૧૬ ડિસેમ્બરે ભારતનો પાકિસ્તાન પર વધુ એક વિજય થયો તેનો દિવસ છે. આ જીતને પચાસ વર્ષ પૂરાં થયાં છે.આ યુદ્ધમાં પાકિસ્તાનના બે ટુકડા થયા હતા તેનું ભારત ગૌરવ લે છે. બાંગ્લાદેશનું સર્જન થયું. પાકિસ્તાનના હૈયા પર આ કારમો ઘા રહી ગયો છે. આ પછી પાકિસ્તાને ક્યારેય યુદ્ધ કરવાની હિંમત કરી નથી. તે પછી તેણે ત્રાસવાદી પ્રવૃત્તિ કરી છદ્મ યુદ્ધ જ કર્યું.
દુર્ભાગ્યે આ યુદ્ધમાં આપણી કેટલીક ભૂલોના કારણે આપણે એક રીતે ભોગ બનતા રહ્યા. અનેક નિર્દોષ નાગરિકોના જીવ આપણે ગુમાવ્યા. અર્થતંત્રને ફટકો પડ્યો. જમ્મુ-કાશ્મીરથી શરૂ કરીને આ યુદ્ધ મુંબઈમાં ૧૯૯૩ના શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકાથી વિસ્તરીને કોઇમ્બતુર, બેંગ્લુરુ, અમદાવાદ, જયપુર, દિલ્લી વગેરે સ્થાનોમાં આગળ વધ્યું. એક રીતે એમ કહેવું ખોટું નથી કે આ છદ્મ યુદ્ધમાં આપણે હારતા રહ્યા.
આ લેખ તમારા હાથમાં આવશે ત્યાર પછીના સપ્તાહમાં બે દિનાંક આવશે. ૧૩ ડિસેમ્બર અને ૧૬ ડિસેમ્બર. ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ એટલે સંસદ પર હુમલાનો કાળો દિવસ. અને ૧૬ ડિસેમ્બર એટલે વિજય દિવસ. એટલે આજના લેખમાં આપણે આ બંને ઘટનાઓને મૂલવીને આજે આપણે ક્યાં છીએ, આપણે શું પાઠ ભણ્યા, શું નથી ભણ્યા તેની ચર્ચા કરીશું.
૧૬ ડિસેમ્બરની ઘટના જૂની છે તેથી તેને પહેલા સમજવી જોઈએ. આ ઘટનામાં આપણએ મેદાન પર તો જીત્યા (જેવું અગાઉ પણ ૧૯૪૭, ૧૯૬૫માં થયું હતું) પરંતુ ટેબલ પર હારી ગયા. ૧૯૭૧ના યુદ્ધનો શ્રેય ઈન્દિરા ગાંધીને અપાય છે તે વાજબી છે પરંતુ ટેબલ પર હારી જવાનો અપયશ પણ સ્વાભાવિક જ ઈન્દિરા ગાંધીને જાય છે. જો તેમણે ધાર્યું હોત તો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર, ગિલગિટ, બાલ્ટિસ્તાન વગેરે પ્રદેશો ભારત પાસે પાછા આવી ગયા હોત. કાશ્મીરની સમસ્યા સદાના માટે ઉકેલાઈ ગઈ હોત.
છેલ્લી ઘડી સુધી આ મંત્રણા સફળ નહોતી થઈ. બેનઝીર ભુટ્ટોએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે આ મંત્રણાને પાકિસ્તાને કૉડ આપ્યો હતો. જો સફળ રહે તો છોકરો જન્મ્યો છે તેમ કહેવાનું અને જો નિષ્ફળ રહે તો છોકરી જન્મી છે તેમ કહેવાનું. (૧. ઝુલ્ફી ભુટ્ટો ઑફ પાકિસ્તાન: હિસ લાઇફ ઍન્ડ ટાઇમ્સ, લેખક: સ્ટેન્લી એ. વૉલપર્ટ૨. ડૉટર ઑફ ઇસ્ટ: એન ઑટૉબાયૉગ્રાફી, લેખિકા: બેનઝીર ભુટ્ટો)આના પરથી પાકિસ્તાનની (એટલે કે કટ્ટર મુસ્લિમોની) મહિલા વિરોધી માનસિકતા છતી થાય છે. મંત્રણા સફળ રહી. આખા દેશ-વિદેશમાં એવું ચિત્ર ગયું કે જાણે ભારત-પાકિસ્તાન વચ્ચે હંમેશ માટે શાંતિ સ્થપાઈ જશે.
