(એ.આર.એલ),સુરત,તા.૧૨
દેશભરમાં ૧૧૧ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડની ઘટનામાં ચાઇનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે જૂન મહિનામાં કેનેરા બેંકમાં દરોડા પાડ્યા હતા. જે દરમિયાન ૮ આરોપીઓને પકડ્યા હતા. તેમની પૂછપરછમાં કૌભાંડનો માસ્ટર માઇન્ડ દુબઇમાં હોવાની પોલીસને માહિતી મળી હતી. જે બાદ પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી હતી.
ત્રણેય પાસેથી ૨૬૧ ઓનલાઇન નેટ બેન્કિંગના એકાઉન્ટ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ કેસમાં મિલન વાઘેલા તેમજ અન્ય ૩ ઈસમો દુબઇમાં હોવાનું સામે આવ્યું. તેની સાથે અન્ય ૫ ઇસમો પણ હોવાનો ખુલાસો થયો. પોલીસે હિરેન નામના ઇસમને મુંબઇ એરપોર્ટ પરથી દબોચી લીધો.
આ આરોપીઓ સુરત સહિત અન્ય વિસ્તારના જરૂરિયાતમંદ, શ્રમિક અને વિદ્યાર્થીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેની કીટ દુબઈ મોકલતા હતાં. જે બાદ આ બેંક એકાઉન્ટને માધ્યમ બનાવી દુબઈ સાઇબર ફ્રોડની ઘટનાને અંજામ આપતા હતાં. આ ઇસમો ૧૧૧ કરોડ રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન કરી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ પોલીસે છેતરપીંડીના ૩ અન્ય ગુના પણ દાખલ કર્યા છે.
સુરત પોલીસે તપાસ કરતા તમામ સામે ૮૬૬ અરજી તેમજ ૨૦૦ કરતા વધુ એફઆઇઆર દાખલ થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ સુરત પોલીસ જે-તે રાજ્યની પોલીસના સંપર્કમાં છે. સુરતના આ ઈસમો કમિશન અનુસાર કામ કરતા હતા. તમામ ઇસમો મુખ્યત્વે ચાઈનીઝ ગેંગ સાથે કામ કરતા હતા. તેઓ ડિજિટલ અરેસ્ટ, એક્સ્ટોર્શન ફ્રોડ, ટાસ્ક ફ્રોડ જેવી ઘટનાઓથી લોકો પાસેથી પૈસા પડાવી ચૂક્યા છે. એકાઉન્ટ હોલ્ડર જે પોતાનું ખાતું ભાડા પર આપે છે તેમને પણ હવે પોલીસ આરોપી ગણાવશે અને એકાઉન્ટની ડિટેલ્સની મદદથી પોલીસ ખાતેદાર સુધી પહોંચશે.