કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીનું નામ લઈને તેમના પર પ્રહાર કર્યો છે. મહત્વનું છે કે રાજ્યસભાના ૧૨ સસ્પેન્ડ થયેલા સાંસદોના મુદ્દે વિપક્ષી દળોએ વિજય ચોક પર માર્ચ કાઢી હતી. આ માર્ચમાં રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ૧૨ સાંસદોને સસ્પેન્ડ કરવા દેશની જનતાના અવાજને દબાવવાનું પ્રતીક છે. રાહુલે તે પણ કહ્યુ કે, વિપક્ષી દળોને સંસદમાં રાષ્ટ્રીય મહત્વના કોઈપણ મુદ્દાને ઉઠાવવાની મંજૂરી પણ નથી.
વિજય ચોક પર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યુ કે, સસ્પેન્ડ થયેલા સાંસદોએ કંઈ ખોટુ કર્યું નથી. અમને સંસદમાં બોલવાની તક આપવામાં આવતી નથી. રાહુલે આગળ કહ્યું કે, સંસદમાં હંગામા વચ્ચે એક બાદ એક બિલ પાસ થઈ રહ્યાં છે. આ સંસદ ચલાવવાની સાચી રીત નથી. રાહુલે આગળ કહ્યુ- પીએમ સંસદમાં આવતા નથી. અમને રાષ્ટ્રીય મુદ્દા પર અવાજ ઉઠાવવા દેવામાં આવતો નથી. આ લોકતંત્રની દુર્ભાગ્યપૂર્ણ હત્યા છે.
રાહુલે કહ્યુ કે, પીએમ નરેન્દ્ર મોદી અને રાજ્યસભાના ચેરમેન એક એવી શકિત લાગૂ કરવા માટે છે જે કિસાનોની આવકને કાબૂ કરવા ઈચ્છે છે. રાહુલે કહ્યું કે, એક મંત્રીએ કિસાનોની હત્યા કરી. પ્રધાનમંત્રીને તે વાતની જોણકારી છે. સત્ય છે કે બે-ત્રણ ઉદ્યોગપતિ કિસાનોની વિરુદ્ધ છે.
વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યાને ૧૪ દિવસ થઈ ગયા છે. વિપક્ષ જે મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા કરવા માંગે છે તેના પર અમને ચર્ચા કરવાની મંજૂરી નથી. અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરનાર વિપક્ષી સભ્યને સસ્પેન્ડ કરવામાં આવે છે. આ લોકશાહીની હત્યા છે.