પરંતુ ખરેખર શું થયું હતું?
સેનાના નિવૃત્ત કર્નલ અને સંરક્ષણ મંત્રાલયના યુદ્ધ અભ્યાસ વિભાગના પૂર્વ વડા અનિલ અથાલે મુજબ, આ યુદ્ધ પછી ભારતે (ઈન્દિરા ગાંધીએ) ત્રણ મોટી ભૂલ કરી: ૧. ભારતે જમીન દ્વારા ચીન અને પાકિસ્તાન વચ્ચે સંદેશાવ્યવહારને તોડી પાડવાની સોનેરી તક ગુમાવી દીધી. આ યુદ્ધમાં સોવિયેત સંઘે ચીન-સોવિયેત સંઘ સરહદે પોતાની સેના ખડકી હતી. તેના કારણે ચીન ભારત-પાકિસ્તાન યુદ્ધથી બહાર રહ્યું. યુદ્ધ ભારતની પૂર્વ સરહદે હતું તેથી જો ભારતે થોડું જોર કરી સ્કર્દુ કે ગિલગીટ તરફ કૂચ કરી હોત તો ચીન અને પાકિસ્તાન વચ્ચે જોડાણનો સેતુ તૂટી ગયો હોત.
બીજી ભૂલ એ કરી કે શિમલા કરારમાં ભારતે કાશ્મીર પ્રશ્નને વિવાદ માની લીધો. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ પાકિસ્તાન વતી એમ કહ્યું કે કાશ્મીર સમસ્યા ઉકેલવા તે બળનો ઉપયોગ નહીં કરે અને દ્વિપક્ષીય રીતે જ આનો ઉકેલ લાવવામાં આવશે. આ તો કેવી વિચિત્ર વાત! હારનાર પક્ષ શેખી મારે છે કે તે બળનો પ્રયોગ નહીં કરે. કાશ્મીર પ્રશ્ન વિવાદ હતો જ નહીં. તે તો આપણું જ હતું, છે અને રહેશે. તેને વિવાદ તરીકે ઉલ્લેખીને ભારતે આ પ્રશ્ન સળગતો રાખી દીધો.
ભારતના બધા શાસકો પોતાની શાંતિ દૂત તરીકે છબી ઉપસાવવા પ્રયાસ કર્યો. ચાહે તે વડા પ્રધાન નહેરુ હોય કે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી હોય કે અટલબિહારી વાજપેયી. એક માત્ર અપવાદ નરેન્દ્ર મોદી. આ સિન્ડ્રૉમને નિવૃત્ત કર્નલ અનિલ અથાલે ‘અશોક’ સિન્ડ્રૉમ ગણાવે છે. સમ્રાટ અશોકને કલિંગ યુદ્ધમાં જીત પછી શોક લાગી ગયો હતો અને તે પછી તેઓ બૌદ્ધ બની શાંતિની વાતો કરવા લાગ્યા હતા.
