બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના ચીફ લાલુ પ્રસાદ યાદવ આજે પાલમુ કોર્ટમાં હાજર થયા હતા. આચારસંહિતા ભંગના કેસમાં તેઓ કોર્ટમાં હાજર થયા. ૧૩ વર્ષ જૂના આ કેસમાં કોર્ટે તેમના પર ૬ હજાર રૂપિયાનો દંડ ફટકારીને કેસ ખતમ કરી દીધો છે.
તેઓ નિર્ધારિત સમયે પલામુ કોર્ટ પહોંચીને આઠ વાગે કોર્ટમાંથી બહાર નીકળી ગયા હતા. તેમણે જા કે પત્રકારોના કોઈ પણ પ્રશ્નનો જવાબ આપ્યો નહીં. તેઓ એમપી એમએલએની વિશેષ કોર્ટ સતીષ મુંડાની કોર્ટમાં હાજર થયા. લાલુ પ્રસાદ યાદવ લગભગ ૨૮ મિનિટ સુધી કોર્ટમાં હાજર રહ્યા હતા.
અત્રે જણાવવાનું કે લાલુ પ્રસાદ યાદવ આ કેસમાં દોઢ મહિનો અગાઉ જેલમાં જઈ ચૂક્યા છે. છ હજારના પર્સનલ બોન્ડ પર જામીન સાથે આ કેસને ખતમ કરી દેવાયો. વર્ષ ૨૦૦૯માં ગઢવાના ટાઉન હોલમાં ચૂંટણી સભા દરમિયાન લાલુએ મંજૂરી વગર હેલિકોપ્ટર લેન્ડ કરાવ્યું હતું જેના કારણે ત્યાં અફડાતફડીનો માહોલ ઊભો થયો હતો. લાલુના વકીલ પપ્પુ સિંહે કહ્યું કે આજે તેઓ પલામુના એમપી-એમએલએના સતીષ મુંડાની કોર્ટમાં હાજર થયા હતા. તેમને ૬ હજારનો દંડ કરી છોડી મૂકવામાં આવ્યા અને આ કેસ અહીં જ પૂરો થઈ ગયો.
લાલુ પ્રસાદ યાદવ હાલ ઝારખંડના પ્રવાસે છે. તેઓ પલામુ જિલ્લાના સર્કિટ હાઉસમાં રોકાયા છે. સોમવારે હેલિકોપ્ટરથી પલામુ જિલ્લા મુખ્યાલયના ચિયાંકી એરપોર્ટ પહોંચ્યા તો તેમના સ્વાગતમાં આરજેડી નેતાઓ અને કાર્યકરો તથા સમર્થકો ઉમટી પડ્યા હતા.