સંસારને સાગર કેમ કહેવાય છે એ હવે કોઈ કોઈને સમજાય છે. સાગરમાં ઘણીવાર ગમે તેટલા હલેસા મારો તોય હોડી ત્યાં ને ત્યાં જ રહે છે. મધ્યકાળમાં દરિયાખેડૂઓ પર લોકો આફરિન હતા. જે કોઈ સાગર સફરેથી પાછા આવે એના બહુ જ હારતોરા થતા. આખા યુરોપમાં બે સખીઓ વાત કરતી હોય તો એમાં એક વાક્ય તો હોય જ કે હું તો કોઈ સેઈલર સાથે જ લગ્ન કરીશ. મધ્યયુગમાં યુરોપની કન્યાઓને સપના આવતા કે તે કોઈ નવયુવાન ખલાસી સાથે વહાણે ચડીને દૂર દૂરના એકાંતિક ટાપુ તરફ જઈ રહી છે. યુરોપિયન સાહિત્યમાં એના પ્રતિબિંબો ઝિલાયા છે. દરિયો સાહસથી ભરપૂર છે. જહાજ પર શઢ ચડે અને એમાં પવન ભરાય એટલે સુકાની લંગર પાછા ખેંચે ને… હાલ રે માલમ હાલ…કહેતા જહાજ કિનારેથી દૂર સરવા લાગે અને જોતજોતામાં ક્ષિતિજે ઓઝલ થઈ જાય. સંસાર પણ એવો જ છે. જો તમે કિનારે છો તો કેટલાય જહાજો તમારી નજરમાંથી દૂર સરી જશે. તમે સ્થિર હો એટલે દૃશ્ય બદલાયા કરશે. પણ એવું તો ક્વચિત જ બને. દરરોજ હલેસા મારવામાંથી માણસ ક્યાં નવરો થાય છે ? અત્યારે તો હોડી તળેથી દરિયો સ્વયં સરી ગયો છે. એ રેતીમાં હલેસા તો મારે છે, પણ હોડી ક્યાં હલે કે ચલે ? તળ બદલાયા, જળ બદલાયા…દુનિયાના લાખો માણસો પોતાના બંધ ઘરની બારીમાંથી પડોશની ઈમારત તરફ જુએ છે… એ સિવાયનું બહિર્જગત હવે સગી આંખે તો દેખાય એમ નથી.જે ચરણો પંખી બનીને ફાવે એમ ઉડતા હતા એ ગૃહપિંજરે પુરાઈ ગયા છે ને કંઠમાં ભીના ટહૂકાઓ પણ અટકી અટકીને ભીતર જ શમી રહ્યા છે, જાણે કે ઘોર તોફાની ભરતી પછી દરિયો પોતે પોતાનામાં જ સંકેલાતો જતો હોય એમ ! તોફાની ભરતી બધેયથી શાંત થઈ ગઈ છે. અનેક વહાણના શઢ ઉતરી ગયા છે. કેટલાક શઢ તો ફાટી ગયા છે. પવન સૂસવાટા મારતો વહી રહ્યો છે. જેના શઢ ફાટી ગયા છે એ બધા જ વહાણો જ્યાં છે ત્યાં જ ઘુમરાઈ રહ્યા છે. વમળ છે નહિ તોય દરેક વહાણ ઘુમરી ખાતુ દેખાય છે. ભરતીના દિવસો પૂરા થઇ ગયા છે અને દરિયો એના થોડા શંખ-છીપલાઓને કાંઠે મૂકીને ઉતરી ગયો છે પોતાનામાં જ ઊંડે ઊંડે. ભજન તો એમ કહે છે કે અલખ લહેરું લાગી… ને એની ભ્રમણા સરવે ભાંગી… પણ અહીં તો કોઈ અલખની લહેર નથી તોય બધાની બધી ભ્રમણા ભાંગવા લાગી છે. હજુ સ્વીકારતા વાર લાગે. એમ થયા જ કરે કે કાલે હડી કાઢીને ઘોડે ચડીશુ…. પંખીઓ જે પિંજરે કેદ હોય એને શરૂઆતમાં તો એમ જ હોય કે હમણાં મુક્તિ મળશે…! એટલે પિંજરમાં આમતેમ પાંખો ફફડાવ્યે રાખે. બહુ લાંબા સમય પછી શુકરાજા અને શુકરાણીને ખ્યાલ આવે કે આ થોડુંક જામફળ, મરચું ને ઘૂંટડો પાણી જ આપણું જીવન છે. આટલામાં જો મીઠ્ઠુ ને મધુર બોલતા આવડે તો ઠીક છે. બંધન કોઈ પણ હોય એ સમયને ધીમો પાડે છે. સમય તો એની એ જ ગતિએ હોય પણ ઘટનાઓ ઓછી થાય એટલે ગતિ મંદ અનુભવાય. ઘટનાઓ વધે એટલે સમય સંકોચાય. આઈન્સ્ટાઈન દાદાની આ જ રિલેટિવિટી છે. જિંદગીમાં ઘટનાઓ બનતી સાવ અટકે એનું નામ મૃત્યુ. છતાં કોઈ હોય છે કે જેને રેતીમાં વહાણ ચલાવતા આવડતા હોય. ભડકે બળતા લાક્ષાગૃહમાંય ભૂગર્ભ રસ્તે જીવંત બહાર આવવાનો માર્ગ કોઈક તો જાણતું હોય છે. ચારેબાજુના ચોકીદારોના ચાંપતા વિરાટ ઘેરાવામાં રહેલી એક ઓરડીમાંથી સુભાષચન્દ્ર બોઝ એકાએક લાપતા થઈ ગયા હતા. ચોખાના બે દાણાથી દ્રૌપદીએ અતિથિ દુર્વાસા સહિતના વિશાળ ઋષિકુળને વણજમ્યે ભોજનતૃપ્ત કર્યા હતા. હજારો દૃષ્ટાન્તો છે કે જેમાં કોઈ જ માર્ગ ન હતો છતાં એક એક ઉપાય તો ક્યાંક હતો જ. સમાધાન પહેલા અસ્તિત્વમાં આવે છે અને સમસ્યા તો પછી સામે મળે છે.