સુપ્રીમ કોર્ટે સોમવારે અરુણાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી પેમા ખાંડુના પરિવાર સાથે જાડાયેલી કંપનીઓને આપવામાં આવેલા સરકારી કરારોની બે અઠવાડિયામાં પ્રારંભિક તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. ન્યાયાધીશ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે તપાસમાં ૧ જાન્યુઆરી, ૨૦૧૫ થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી રાજ્યમાં અમલમાં મુકાયેલા તમામ જાહેર કાર્યો, કરારો અને કાર્ય ઓર્ડરની સમીક્ષાનો સમાવેશ થશે. કોર્ટે સીબીઆઇને ૧૬ અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટમાં આ મામલે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે ૧૭ ફેબ્રુઆરીના રોજ સુનાવણી દરમિયાન પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
કેસમાં દાખલ કરાયેલી અરજીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા ૧૦ વર્ષમાં, મુખ્યમંત્રી પેમા ખાંડુના પરિવાર સાથે જાડાયેલી ચાર કંપનીઓને આશરે ૧,૨૭૦ કરોડના સરકારી કરાર આપવામાં આવ્યા છે. અરજદાર એનજીઓ, સેવ મોન રિજન ફેડરેશન અને વોલન્ટરી અરુણાચલ સેનાનું પ્રતિનિધિત્વ કરતા વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટને જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના પરિવાર સાથે જાડાયેલા કરારોમાં હિતોનો સ્પષ્ટ સંઘર્ષ જાવા મળ્યો છે.
આ કેસમાં મુખ્યમંત્રી પેમા ખાંડુ, તેમના પિતા દોરજી ખાંડુની બીજી પત્ની રિંચિન ડ્રિમા અને ભત્રીજા ત્સેરિંગ તાશીને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. દોરજી ખાંડુ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી અને એપ્રિલ ૨૦૧૧ માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રિંચિન ડ્રિમાની કંપની, બ્રાન્ડ ઇગલ્સે અનેક સરકારી કરારો મેળવ્યા હતા, જે વિવાદાસ્પદ અને કૌટુંબિક સંબંધોને કારણે પ્રશ્નો ઉભા કરે છે. સુપ્રીમ કોર્ટના આ પગલાથી હવે રાજ્યમાં સરકારી કરારોમાં પારદર્શિતા અને મુખ્યમંત્રીના પરિવાર સાથે જાડાયેલા કરારોની કાનૂની તપાસ સુનિશ્ચિત થશે.








































