ટેલિવુડની પોપ્યુલર જોડી પૈકીની એક હતી એક્ટર કરણ મહેરા અને નિશા રાવલની. આ દંપતીના પ્રેમની ચર્ચા હંમેશા થતી અને તેમની પ્રેમકહાણી પરીકથા સમાન લાગતી હતી. પરંતુ ગત વર્ષે તેમના લગ્નજીવનના વિખવાદો જોહેરમાં ઉછળ્યા અને તે પછી બંનેએ એકબીજો પર જે આક્ષેપોનો મારો ચલાવ્યો તેણે સૌને ચોંકાવી દીધા હતા. નિશાએ કરણ સામે લગ્નેત્તર સંબંધ હોવાનો આરોપ મૂક્યો હતો. જોકે, કરણે આ વાત નકારી હતી. થોડા મહિના પહેલા એક્ટ્રેસ નિશા રાવલ એકતા કપૂરના શો લોકઅપમાં જોવા મળી હતી. આ શોમાં નિશા રાવલે એક એપિસોડ દરમિયાન કરણ અંગે કેટલીક વાતો કહી હતી. ત્યારે હવે કરણે પણ મૌન તોડ્યું છે અને આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. સાથે જ એક્ટરે શોની પ્રોડ્યુસર એકતા કપૂરનો આભાર માન્યો છે. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કરણ મહેરાએ કહ્યું, “હું એકતા કપૂરનો આભારી છું કારણકે છેલ્લા ૧૦ મહિનાથી જે વાત હું સાબિત કરવાની કોશિશ કરી રહ્યો છું તે નિશાએ ‘લોકઅપ’માં જોતે જ કહી છે અને સ્વીકારી પણ છે. મેં એ વાત કરી હોત તો લોકોને વિશ્વાસ ના થયો હતો. તેણે મારા પર અફેરનો આરોપ મૂક્યો હતો પરંતુ હકીકતે અફેર તો તેનું હતું. વ્યક્તિ જેવો હોય છે તેવો જ દેખાય છે. તેના અફેર છતાં મેં તેને ઘરમાં
પાછી રહેવા દીધી હતી અને અમે નવી શરૂઆત કરી હતી. જે બાદ કાવિશનો જન્મ થયો. આના પરથી સ્પષ્ટ થાય છે કે અમારા સંબંધ વિશે હું શું વિચારતો હતો અને તે શું વિચારતી હતી. ૧૧ મહિનાથી એક પુરુષ અમારા ઘરમાં રહે છે. તે પોતાની પત્ની અને બાળકોને છોડીને મારા ઘરમાં રહે છે. કરણે આગળ કહ્યું, હું આ લડાઈ લડતો રહીશ અને તેની બેવફાઈ સાબિત કરીને રહીશ. એ બંનેએ મળીને મને મારા જ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે અને મારી ૨૦ વર્ષની મહેનત અને છબીને ખરડવાની કોશિશ કરી છે. જેથી મારું બધું જ તેમને મળી જોય પછી તે ઘર હોય, ગાડીઓ હોય કે મારો બિઝનેસ હોય. તેમણે મારા બિઝનેસ પર પણ કબજો કરી લીધો છે. હાલ હું આ બધી મુશ્કેલીઓ સામે લડી રહ્યો છું. હું હજી પણ અડીખમ ઊભો છું અને પૂરી તાકાત સાથે સામનો કરી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, નિશા રાવલે કરણ મહેરા સામે ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં તેના માતાપિતા સામે પણ ફરિયાદ નોંધાવી હતી. કરણે કહ્યું છે કે, તેને અને તેના માતાપિતાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. સાથે જ એક્ટરે ખુલાસો કર્યો છે કે, તેણે નિશા રાવલના એ મિત્રો સામે પણ પગલાં લીધા છે જેણે તેને બદનામ કરવામાં તેનો સાથ આપ્યો હતો. જણાવી દઈએ કે, ‘લોકઅપ’માં નિશા રાવલે જણાવ્યું હતું મિસકેરેજ બાદ તેને સપોર્ટની જરૂર હતી અને એ વખતે તેની મુલાકાત તેના જૂના મિત્ર સાથે થઈ હતી. નિશા તેની તરફ આકર્ષાઈ હતી અને તેણે તેને કિસ કરી હતી. નિશાએ શોમાં કહ્યું હતું કે, તેણે આ વિશે કરણને પણ જોણ કરી હતી અને તેની સાથેના લગ્ન તોડવાનો નિર્ણય કર્યો હતો.