આ હાથ માંગવા મજબૂર છે આને મારી આળસ ના સમજો. આ આંખ રડવા મજબુર છે આને મારી નીર્બળતા ના સમજો. કેવી હૃદયસ્પર્શી વાત થઇ. આ અનુભવ એક સડક પર ચાલતા બાળકો, કે જે  ભિક્ષા માંગી જીવન જીવે છે તેની સ્થિતિ જોઈ મારા હૃદયને તેની વાતો સ્પર્શ કરી ગઈ. જેમ ચોમાસે મેઘરાજા વરસી પડે અને નદીઓ બે કાંઠે આવે… તે જ રીતે મેં જ્યારે બાળકોને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેની આંખો નદીઓની માફક વહી પડી. તેના હૃદયના એ ભાવથી હું વગર વર્ષાએ ભીંજાઈ રહ્યો હતો. હાથ લંબાવતા શરમ-સંકોચ તો અનુભવાય છે પણ આ મારી મજબૂરી છે. શિક્ષણ પ્રાપ્ત કરવાનું સૌ કહે છે પણ શાળામાં પ્રવેશી શકાય તેવી સ્થિતિ નથી. આ બાળકોની વેદના વર્ણવતા વર્ષોની વાતો વર્ણવતા હોય તેવી સ્થિતિ ઉત્પન્ન થાય એમ છે. છતાં પણ નાનો પ્રયાસ આપ સૌ સુધી આ વાતને પહોંચાડવાનો છે.
માનવ થઇ માનવ ના બની શકીએ તો આ જીવન શું કામનું? કોઈ ગરીબની ગરીબી ઉપર હસતા પહેલા તેમની મજબૂરી ઉપર વિચારીએ તો માનવ બન્યા કહેવાય. હા માન્યુ, સમાજમાં કેટલાય લોકો આ ગરીબીને બિઝનેસ બનાવી બેઠા છે,પરંતુ આ ઢોંગીઓ ની વચ્ચે કોઈ મજબૂર  જીવ પીસાઈ રહ્યો હોય છે. આ વેદના વાંચવાથી નહીં પરંતુ અનુભવવાથી સમજાય છે.
સડક કિનારે ચાલતા એ બાળકો. જેમાં બે ભાઇ અને ત્રણ બહેનોની આ પંચટુકડી બધા ના કયા-કપડા જોઈ વાસ્તવિક સ્થિતિનો અંદાજ લગાવી શકાય. પગમાં પગરખાં નહીં. ભર બપોરે રખડતા-રઝડતા આ બાળકોની આંખોમાં સત્યનો ભાસ થતો જોવા મળે.
ક્ષણીક થોભી હાથ લંબાવ્યો અને યથાશક્તિ ભેટ આપી ઈશ્વરના નિમિત્ત બન્યા. અંતે વિચાર આવ્યો આ બાળકોનું ઈશ્વર શીવાય બીજું કોણ…?  તેના પણ સ્વપ્ન હોય… તે બાળક પણ આખરે માનવ છે. તેમને પણ શિક્ષણ પ્રાપ્ત કરવા શાળાએ જવું હોય, તેમને પણ સારી મીઠાઈ આરોગવી હોય, તેમને પણ સારા કપડા પગરખા પહેરી જીવવું હોય. કોઈ અન્ય બાળકને તેના પીતા પોતાના ખભે બેસાડી જતા હોય તે આ બાળક જુએ તો તેને અંતર આત્મા માંથી કેવું અનુભવાતું હશે…? કોઈ પાસે ચોકલેટ જોઈ તેના મોંમાં પણ પાણી તો આવતું જ હોય. પણ આ તો ગરીબ બાળક છે સાહેબ… આને કોણ સમજે-સ્વીકારે?
પણ કઠોર કાળને કંપાવી દે તેવી તેની હિંમત.  આંખો છલકે પણ હદયમાં થપડાટ ન લાગવા દે. સહજતાથી, સરળતાથી સ્વીકારાતી આ સ્થિતી પાછળ નક્કી કોઈ દાવાનળ તો હોઈ જ  છે. આ દાવનળે મારા રક્તને ગરમ કર્યું અને તેની સ્થિતિ-પરિસ્થિતિ વિશે જાણી આજે વર્ણન આપ સૌ સમક્ષ કરી રહ્યો છું.
માનવ થઈને આ દાવાનળને શીતળતા અપાવવી એ આપણી ફરજ છે. તે બાળકોના ભવિષ્ય પર પ્રશ્ન નિશ્ચિતપણે ઊઠે જ. ભાવી ને બદલી શકાતું નથી પણ બનતી મદદ કરી માનવતાના આ રંગને નીખારવામાં નિમિત્ત માત્ર બની શકીએ તો જીવન ધન્ય બની જાય.
આપણી પાસે તો ઘણા સ્વપ્ન છે…ઘણું સુખ. આપણે જ્યારે દુઃખી થઈએ ત્યારે આ ગરીબ મજબૂર બાળકો સમક્ષ નજર કરી ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે; હે ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર કે હું આજે આ સ્થિતિમાં નથી. ચાલો સૌ ઈશ્વરને ફરિયાદ કરવાને બદલે આભાર માનીએ. આ સ્વપ્નહિન ન બાળકોને સ્વપ્નવાન બાળક બનાવવા માટે યથાશક્તિ મદદરૂપ બનીએ, ઈશ્વરના  નિમિત્ત બનીએ અને જીવનનો સાચો અર્થ સમજી મૃત્યુ સુધીના આ જીવનને સુગંધિત બનાવીએ.  ભારતને ભવ્ય બનાવીએ. વંદે માતરમ.