો માટે ઉપલબ્ધ હશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને અમીરાત ક્રિકેટ બોડને આ માટે પરવાનગી મળી ગઈ છે. બીસીસીઆઇની નજીકનાં એક સૂત્ર દ્વારા ટાંકવામાં આવ્યું છે, બીસીસીઆઇ અને ઇસીબીએ ફાઈનલ મેચ માટે ૧૦૦% હાજરી આપવા માટે યુએઇ સત્તાધિકારીઓ પાસેથી પરવાનગી માંગી હતી. બોર્ડને આ પરવાનગી મળી ગઈ છે. પરંતુ આ માટે કોરોના પ્રોટોકોલનાં તમામ નિયમોનું પાલન કરવું પડશે.
બીસીસીઆઇનાં સૂત્રએ વધુમાં કહ્યું કે, આઇસીસીએ કોરોના પ્રોટોકોલનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ સારું કામ કર્યું. અમે સાથે મળીને આ કામ આગળ પણ ચાલુ રાખીશું જેથી કરીને ટી ૨૦ વર્લ્‌ડકપ ૨૦૨૧ સારી રીતે સમાપ્ત થઈ શકે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ભારતને ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતું હતું. પરંતુ ટીમ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નહીં અને સુપર ૧૨માં જ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ. કોહલી એન્ડ કંપની પોતાની પ્રથમ બે મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હારી ગઈ હતી, ત્યારપછી તેમના માટે આગળનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો હતો. જો કે ભારતીય ટીમ અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા સામે મોટી જીત નોંધાવવામાં સફળ રહી, પરંતુ તેઓ સેમિફાઇનલમાં જગ્યા બનાવી શક્યા નહીં.