સમયે-સમયે ઘરતી ઉપર પરિવર્તન આવતુ રહ્યુ છે. લોકો સ્થળાંતર કરતા રહ્યા એ જ રીતે જે ખેડૂતો જમીન વાવતેર કરતા હતા. આઝાદી બાદ ગણોતીયા તરીકે તેઓ માલિક બન્યા એ જ રીતે આજે જેની પાસે જમીનો છે તેની નવી અને ભાવિ પેઢીને ખેતી કરવી નથી એટલે ભવિષ્યમાં જે જમીન વાવતેર કરતા હશે તે માલિક બને તો નવાઈ નહી કારણ કે કુદરતનો ક્રમ છે.
વર્તમાન સમયમાં ખેતીને ખોટનો ધંધો કે ખેતી પરવડતી નથી. એ વાત ખોટી છે. કંપનીના માલિકો પણ પોતાની કંપની ઉપર સમયસર પહોંચીને મેનેજમેન્ટ કરે છે જયારે નવી પેઢી માત્ર માલિક બનવા ઈચ્છે છે. જયારે જેટલા ધરતીપુત્રો મેનેજમેન્ટ સાથે ખેતી કરે છે તેના માટે ઈન્ડન્ટ્રીઝથી ખેતી કંઈ કમ વ્યવસાય નથી. જેમ લોહીની કયાંય ખેતી નથી. રકતદાન કરીને જ કોઈ પણ માણસની જીંદગી બચાવી શકાય છે તેમ અનાજ, કઠોળ, શાકભાજી કોઈ ફેકટરીમાં બનાવવામાં આવતા નથી. જગતનું પેટ ભરવા ખેતી કયારેય બંધ થવાની નથી. હા, આજે જે ખેડૂતો છે, તે કદાચ કાલે ન હોય પણ ધરતી એ બળુકા સંતાનોની માતા છે. માયકાંગલા પણા વચ્ચે ખેતી ના થાય, અધિકાર અને હક્ક સાથે સરકાર પાસે માંગવુ એ ખાનદાની છે અને આપવુ એ કોઈપણ સરકારોની ફરજ પણ છે. રાત – દિવસ શિયાળો, ઉનાળો, ચોમાસુ વેઠીને ખેડૂતો ખેતી કરે છે. મોટા મહેલોમાં રહેનારને પણ ભુખ લાગે અને રસ્તે રઝળતા માણસને પણ ભુખ લાગે એની ભુખ સંતોષાય અનાજ, કઠોળ અને શાકભાજી થકી બનેલા ખોરાકથી. આજે માત્ર સાડાસાત વિઘા જમીન ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના વડાળી ગામના નવલોહિયા યુવાન ધરતીપુત્ર હિતેષભાઈ શિવાભાઈ મેણીયા જેમની ઉમર ૩ર વર્ષ છે અને ધો.૧૦ સુધીનો અભ્યાસ કર્યો છે.
કપાસના વાવેતર દરમ્યાન બેફામ પેસ્ટીસાઈડનો ઉપયોગ અને કપાસ અને કપાસિયાની જીવાતો સાથે પિલાણ થાય અને કપાસીયા તેલ ખાઈએ તો કેવી બીમારી થાય. આ જ વિચાર સાથે ર૦૧૯ માં પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર કર્યો. વિવિધ શિબિરો અને અધિકારીઓના માર્ગદર્શન સાથે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી.
ચાલુ વર્ષે હિતેષભાઈના ખેતરમાં સાડા ચાર વિઘાની મગફળી છે. પાકમાં મગફળી, મકાઈ, કોઠીંબા, મગ, સુરજમુખીનું મિશ્રપાક તરીકે વાવેતર કરે છે. હિતેષભાઈ કહે છે, આપણા વડવા મિશ્ર પાકના વાવેતર કરતા એ જ વાવેતર છે. તેમાંથી શુધ્ધ ખાનારા ગ્રાહકોને મગફળી, મગફળી તેલ, કોઠીંબાની કાચરી, મગ અને સુરજમુખીનું વેચાણ કરીશ. પ્રધાનમંત્રી જયારે આપણા જાફા ધાન્ય મિલેટની વાત કરતા હોય છે એ મિલેટ કાંગ, કોદરી, જુવાર, રાગી, દેશી બાજરાનું વાવેતર કરેલ છે. જેમાંથી રાગીના પાપડ બનાવીને વેચાણ કરે છે. જયારે શિયાળામાં ચણા અને ઘઉંનું વાવેતર સાથે રાજગરો અને અમેરિકન ધાન-કિનોવાનું વાવેતર કરે છે. ચણામાંથી ચણાની દાળ, ચણાનું વેચાણ, ચણાનાં લોટનું વેચાણ કરે છે. જયારે ઘઉં ગ્રેડીંગ-શોર્ટીંગ કરીને વેચાણ કરે છે. હિતેષભાઈ પ્રાકૃતિક ખેતી સાથે સેવાનું કામ કરી રહ્યા છે કે, જે દેશી પ્રકારની શાકભાજી છે તેનો સ્વાદ ખુબ સારો હોય છે. આ શાકભાજીનાં લુપ્ત થતા બિયારણો ૯ર જેટલી વિવિધ શાકભાજીની કિચન ગાર્ડન કિટ તૈયાર કરીને વેચાણ કરે છે.
ત્યારે ખરા અર્થમાં કોરોના કાળમાં મોટા બંગલાઓ અને હવેલીઓ મૂકીને માનવ જીંદગીએ ગામડે દોટ મૂકી હતી. કોરોના કાળમાં બધા ધંધા-વ્યવસાય બંધ હતા ત્યારે ખેતી, દૂધ,(પશુપાલન) અને હોસ્પિટલ ચાલુ હતા એટલે ખેતી બંધ થવાની નથી. જરૂર છે માત્ર એક હિતેષ નહિ પણ હજારો હિતેષ તૈયાર કરવાની. શ્રી હિતેષભાઈ શિવાભાઈ મેણીયાનો સંપર્ક નં. ૯૭ર૪૪ ર૮૧રપ છે.

-:: તિખારો ::-
સંધરીને રાખી છે, ઈચ્છાઓની લાગણીઓને કારણ કે બોલેલા શબ્દો અને વચન સમયે કામ આવેલા માણસને વ્યાજ સાથે ચુકવણી કરવી છે.