ત્રીજી ભૂલ હતી કે પાકિસ્તાનના સૈનિકોએ બાંગ્લાદેશમાં નરસંહાર, બળાત્કાર સહિતના અત્યાચારો આચર્યા હતા. તેમની સામે આપણે કોઈ કાર્યવાહી વગર તેમને જવા દીધા. પુરાવા પાકિસ્તાનમાંથી જ મળે છે. ન્યાયમૂર્તિ હમીદુર રહેમાન પંચનો રિપૉર્ટ આ પુરાવા ગાઈવગાડીને કહે છે. ભારતે આ બાબતે કોઈ કાર્યવાહી ન કરી તે તો ઠીક, પણ આખી દુનિયામાં ગાઈવગાડીને પાકિસ્તાનને એકલુંઅટુલું પાડી દેવાનું હતું. પરંતુ તે બધું શરૂ થયું નરસિંહરાવની સરકાર વખતે ૧૯૯૩ના બૉમ્બ ધડાકા પછી.
એ તો ઠીક, પણ આ યુદ્ધ પછી ઈન્દિરા ગાંધીએ દેશ માટે અને પોતાના પક્ષ માટે ભારે નુકસાન થાય તેવું એક પગલું ભર્યું હતું. ૨૦૧૯ પહેલાં જમ્મુ-કાશ્મીર નામનું રાજ્ય હતું. તેમાં લદ્દાખ પણ હતું, પરંતુ જાણે કે આ રાજ્ય કાશ્મીર જ છે તે રીતે રાજકારણીઓથી માંડીને મિડિયામાં ઉલ્લેખ કરાતો. અને વહીવટમાં પણ તેવું જ થતું. જમ્મુ અને લદ્દાખને દેખીતી રીતે જ ખૂબ અન્યાય થતો. મહારાજા હરિસિંહ વિશે એમ કહેવાય છે કે તેઓ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતમાં ભેળવવા તૈયાર નહોતા. આ અર્ધસત્ય છે. તેઓ આમ કેમ કરવા નહોતા માગતા તેનું કારણ છુપાવાયું છે. હરિસિંહજી જાણતા હતા કે નહેરુની નિકટતા શૈખ અબ્દુલ્લા સાથે છે. જો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતમાં ભેળવી દેવાશે તો તે રાજ્ય શૈખ અબ્દુલ્લાના હાથમાં ચાલ્યું જશે. અંતે થયું એવું જ. શૈખ અબ્દુલ્લાના હાથમાં ગયું, પરંતુ તેમની પાકિસ્તાન ભક્તિના કારણે, ભારત વિરોધના કારણે અંતે નહેરુ સરકારે જ તેમને જેલમાં પૂરવા પડ્યા.
લાલબહાદુર શાસ્ત્રીના સમયમાં પણ તેમને ફરીથી જેલમાં પુરાયેલા. શૈખ અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાંથી લગભગ ફેંકાઈ ગયા હતા. પરંતુ ૧૯૭૨ના વર્ષમાં તેમણે ડાહીડાહી વાતો કરી તેથી ઈન્દિરા ગાંધી પીગળી ગયાં. શૈખ અબ્દુલ્લા સામે તડીપારનો આદેશ પાછો ખેંચી લેવાયો અને તેમના ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા પ્લેબિસાઇટ ફ્રન્ટ પરથી પ્રતિબંધ ઉઠાવી લેવાયો. ૨૪ માર્ચ ૧૯૭૨ના રોજ ઈન્દિરા ગાંધીએ સંસદને જણાવ્યું કે શૈખ અબ્દુલ્લાના વિચારોમાં પરિવર્તન થયું છે! તેઓ કાશ્મીરને ભારતમાં ભેળવવાની અંતિમ વિધિ સાથે સંમત છે.
