ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડ કપ ૨૦૨૩થી મેદાનથી દૂર છે. ગયા વર્ષે નવેમ્બર ૨૦૨૩માં રમાયેલા વનડે વર્લ્ડ કપ દરમિયાન પગમાં ઈજા થવાથી તે પરેશાન હતો. જે પછી, ફેબ્રુઆરી ૨૦૨૪ માં, તેની પગની ઘૂંટીની ઈજા માટે સફળ સર્જરી કરવામાં આવી. હાલમાં તે મેદાન પર વાપસી કરવા માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં સખત મહેનત કરી રહ્યો છે. તે ટીમ ઈન્ડીયામાં ક્યારે વાપસી કરશે તે હજુ સ્પષ્ટ નથી. આ દરમિયાન મોહમ્મદ શમીએ પોતાની વાપસી પર એક મોટું નિવેદન આપ્યું છે.
મોહમ્મદ શમી હાલ બંગાળમાં છે. હાલમાં જ કોલકાતામાં ઈસ્ટ બંગાળ ક્લબ દ્વારા શમીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેણે પોતાની વાપસી વિશે વાત કરતા કહ્યું કે તે ટીમ ઈન્ડીયામાં પરત ફરતા પહેલા ઘરેલુ ક્રિકેટ રમી શકે છે.
આ સન્માન સમારોહમાં બોલતા શમીએ કહ્યું, ‘હું ક્યારે પરત ફરીશ તે કહેવું મુશ્કેલ છે. હું ખૂબ મહેનત કરી રહ્યો છું પરંતુ હું ફરીથી ભારતીય જર્સી પહેરું તે પહેલાં તમે મને બંગાળની જર્સીમાં જાશો. હું બંગાળ માટે ૨-૩ મેચ રમવા આવીશ અને સંપૂર્ણ તૈયારી સાથે આવીશ. મતલબ કે શમી આગામી ડોમેસ્ટિક સિઝનમાં બંગાળની ટીમ માટે રમતો જાવા મળી શકે છે.
પોતાની ઈજા વિશે વાત કરતા શમીએ કહ્યું, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ઈજા આટલી ખરાબ હશે. મારો પ્લાન ટી ૨૦ વર્લ્ડ કપ પછી આ ઈજા પર કામ કરવાનો હતો. પરંતુ વનડે વર્લ્ડ કપ દરમિયાન આ ઈજા વધુ ગંભીર બની ગઈ અને મેં તેની સાથે રમવાનું જાખમ લીધું નહીં. ડોક્ટરોએ પણ વિચાર્યું ન હતું કે ઈજા એટલી ગંભીર થઈ જશે અને તેને સાજા થવામાં આટલો સમય લાગશે. તમને જણાવી દઈએ કે, શમી ૨૦૨૩ના વનડે વર્લ્ડ કપનો સૌથી સફળ બોલર હતો. તેણે ૭ મેચમાં ૨૪ વિકેટ ઝડપી અને ટીમ ઈન્ડીયાને ફાઈનલમાં પહોંચાડી હતી.
મોહમ્મદ શમીએ ટીમ ઈન્ડીયા માટે અત્યાર સુધીમાં ૬૪ ટેસ્ટ, ૧૦૧ વનડે અને ૨૩ ટી ૨૦ મેચ રમી છે. તેણે ટેસ્ટમાં ૨૨૯, વનડેમાં ૧૯૫ અને ટી ૨૦માં ૨૪ વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે ૧૧ વખત એક ઈનિંગમાં ૫ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. શમીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૯૭૦ રન પણ બનાવ્યા છે, જેમાં ૨ અડધી સદી સામેલ છે.