દરેક બાપ તેની દીકરી લગ્ન બાદ સુખી થાય તેમ ઈચ્છતો હોય છે. પરંતુ ઘણી વખત સગાઈ કર્યા બાદ સામેના પાત્રની અસલિયત સામે આવતી હોય છે. આવા કિસ્સામાં ઘણી વખત સગાઈ તોડી નાંખવામાં આવે છે. જાફરાબાદના હેમાળ ગામે સગાઈ બાદ યુવકની ખરાબ ટેવ સામે આવતાં યુવતીના પિતાએ તેમની દીકરીના ભવિષ્યને ધ્યાનમાં લઈ સગાઈ તોડી નાંખી હતી. જેનો ખાર રાખી યુવતીના ભાઈ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે નાજાભાઈ ગોવિંદભાઈ પરમારે નિલેશભાઈ નારણભાઈ નાગર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ નાજાભાઈની દીકરીની સગાઈ નિલેશભાઈના મોટાભાઈ ભાવેશભાઈ સાથે કરી હતી. પરંતુ ભાવેશભાઈને ખરાબ ટેવ હોવાથી તેમણે તેની દીકરીની સગાઈ તોડી નાંખી હતી. જેનું મનદુઃખ રાખી તેમના દીકરાને ઢીકાપાટુનો મુંઢમાર મારી છરીના બે ઘા વાંસાના ભાગે માર્યા હતા. ઉપરાંત તેમને ડાબા હાથના ખંભાથી નીચે છરીનો એક ઘા મારી ઈજા પહોંચાડી હતી. ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી ગઈ હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.ડી.પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.