આઇપીએલ ૨૦૨૨ના મેગા ઓક્શનની તારીખ જોહેર થઈ ગઈ છે. આ હરાજી ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ બેંગ્લોર ખાતે થશે. આની પહેલા ખેલાડીઓના રિટેન થવાની યાદી સામે આવી હતી, જેમાં કોલકાતાના વેંકટેશ અય્યર અને હૈદરાબાદના ઉમરાન મલિકની સેલેરી ૩૯ ગણી વધી ગઈ હતી.
ચેન્નઈના ઋતુરાજ ગાયકવાડને ૨૦૨૨ની સીઝનમાં ૬ કરોડ મળશે, જ્યારે ૨૦૨૧ સીઝનમાં આ ખેલાડીની સેલેરી ૨૦ લાખ રૂપિયા હતી. તેવામાં એક જ સીઝનના શાનદાર પ્રદર્શનથી ઘણા ખેલાડીઓ પર આ સીઝનમાં ધનવર્ષા થશે.રિપોર્ટ્‌સના આધારે લખનઉએ રાહુલને તેની ટીમ જોઈન કરવા માટે ૨૦ કરોડ રૂપિયાની ઓફર આપી છે. વર્ષ ૨૦૧૮માં પંજોબ કિંગ્સે કે.એલ.રાહુલને ૧૧ કરોડની સેલેરીમાં ટીમ સાથે જોડ્યો હતો. તેવામાં જો રાહુલને ૨૦ કરોડ સાથે જો લખનઉની ટીમ હરાજીમાં પસંદ કરશે તો તે આઇપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની જશે.કે.એલ.રાહુલે આઇપીએલની છેલ્લી કેટલીક સીઝનમાં શાનદાર બેટિંગ કરી છે. જેના કારણે તેને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ઘણી ફ્રેન્ચાઈઝી વિચાર કરી રહી છે.
સનારઈઝર્સ હૈદરાબાદે રાશિદને રિટેન ના કરી બધાને ચોંકાવી દીધા છે. વળી રાશિદને હરાજીમાં સારી સેલેરી મળી શકે તેમ છે. તેવામાં બીજી બાજુ છેલ્લા ઘણા વર્ષોમાં વિરાટની કેપ્ટનશિપ હેઠળ રમી રહેલા ચહલને પણ સારી સેલેરી મળી શકે છે. આ બંને ખેલાડીઓ સામે મેગા ઓક્શનમાં રૂ. ૧૦ કરોડથી વધારે સેલેરીમાં કોઈપણ ટીમ પસંદ કરી શકે છે. ઇન્ડિયન પિચો પર આઇપીએલના આયોજનથી આ બંને ખેલાડીઓ ઘણી વિકેટ્‌સ લઈ શકે છે. જેનો સીધો ફાયદો તેમની આઇપીએલ ટીમને થશે.
આઇપીએલ ૨૦૨૨માં જોડાયેલી નવી ટીમ અમદાવાદ શ્રેયસ અય્યર, ડેવિડ વોર્નર અને હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં પસંદ કરી શકે છે.રિપોર્ટ્‌સના આધારે અમદાવાદની ફ્રેન્ચાઈઝી અય્યરને ટીમનો કેપ્ટન પસંદ કરવાનું વિચારી રહી છે. અય્યર આની પહેલા દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે જોડાયેલો હતો. ૨૦૧૯માં અય્યરે કેપ્ટન તરીકે દિલ્હીને પ્લોઓફમાં પણ પહોંચાડી હતી અને ૨૦૨૦માં તેની ટીમ રનરઅપ પણ રહી હતી.
ડેવિડ વોર્નર ખરાબ ફોર્મમાં હતો ત્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે તેની સાથે છેડો ફાડી દીધો હતો. જેની સીધી અસર રિટેન્શનમાં પણ જોવા મળી અને તેને હૈદરાબાદે રિટેન પણ કર્યો નહોતો. ઉલ્લેખનીય છે કે ડેવિડ વોર્નરે ટી ૨૦ વર્લ્‌ડ કપમાં શાનદાર બેટિંગ કરી ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ પણ રહ્યો હતો. તેવામાં અત્યારે ડેવિડ વોર્નર એશિઝમાં પણ સારી બેટિંગ કરી રહ્યો હોવાથી અમદાવાદની ટીમમાં તેની પસંદગી થઈ શકે છે. વળી હાર્દિક પંડ્યા અત્યારે ટીમ ઈન્ડિયાની બહાર છે પરંતુ તે એક અનુભવી અને મેચ વિનર ખેલાડી હોવાથી અમદાવાદની ટીમને પોતાની વિસ્ફોટક બેટિંગથી સારી સહાય કરી શકે છે.