તાજેતરમાં થયેલી આદિવાસી બાળકીના મોતના બનાવને લઈને ભાજપ સરકાર સામે આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, બાળકી આદિવાસી હોવાથી સરકાર દ્વારા તેને જરૂરી ધ્યાન આપવામાં આવ્યું નહીં.
દિલ્હીની નિર્ભયા કેસની ઘટનાનો ઉલ્લેખ કરતાં છોટુભાઈ વસાવાએ કહ્યું કે, ત્યારે વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધી સ્વયં શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. પરંતુ આ આદિવાસી બાળકીના મોત પર સરકારનો કોઈ પણ પ્રતિનિધિ શ્રદ્ધાંજલિ આપવા કે પરિવારને સાત્વના પાઠવવા પહોંચ્યો નથી. તેમણે આક્ષેપ કર્યો કે, બાળકીનું શબ અને પરિવારને એમ્બ્યુલન્સ મારફતે ઝારખંડ મોકલવામાં આવ્યો છે, જે આદિવાસીઓ સાથે થતો ભેદભાવ દર્શાવે છે.
છોટુભાઈ વસાવાએ ચેતવણી આપતાં કહ્યું કે, જો સરકાર આદિવાસીઓ સાથે આવો ભેદભાવ કરતી રહેશે તો તેઓ ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહે. તેમણે આદિવાસી સમાજને એક થવા અને સરકાર સામે લડત આપવાનું આહ્વાન કર્યું.