‘ઇસ્લામિક ફંડામેન્ટલિઝમ એન્ડ ઇન્ડિયા’ પુસ્તકમાં જે. બી. દાસગુપ્તા લખે છે કે ૧૯૭૨માં તડીપારનો આદેશ પાછો ખેંચાયો તે પછી શૈખ અબ્દુલ્લાનું વલણ બદલાયું નહોતું. તેમણે કાશ્મીરમાં આત્મનિર્ણયનો અધિકાર દેવાની માગણી પાછી કરી હતી. આ તરફ પાકિસ્તાન હારી ગયા પછી પણ ટંગડી ઊંચી રાખતું હતું. ભુટ્ટો કાશ્મીરીઓની સ્વતંત્રતાની વાત કરતા હતા.૧૯૭૫માં ઈન્દિરા અને શૈખના પ્રતિનિધિઓ વચ્ચે મંત્રણા પૂરી થઈ. આ સમજૂતીમાં ઈન્દિરા અથવા ભારતે શું ખાટ્યું? તેમાં જે મુદ્દાઓ પર સમાધાન થયું તે તો કાશ્મીરને અલગ જ રખાય તેવા મુદ્દા હતા. એક મુદ્દો એ હતો કે કાશ્મીરમાં ૩૭૦મી કલમ ચાલુ રહેશે. એ તો ઠીક, જમ્મુ-કાશ્મીરને વધુ સ્વતંત્રતા આપતો બીજો મુદ્દો એ હતો કે જમ્મુ-કાશ્મીરની સરકાર ૧૯૫૩ પછી કેન્દ્ર સરકારે બનાવેલા સમવર્તી (કોન્કરન્ટ) યાદીમાં આવતા વિષયો પરના કાયદાની સમીક્ષા કરી શકશે!
૧૯૭૫માં શૈખ સાથે સમજૂતી પછી ઈન્દિરાના ઈશારે જમ્મુ-કાશ્મીર-લદ્દાખમાં કૉંગ્રેસના મુખ્ય પ્રધાન સૈયદ મીર કાસીમે ત્યાગપત્ર આપી દીધો. શૈખની સમજૂતીથી કાશ્મીરમાં (અહીં ઈરાદાપૂર્વક કાશ્મીર શબ્દ વાપર્યો છે કારણકે શૈખનો કથિત દબદબો એક સમયે કાશ્મીરમાં જ હતો) એવું ચિત્ર ઉપસ્યું કે તેમણે કાશ્મીર દિલ્લીને (ભારતને) વેચી દીધું છે. આથી તેમની વિરુદ્ધ પ્રદર્શનો થયાં. તેમની સામે જબરદસ્ત રોષ પ્રગટ્યો.
૧૯૭૫માં શૈખ અબ્દુલ્લા ફરીથી કાશ્મીરના મુખ્ય પ્રધાન બન્યા. પરંતુ લોકતંત્રથી તદ્દન વિરુદ્ધ રીતે! તેઓ ચૂંટાયેલા નહોતા. તેમના પક્ષના એક પણ ધારાસભ્ય નહોતા ચૂંટાયેલા. ૧૯૭૨ની ચૂંટણીમાં કૉંગ્રેસને જબરદસ્ત સફળતા મળી હતી. કુલ ૭૫ બેઠકોમાંથી ૫૮ બેઠકો મળી હતી. તેમ છતાં કૉંગ્રેસને શૈખ અબ્દુલ્લાને ટેકો આપવાનું કહી તેમને મુખ્ય પ્રધાન બનાવી દેવાયા! શૈખને કૉંગ્રેસમાં આવવા કહેવાયું હતું પરંતુ અવળચંડા શૈખે કૉંગ્રેસમાં આવવાની શરત પણ ન માની. આમ, જે રીતે પાકિસ્તાન સામે ભારતની જીત છતાં પાકિસ્તાન તેની શરત મનાવી ગયું તેવું શૈખના કિસ્સામાં પણ થયું. આ પછી કૉંગ્રેસનું ધોવાણ શરૂ થઈ ગયું. શૈખ મુખ્ય પ્રધાન બન્યા પછી તેમણે કૉંગ્રેસને જ તોડવાનું શરૂ કર્યું હતું. તે પછી કૉંગ્રેસ પોતાની તાકાત પર ક્યારેય સત્તામાં પાછી ફરી નહીં. આ રીતે રાષ્ટ્રીય પક્ષનું જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાંથી નામું નખાઈ ગયું.
