દરેક અભ્યાસક્રમ બે રીતે શીખવાડાય છે. એક થિયરી સમજાવીને અને બીજી રીત એટલે પ્રેક્ટિકલ કરાવીને. મતલબ કે કોઈ પણ કોર્ષ હોય કે જીવન જીવવાની કળા હોય કે પછી કોઈ મુદ્દાને સમજવાનો હોય તો આ બે રીતથી કામ થતું હોય છે. વ્યક્તિ બાળપણથી જ ‘પ્રયત્ન અને ભૂલ પદ્ધતિ’ થી ઘણી બાબતો પોતાની મેળે શીખતો આવે છે. બીજાના માર્ગદર્શન કરતા પણ પોતાના પ્રયત્નથી વધુ શીખી શકાય છે. આ જીવનનો એક સામાન્ય અને પાયાનો સિદ્ધાંત છે. મોટીવેશનલ સ્પીકરોના સુવિચારો, વ્યાખ્યાનો અને દૃષ્ટાંતો સાંભળવા ગમે છે, સમજવા પણ ગમે છે. પરંતુ જ્યારે કોઈ મુશ્કેલી ઊભી થાય કે ક્યાંક સારી પેટે અટવાઈ જઈએ ત્યારે માત્ર આ બાબતોથી કામ પાર પડતું નથી. જેમ સુખની કલ્પના જેટલો આનંદ આપે છે એટલો આનંદ ખરેખર સુખના પ્રસંગે મળતો નથી કારણ કે ત્યારે પ્રસંગની સાથે બીજી કેટલીક ચિંતાઓ ઉભી થાય છે. એ ચિંતા સુખની ક્ષણોમાં ભાગ પડાવે છે. સુખમાં સારું વિચારવું સહજ અને સરળ છે. ખરેખર કોઈપણ પ્રકારનું દુઃખ ના હોય ત્યારે હૈયું શાંત અને સ્થિર હોવાથી હિંમત, હોસલો અને મર્દાનગીની કલ્પનાઓ અને વાતો કરી શકાય છે. કારણકે એ આભાસી હોય છે, એટલે માત્ર વિચારવાનું જ હોય, અમલમાં મૂકવાનું થતું નથી.એટલે એવું કહી શકાય કે વાતો કરવી સહેલી છે પણ અમલમાં મૂકવું અઘરું છે. પાણીમાં તરવા માટે ક્લાસીસમાં આખું વર્ષ માત્ર તરવાના કૌશલ્ય વિશે ગમે એટલી લાંબી લાંબી વાતો કરવામાં આવે તો પણ તરતા આવડે નહિ. પણ સીધા પાણીના હોજમાં પાડવામાં આવે તો સ્વ પ્રયત્નોથી થોડા દિવસમાં જ શીખી શકાય છે અને પછી તરતા તરતા કિનારે પહોંચી શકાય છે. ભવસાગરમાં પણ આવું જ થાય છે. કાંઠે બેઠા બેઠા માત્ર સારી સારી વાતો સાંભળવાથી જીવનમાં આવેલ દુઃખને ટાળી શકાતું નથી. હા સદ્દવિચારોથી થોડો માનસિક ટેકો મળે છે પણ કોઈની વાતોના સહારે સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. જાતે જ યા હોમ કરીને કૂદવું પડે છે ત્યારે વિચારેલું થાય કે ન થાય એની પરવા હોતી નથી. ગમે એટલી સાવચેતી રાખવા છતાં પણ ધાર્યું થાય નહિ ત્યારે હૈયું હાલક-ડોલક થવા માંડે. મધદરિયે અચાનક આવી પડેલા તોફાનમાં હોડી હાલક-ડોલક થાય ત્યારે નાવિક માટે કોઈ પ્રકારની ફિલોસોફી કામ આવતી નથી. માત્ર ભગવાન ભરોસે હલેસાં મારીને બચવાના પ્રયાસો કરવાના હોય છે. કુશળતા, કુનેહ, જ્ઞાન, બુદ્ધિ, ચાતુર્ય, બડાઈ આ બધું ભૂલાઈ જાય છે અને માત્ર એક ઉપરવાળાનો સહારો દેખાય છે. એ ધારે તો તારે,નહિતર મારે! આવી સ્થિતિ સર્જાય છે. હોડી હાલક-ડોલક થાય ત્યારે હામ ભરવી ખૂબ અઘરું કામ હોય છે. એમાં કોઈ ક્લાસિસ કામ લાગતા નથી પણ માત્ર પરવરદિગાર પર ભરોસો રાખ્યા સિવાય કોઈ આરો હોતો નથી. આવું જ કૈક સાંસારિક જીવનમાં પણ બને છે ત્યારે પેલા સુવિચારો કે સુવાક્યો પણ ભૂલાય જાય અને હૈયું હાલક-ડોલક થવા લાગે ત્યારે અણીના સમયે શું કરવું, શું ન કરવું?, કોને કહેવું કોને ના કહેવું? ક્યા જવું – ક્યા ના જવું? જેવા હજાર સવાલ માનવીના મનમાં ઘૂટાતા હોય છે. ક્યારેક સમસ્યા સામાન્ય હોય તો સરળતાથી કોઈના નાના મોટા સહકારથી સોલ્વ થઈ જતી હોય છે. ત્યારે થોડું જાત પરનું ડહાપણ હોય, સબંધોનું અભિમાન પણ હોય.પણ અતિ વિકટ સમસ્યામાં સપડાય ગયા પછી આ બાજુ કે પેલી બાજુ બન્ને તરફ ઊંડી ખાણ જ દેખાતી હોય ત્યારે હામ ભરીને ચાલવું અતિ મુશ્કેલ હોય છે. ક્યારેક તો કોઈને કહી શકાય નહીં ને સહી પણ શકાય નહિ એવી હાલત થાય ત્યારે જીવનની બધી ફિલોસોફી નકામી લાગવા માંડે. ભાવિ અંધકારમય લાગવા માંડે.અને માત્ર ને માત્ર હરિ કરે સો હોય એ જ આખરી ઉપાય સાથે જીવન નૈયા હંકારવી પડે છે. તુહી સહારા તુંહી કિનારાના અંતરનાદ સાથે વર્ષો સુધી સેવેલા ઉજ્વળ ભવિષ્યના સપનાઓ ચકનાચૂર થશે કે પછી ફરી કૈક સારું થશે? જે હશે તે રોડવી લેવાની તૈયારી સાથે માત્ર આજને ઉજાગર કરતા કરતા આવતીકાલના અવસર કે અગવડતાઓ હરિને અર્પણ કર્યા સિવાય કોઈ છૂટકો ન હોય. એ નિષ્કામ ભાવ ઇરાદાપૂર્વક નહિ પણ એની મેળે આવે ત્યારે વળી પાછું સવાર પડતાં દુન્વયી માયાજાળમાં મન પરોવાઈ જાય ને જીવનનો એક દિવસ પસાર થાય. આમ છતાં વહેવાર સચવાય, પૂરી નિષ્ઠાથી ફરજ નિભાવતા નિભાવતા આપણી આપદાની વચ્ચે પણ કોઈને ક્યાંક નાની નાની બાબતોમાં કોઈને કોઈ સ્વરૂપે ઉપયોગી થઈ શકાય એટલી તન-મનની તંદુરસ્તી જળવાય એ પણ ઠાકોરજીની કૃપા જ કહેવાય! સૌના હૃદયમાં બિરાજમાન ઇશ્વરીય ચેતના એકબીજાનું અહિત નહીં જ કરે એવી આશા સાથે જય શ્રી ક્રિષ્ના!