બકાએ આવતાં વેંત જ બોસને પુછી નાખ્યું.
આમ તો આ પ્રશ્નનો આફરો બકાને ઘણાં વખતથી હતો જ પણ એ પુછી શકતો નહોતો. અને પુછવું તો કોને પુછવું? બેરાલાલને? અમથાલાલને કે પછી બોસને?? બેરાલાલ હાંભળે કાંઈને જવાબ દે કાઈ. અમથાલાલ પાંહે જવાબ હોય ખરો પણ, એ લાંબુ લાંબુ કરે. છેવટે આજે બોસ પાંહે જ ઉભરો ઠાલવી નાખ્યો.
‘‘હેં બોસ… આપણા ભારતમાં સૌથી સારી જગ્યા ક્યાં? અને હવા ખાવા માણસો ક્યાં જાય? અને એમાં ય સૌથી વધારે ગુજરાતી જ હોય.’’
‘‘બકા તે પ્રશ્ન તો અઘરો કર્યો છે પણ મને લાગે છે કે હંધાય કાશ્મીર જાય છે. ન્યાનું વાતાવરણ હારું હોય છે. એવું જાણકારોનું કહેવું છે. આપણે ગયાં તો નથી પણ, હાંભળેલી વાતું છે અને તું કહે છે કે, સૌથી વધારે ગુજરાતી ફરે છે. તો શા માટે ના ફરે ભાઈ!? (એપ્રિલ -૨૫ માં રેકોર્ડબ્રેક જીએસટીની આવક થઈ, બે લાખ સાડત્રીસ હજાર કરોડ. એમાં ગુજરાતી બીજા નંબરે છે. રૂ.૧૪૯૭૦ કરોડની જીએસટી ગુજરાતે ભરી છે.) પછી ગુજરાતી શા માટે ના ફરે.’’
‘‘હા પણ, પાકિસ્તાન તો એમ કહે છે કે, કાશ્મીર અમારૂં છે. આ વાત હાસી ?’’
‘‘પાકિસ્તાન તો કાલ હવારે કહેશે કે જૂનાગઢે’ય અમારૂં છે. એટલે આપણે માની લેવાનું ? અને પાકિસ્તાનની તેવડ હું છે? હારાં ટમેટા તો ઉગાડી હકતાં નથી. કાંદા સિવાય કાંઈ ખાય હકતાં નથી અને સામાન્ય મેલેરિયાની દવાની કાયમ ભીખ માંગે છે. આવી દશાવાળા પાકિસ્તાન પાંહે આવું હારૂ કાશ્મીર હોય?’’
‘‘ઈ તો હમજ્યા કે પાકિસ્તાનની એવી કોઈ તેવડ નથી. પણ, ક્યારેક ક્યારેક કાશ્મીરમાં પાકિસ્તાની ઝંડા ફરકે છે એટલે પુછવું પડે છે.’’
‘‘જો ભાઈ! ગામ હોય ન્યાં ગાંડા હોય જ. એમાં કોઈક વધારે ગાંડા હોય.’’
‘‘હા પણ, ગાંડા હોય ઈ મુખ્યમંત્રી હોય!??’’
‘‘બકા, આ સવાલ તે અઘરામાં અઘરો કર્યો. આ સવાલનો જવાબ ના હોય. સવાલ એનો જવાબ છે. કેટલાક ગાંડા વાંઢા માણસો જેવાં હોય છે. એ કયારે પરણી જાય ઈ નક્કી નહીં. પણ, તારે આ બધું જાણીને કરવું છે શું? તારા સવાલ અને ગાંડા માણસને હું લાગે વળગે? તું તો હારા હવામાનની વાતુ કરતો ’તો.’’
‘‘લાગે વળગે છે, બોસ. તો જ સવાલ કર્યો હોય ને.’’
‘‘તો પછી ચોખવટ કરને. શું વાત છે?’’
‘‘જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી કોણ?’’