૧૯૭૧ના યુદ્ધમાં જીત પછી ઈન્દિરા ગાંધીનો તપતો સૂર્ય હતો. તો તેમણે શૈખ અબ્દુલ્લા સામે ઝૂકી જવાનું પસંદ કેમ કર્યું?
બેનઝીર ભુટ્ટોએ તેમની આત્મકથામાં લખ્યું છે કે જ્યારે મંત્રણા પૂરી કરી તેઓ પાકિસ્તાન જવા પિતા ઝુલ્ફીકાર સાથે રવાના થઈ રહ્યા હતા ત્યારે ભારતે નિર્ણય કર્યો હતો કે તે જમીન પાકિસ્તાનને પાછી આપી દેશે. યુવાન બેનઝીર પિતાને પૂછે છે કે આ નિર્ણયથી પાકિસ્તાનમાં તેમના પર થૂ-થૂ નહીં થાય કારણકે પાકિસ્તાનના સૈનિકો તો ભારત પાસે રહી ગયા છે. ત્યારે ઝુલ્ફીકાર ખંધુ હસીને કહે છે કે આ આપણી જીત છે કેમ કે આપણને જમીન મળી ગઈ છે. અને સૈનિકો પણ તેમણે પરત કરવા જ પડશે. સૈનિકોનો મુદ્દો માનવાધિકારનો પ્રશ્ન બની જશે. અને થયું એવું જ. ભારતે ધીમેધીમે પાકિસ્તાનના સૈનિકોને છોડી દીધા, પરંતુ ભારતના સૈનિકો અને અન્ય લોકો પાકિસ્તાનની કાળ કોટડીમાં ગોંધાતા-સડતા રહ્યા. તેમને છોડાવવાનો પ્રશ્ન આપણા માટે શિરદર્દ બની ગયો. કદાચ શિરદર્દ પણ નહીં કેમ કે તે પછી સત્તાધીશો માટે આ પ્રશ્ન મહત્ત્વનો રહ્યો જ નહીં.
પરંતુ એક ઇતિહાસ આપણને ખબર નથી તે એ છે કે તે સમયે આ યુદ્ધમાં જીતનો જશ ખાટવા હોડ લાગી હતી. બધા ઈન્દિરાને તો જશ આપતા જ હતા, પરંતુ સાથે સંરક્ષણ પ્રધાન જગજીવનરામ અને ફીલ્ડ માર્શલ સામ માણેક શૉ પણ જશ માટે દાવો કરતા હતા! જગજીવન રામે ઈ. સ. ૧૯૭૭માં કહ્યું હતું કે ૧૯૭૧ના યુદ્ધમાં ભારતના વિજયનું મોટું કારણ સેનાનાં ત્રણેય અંગોનું સાચું અને પરસ્પર પૂરક સહ કાર્ય અને રક્ષા સામગ્રીના ઉત્પાદનથી લઈને દરેક મોરચા પર મારું પોતાના જવાથી સેનાની હિંમત વધી. તેનાથી વિપરીત તે સમયે સેનાધ્યક્ષ સામ માણેક શૉએ ૧૯૭૪માં લંડનમાં સ્પષ્ટ કહી દીધું હતું કે “જો હું આ યુદ્ધમાં પાકિસ્તાનનો સેનાધ્યક્ષ હોત તો વિજય પાકિસ્તાનનો જ થયો હોત.” માણેક શૉના આ દાવા પર જગજીવનરામની દુઃખદ ટીપ્પણી હતી. તેમણે કહ્યું કે “હું શૉને નકલી ફીલ્ડ માર્શલ માનું છું. તે આને યોગ્ય નહોતા. આ યુદ્ધને તો ભારત જીતત જ. ભલે જનરલ કોઈ બીજા હોત.” તેમનો મત હતો કે તેમને કોઈ કારણસર દબાણમાં આવીને ફીલ્ડ માર્શલ બનાવી દેવામાં આવે તો પણ તેઓ નકલી ફીલ્ડ માર્શલ જ હશે. જગજીવનરામ ૧૯૭૧ના યુદ્ધનું બધું શ્રેય ઈન્દિરા ગાંધીને આપવામાં આવે તે વાત સાથે સંમત નહોતા. આ યુદ્ધ પછી ગુજરાત વિધાનસભા સહિતની ચૂંટણીમાં કૉંગ્રેસને ફાયદો મળ્યો હતો.
