પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં ડાક્ટર સાથે રેપ અને મર્ડર કેસમાં પ્રદર્શન કરતા ડાક્ટરોને મળવા પહોંચ્યા હતા. મમતા બેનરજી સ્વાસ્થ્ય ભવન પહોંચ્યા હતા જ્યા ડાક્ટર પ્રદર્શન કરતા હતા. મમતા બેનરજીએ કહ્યું કે, ‘હું આ ઘટનામાં તમારી સાથે છું. હું તમારી પીડા સમજું છું. મને મારા પદની ચિંતા નથી. મેં મારા વિદ્યાર્થીકાળ દરમિયાન ઘણાં આંદોલનો પણ કર્યા હતા.’ જાકે, આ દરમિયાન પ્રદર્શન કરતા ડાક્ટરોએ સુત્રોચ્ચાર કર્યા હતા. મમતા બેનરજીએ કહ્યું કે,તમે વરસાદમાં વિરોધ કરી રહ્યા છો આ માટે હું તમને સલામ કરૂં છું. હું તમારી બધી માંગણીઓ પર વિચાર કરીશ. મને મારા પદની ચિંતા નથી.
તમને જણાવી દઈએ કે ગુરુવારે ડાક્ટરોની એક ટીમ નબન્ના બેઠક માટે પહોંચી હતી પરંતુ આ બેઠક થઈ શકી ન હતી. મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ જુનિયર ડાકટરોને મળવા માટે બે કલાક રાહ જોઇ હતી પરંતુ તે બેઠક સ્થળ પર આવ્યા નહતા. તે બાદ મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે તે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા તૈયાર છે. મમતા બેનરજીએ ફરી એકવાર કહ્યું કે તેઓ સીબીઆઇ પાસે આરોપીઓને ફાંસી આપવાની માંગ કરશે.
મમતા બેનર્જીએ ડોક્ટરોને કહ્યું કે, જો તમને કોઇ સમસ્યા થશે તો મને પણ થશે. તમે વરસાદમાં પ્રદર્શન કરી રહ્યા છો.આ જોઈને મને આખી રાત ઊંઘ ન આવી. હું તમારી સાથે અન્યાય નહીં થવા દઉં. તમારી તમામ માંગણીઓ ધ્યાનમાં લેવામાં આવશે. ડોકટરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં પરંતુ તમારે કામ પર પાછા ફરવું જોજાઈએ. તમે નારા લગાવો, એ તમારો અધિકાર છે.૯ ઓગસ્ટની રાત્રે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં એક જુનિયર ડોક્ટરની હત્યા કરવામાં આવી હતી.રાત્રે તેણે મિત્રો સાથે ડિનર કર્યું હતું પરંતુ તે પછી તેના કોઈ સમાચાર નહોતા. બીજા દિવસે સવારે ચોથા માળે
આવેલા સેમિનાર હોલમાંથી ડોક્ટરનો મૃતદેહ અર્ધ નગ્ન અવસ્થામાં મળી આવતાં મેડિકલ કોલેજમાં ખળભળાટ મચી ગયો હતો. પોસ્ટમોર્ટમના પ્રારંભિક રિપોર્ટમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ મામલે કોલકાતા પોલીસ અને હોસ્પિટલ પ્રશાસન પર અનેક સવાલો ઉભા થયા છે. બાદમાં હાઈકોર્ટે આ કેસની તપાસ સીબીઆઇને સોંપી હતી. આ ઘટનાને લઈને ડોક્ટરો સતત વિરોધ કરી રહ્યા છે.