‘‘અત્યારે તો ઓમર અબ્દુલ્લા છે. વધારાની કાંઈ શંકા છે?’’
‘‘ના શંકા તો નથી. પણ, એનાં પ્રદેશની હવા હારી હોય એવું તમે અને લગભગ દરેક ગુજરાતીને લાગે છે. પણ, એ મુખ્યમંત્રીને કેમ નથી લાગતું ?’’
‘‘બકા આ વળી તું નવું લાવ્યો. અમને હંધાયને કાંઈ હમજણનો ટપ્પો ના પડયો. કાંઈ ફોડ પાડીને વાત કર.’’
‘‘જૂઓ.., જમ્મુ કાશ્મીના મુખ્યમંત્રી એની હારી હવા છોડીને, હવા ખાવા જમ્મુથી ફ્લાઇટ પકડીને દિલ્હી આવ્યાં. ન્યાં મજા ના આવી (અમથું ‘ય દિલ્હીવાળાને’ય ‘રાજકારણી સિવાય’ મજા નથી આવતી) તો એ જ ફલાઇટમાં જયપુર આવ્યાં.(કોના બાપની દિવાળી ?) અને ન્યાં પ્લેનની સીડી ઉપર જ ઊભાં ઊભાં હવા ખાધી. (તમે ઉપરનો ફોટો જોયો નથી?) હવે તમે જ કહો. આ હવા કેટલામાં પડશે ??’’
‘‘બકા, એમ તો આપડે ન્યાં’ય નગરપાલિકાના સભ્યો, મહાનગરપાલિકાના કોર્પોરેટરો હાલતાં સરકારી ખર્ચે વિદેશ હાલ્યા જાય છે. એ ફરવા થોડાં જાય છે!?? વિદેશમાં નવું નવું શીખવા જાય છે. હા, એ વાત અલગ છે કે, આવું નવું નવું શીખીને આવ્યાં હોય એમનો લાભ ગુજરાતને હજું સુધી મળ્યો નથી.(આ જરાં આડ વાત થઈ) પણ હાસુ ઈ હાસુ રે’વાનું છે. (રીંગણા લઉં બે ચાર ? લે ને ભાઈ દસ બાર..!!) એટલે આ બધું જોતાં ઈ મુખ્યમંત્રી હવા ખાવા આવ્યાં હોય તો આવ્યાં ‘ય હોય.’’
અભણ અમથાલાલને ક્યારનું વચ્ચે બોલવું હતું પણ વારો આવતો નહોતો.
‘‘બકા, અને બોસ. તમારૂં અર્ધું કોળું શાકમાં જાય છે એવું નથી. તમારૂં આખેઆખું કોળું શાકમાં જાય છે. તમારી પાંહે વાતમાં માહિતીદોષ છે. સમજણ ફેર છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ જયપુરના હવાઈ મથકે વિમાનની સીડી ઉપર હવા ખાધી. આ હાસી વાત છે. પરંતુ, શા માટે હવા ખાધી ? ઈ માહિતી તમારી પાંહે નથી.’’
બકો વળી વચ્ચે બોલ્યો.
‘‘હવા ખાધી તો ખાધી. એમાં વળી કારણો હોય!??
અને હવાનું બીલ ભગવાન ક્યાં ’ય મોકલે છે??’’
‘‘અરે એમ નઈ બકા. જો જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને દિલ્હી જવું હતું. એમણે ઈન્ડિગોની ફ્લાઇટ પકડી. વાતાવરણ ખરાબ હતું. દિલ્હી આવ્યાં. ત્યાં વધારે ખરાબ વાતાવરણ હતું. ફ્લાઇટ લેન્ડ ના થઈ. તો..ઓ.. ફ્લાઇટ આવી જયપુર. હવે તમે જ કહો. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીને જયપુરમાં હવા ખાવા સિવાય કામ શું હતું!?? વાત આખી આમ હતી. બકા, તે વાતનું વતેસર કરી નાખ્યું.’’