પરંતુ બીજી એક વાત મહત્ત્વની એ છે કે આ યુદ્ધ વખતે બાંગ્લાદેશથી જે લોકો પાકિસ્તાનની સેનાના અત્યાચારથી ત્રાસીને અહીં આવવા લાગ્યા તેમને પાછા મોકલવાનો કોઈ ઉપાય કરાયો જ નહીં. તે વખતે બાંગ્લાદેશ ભારતના ઋણ હેઠળ હતું. આજે પણ છે. તે વખતે જો તેમને પાછા મોકલી દેવાયા હોત તો ભારત પર ભારણ ન વધત. પરંતુ મત બૅંક માટે થઈને તેમને અહીં વસવા દેવાયા. તેમને ભારતના મતદાર બનાવવા માટે જરૂરી વિધિઓ પણ કરાવી દેવાઈ. આસામ, પશ્ચિમ બંગાળથી લઈને અમદાવાદ સુધી આ સમસ્યા આજે પણ નડી રહી છે.
વળી, બાંગ્લાદેશનું સર્જન કરીને ભારતે બીજો એક માથાનો દુઃખાવો વહોરી લીધો કારણકે બાંગ્લાદેશ બન્યો બાંગ્લા-બંગાળી ભાષાના નામે, ઉર્દૂ ભાષા થોપવાના વિરોધણાં પરંતુ તે પણ બન્યો ઇસ્લામિક દેશ જ. અને તેના સર્જનથી લઈને અત્યાર સુધી ત્યાં હિન્દુઓ પર હત્યાથી લઈ ઘર-દુકાન બાળવા સુધીના અત્યાચારો થઈ રહ્યા છે જેની સામે ભારતની કોઈ પણ સરકાર હોય, મૂંગીમંતર થઈને જોયા કરે છે. જો આપણે પાકિસ્તાનની સેનાના અત્યાચારો સામે બાંગ્લાદેશ (ત્યારે પૂર્વ પાકિસ્તાન)માં સૈન્ય હસ્તક્ષેપ કરી શકતા હોય તો હિન્દુઓ પર અત્યાચારોના મુદ્દે કેમ નહીં? બાંગ્લાદેશ હોય કે અફઘાનિસ્તાન કે જ્યાં આપણે ૨૦૦૧ પછી લોકશાહી સ્થપાઈ ત્યારે તેના નવનિર્માણમાં ખૂબ જ મદદ કરી પરંતુ ત્યાં આપણી પ્રતિકૂળ- માનવજાત માટે શત્રુ એવા લોકોને સત્તા પર આવતા રોકી શક્યા નહીં. બાંગ્લાદેશમાં ખાલિદા ઝિયાના શાસનમાં પણ અત્યાચારો થયા અને શૈખ હસીનાના રાજમાં પણ થયા.
