કેટલીક વખત સ્ત્રીઓ પોતાની વાત કોઇને કહી શકતી નથી. મનમાં ઘણા વિચાર હોય તો પણ બોલી શકાય તેમ નથી હોતું,  ઘણીવાર ઘણી સ્ત્રીઓ વાતો કહે છે, પણ સાથે એમ પણ કહે છે કે જોજો.. હો… કોઇને કહેતા નહી..
મનમાં ઘણી વાત હોય, પણ ક્યારેક સ્વજનોને ખરાબ લાગશે એ ડરથી,  તો ક્યારેક લોકો શું કહેશે એવા સમાજનાં ડરથી ચૂપ રહી જાય છે…
      આજે એક 21 વર્ષની દીકરીની વાત કરવી છે. આપણે તેને નિરાલીના નામે ઓળખશું. તેની વાત દિકરીની લ્હાયમાં જીવતા માબાપ માટે ચેતવણીરૂપ છે. નિરાલી પોતાની વાત જણાવતા કહે છે કે….
     હું મારા માબાપની ચોથી દીકરી છું. દીકરાની આશામાં જીવતા મારા માબાપે મારા જન્મ પછી કદાચ માની લીઘું  કે દીકરો નહી આવે. ત્રણ દીકરીઓ પછી ચોથી પણ દીકરી આવતા મારા માબાપે મને દીકરીને બદલે દીકરા તરીખે ઉછેરી. મારું નામ જ એવું પાડયું કે છોકરો કે છોકરી ખબર જ ન પડે. નાનપણથી જ મને દીકરા – દીકરા કહીને બોલાવે. મને કયારેય છોકરીના કપડાં પહેરવા જ ન દીઘા.  નાનપણથી જ ચડ્ડી – ટીશર્ટ, પેન્ટ – શર્ટ પહેરાવતા.. ચંપલ પણ છોકરાના જ… વાળ પણ લાંબા નહી , છોકરા જેવા જ કપાવવાના … નખ નહી રંગવાના.. મહેંદી નહી મુકવાની.. બંગડી-ચાંદલો-બુટ્ટી કંઇ જ નહી… ટુંકમાં શરીર દીકરીનું… બાકી બઘું જ દીકરા જેવું… હું પણ મારી જાતને છોકરો જ સમજવા લાગી… બાઇક ચલાવતા પણ શીખી..મારા મિત્રોમાં પણ છોકરીઓ ઓછી અને છોકરાઓ વધારે..  ટુંકમાં બઘા જ લક્ષણ દીકરાના…
       વીસ વર્ષ સુઘી કંઇ તકલીફ ન પડી… મારા મમ્મી પપ્પાને મારી રીતભાત, મિત્રોથી કોઈ જ વાંધો નહતો.  પણ ખરી તકલીફ મારી સગાઇ પછી પડી.. મારા ભાવિ પતિને તો મારા બાહ્ય રૂપથી કંઇ વાંઘો ન હતો, પણ મારી સાસરી પક્ષના લોકોના ભવાં ચડી ગયા.. મારા સાસુ કહે કે અમારે તો વહુ લાવવાની છે, વહુને શોભે તેવા કપડાં પહેરો. તેમણે સગાઇમાં સાડી, ડ્રેસ, બંગડી, ચાંદલા, ચુંક, બુટ્ટી, ચેન, પગના સાંકળા… ટુંકમાં છોકરીની ઉપયોગી બઘી જ વસ્તુ આપી. મેં તો આવું કયારેય પહેર્યુ જ ન હતું. હવે અચાનક આટલું બઘું કયાંથી પહેરું???
      મારા મમ્મી – પપ્પા પણ હવે કહે છે કે તું તો દીકરી જ છો ને… હવે સગાઇ પછી તો આ બઘું પહેરવું જ પડે ને…! ! મમ્મી – પપ્પાએ અત્યાર સુઘી દીકરો-દીકરો કર્યુ.. અને હવે અચાનક મને દીકરી બનાવી દીધી. હું છોકરી જ છું એ વાતની મને ખબર જ છે.. પણ મારો ઉછેર જે રીતે થયો, જીવનના વીસ વર્ષ હું જે રીતે જીવી તે અચાનક બદલાઇ જાય તો આધાત લાગે ને.. ?? હવે એકવીસમાં વર્ષે જાણે મારો દીકરી તરીખે નવો જન્મ થયો.. મોટી થતાં વાર તો લાગે ને…?? હું માબાપના દીકરામાંથી સાસુની પુત્રવધુ બનવા પ્રયાસ કરું છું.. પણ કયારેક મજાકને પાત્ર બનું છું..
      હવે મારા મમ્મી પપ્પા કહે છે કે આદત સુધાર, બાઈક ચલાવવાનું બંધ કર, છોકરાઓ સાથે દોસ્તી ન રાખ, ક્રિકેટ છોડીને ભરત ગુંથણ શીખ… પણ આ બઘું અચાનક ક્યાંથી થાય ?  મને મારા માબાપ માટે કોઇ ફરિયાદ નથી, પણ  કહેવાનું એટલું જ કે તમારી ઇચ્છા પૂરી કરવા, તમારા મનના ખોટા સંતોષ માટે તમે તમારી દીકરીને કયાંયની ન રાખી. આજે હું દીકરા અને વહુના પાત્ર વચ્ચે અટવાતી રહું છું.
      નિરાલીએ બઘી વાત પત્રમાં લખીને આપી હતી. પત્ર પૂરો થયો.. નીચેના શબ્દો થોડા ફેલાયેલા હતા. જાણે લખતા લખતા નિરાલીની આંખમાંથી આંસુ કાગળ પરના અક્ષર પર પડયા હોય…
     સાચી વાત છે નિરાલીની… દીકરાની આશામાં જીવતા માબાપ કયારેક પોતાના સંતોષ માટે દીકરીના જીવનને મુશ્કેલ કરી દે છે… આવું કયારેય ન કરો.. દીકરીને દીકરીને રીતે જ ખીલવા દો …
   જો કે આજે તો પરિસ્થિતિ બદલાય છે. ઘણા દંપતીઓને સંતાનમાં  એક જ દીકરી હોય છે, છતાં જુની પેઢીના લોકો હજી દીકરાની લાલચ રાખે છે, અને દીકરીનું જીવન બગાડે છે. આવું ન કરો.. સંતાન દીકરો હોય કે દીકરી.. તેને અપનાવો ..