આ જ રીતે ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના દિવસે સંસદ પર હુમલો થયો. તેને ફાંસી આપવામાં આપણી ન્યાય પ્રણાલિ અને સરકારની ધીમી ગતિએ ૧૨ વર્ષ લગાડી દીધાં! તે પછી આપણે પાકિસ્તાનને જડબાદોડ પાઠ ન ભણાવ્યો. ન આપણી અંદર જેએનયૂ કે કન્હૈયાકુમાર જેવાં તત્ત્વો જે અફઝલ ગુરુના મૃત્યુના દિવસને શહીદી દિવસ જેમ મનાવવાનો આરોપી છે તેને રોકી શક્યા. આજે તો એ સ્થિતિ છે કે ‘તુમ કિતને અફઝલ મારોગે, હર ઘર સે અફ્ઝલ નિકલેગા’, ‘ભારત કી બરબાદી તક જંગ જારી રહેગી
’, ‘ભારત તેરે ટુકડે હોંગે ઈન્શાઅલ્લાહ’ આવાં સૂત્રો પોકારનારને કૉંગ્રેસે પક્ષમાં વાજતેગાજતે સ્થાન આપ્યું છે અને ટીવી ચેનલો પણ તેને તેની બદમાશી કરવા સ્ટેજ પર સ્થાન આપે છે. તેને બેફામ બોલવા દે છે.
આ વીસ વર્ષમાં પાકિસ્તાનને આપણે એકલુંઅટુલું પાડવામાં સક્ષમ રહ્યા અને દેશની અંદર થતી ત્રાસવાદી પ્રવૃત્તિને અટકાવી શક્યા છીએ પણ દેશની અંદર જ કન્હૈયાકુમાર, ઉમર ખાલીદ, શરજિલ ઈમામ, શેહલા રશીદ જેવાં લોકો ઊભાં થઈ ગયાં છે. પીએફઆઈ પર ત્રાસવાદી સંગઠનો સાથે સાંઠગાંઠનો આરોપ છે પણ તેના પર હજુ પ્રતિબંધ મૂકાયો નથી. તાજેતરમાં ઇડીના દરોડા પડ્યા છે કે ઉત્તર પ્રદેશમાં સીએએ વિરોધી હિંસા માટે તેના સભ્યોની ધરપકડ કરાઈ હતી. પરંતુ સુધા ભારદ્વાજ વગેરે અર્બન નક્સલીઓને જામીન મળી જતા હોય કે પછી યાકૂબ મેમણ જેવા ત્રાસવાદીને ફાંસીના કેટલાક કલાકો પહેલાં એટલે કે રાત્રે ત્રણ વાગે કૉર્ટ તે ફાંસી રોકવાની સુનાવણી સાંભળવા તૈયાર થતી હોય ત્યાં આ ધરપકડ કે દરોડાની કાર્યવાહી પૂરતી નથી. દેશની અંદર મસ્જિદોની અંદર ઘૃણા ફેલાવતાં ભાષણો, રસ્તા પર નમાઝ પઢવાનું, લેન્ડ જિહાદ, લવ જિહાદ વગેરેને અટકાવી શકાયા નથી. એટલે પહેલાં તો પાકિસ્તાનથી ત્રાસવાદીઓ આવીને હુમલો કરી કાં તો મરી જતા હતા, કાં ધરપકડ પામી જેલમાં બિરયાની ખાઈ થૂંકતા હતા, પરંતુ હવે તો આ થૂંક પ્રવૃત્તિ અનેક હૉટલો, લગ્નની રસોઈ વગેરે સુધી વિસ્તરી છે. કોરોના ફેલાવવામાં નિમિત્ત બની છે. દુર્ભાગ્યે આવા લોકોને હરિયાણાના ગુરુગ્રામ કે શાહીનબાગની જેમ કેટલાક શીખોનો, ક્યાંક ભાજપના ધારાસભ્યો કે સરકારનો પણ સાથ મળવા લાગ્યો છે. કૉંગ્રેસ સહિતના વિપક્ષો તો સાથે છે જ. ઓવૈસીના પક્ષનો વારિસ પઠાણ જાહેરમાં એમ બોલે કે ૧૫ કરોડ ૧૦૦ કરોડને ભારે પડશે અને તેના પર કોઈ ગંભીર કાર્યવાહી ન થાય.આનો અર્થ એ થયો કે ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના સંસદ પરના હુમલા કે ૧૬ ડિસેમ્બરના વિજય પછી સર્જાયેલી પરિસ્થિતિમાંથી આપણે કંઈ નથી શીખ્યા.