કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતા સ્વ.ભરતભાઈ પટેલની પુણ્યતિથિ પ્રસંગે આવેલા સાધુ-સંતો અને કોંગ્રેસના આગેવાનોનાં સલાહ-સૂચન બાદ હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી કે હું કોંગ્રેસમાં છું જ, પક્ષ પાસે કામ માગું છું, કામ મળશે તો ૧૧૦ની સ્પીડે કામ કરીશ, મારે કોઇ વાત સાબિત કરવાની નથી.
હાર્દિક પટેલના ત્યાં આવેલા કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને નૌતમ સ્વામીએ આપેલાં નિવેદન અને સલાહ-સૂચનોનો ખુલાસો કરતાં હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ છું, પક્ષ પાસે કામની માગણી કરું છું અને જા કામ મળશે તો હું વધુ સ્પીડથી કામ કરીશ, પક્ષમાં કોઈની સાથે વ્યક્તિગત કે વિચારનો વિરોધ હોઈ શકે, પરંતુ હું આ મામલે સાથે બેસીને વાત કરીશ. મારા પિતાના પુણ્યતિથિ પ્રસંગે આવેલા સૌનો આભાર માનું છું.
નૌતમસ્વામીએ હાર્દિક પટેલને હિન્દુત્વની વિચારધારાવાળા પક્ષમાં જાડાવવાની આપેલી સલાહ અંગે તેમણે ખુલાસો કરતાં જણાવ્યું કે નૌતમસ્વામીએ તેમની લાગણી વ્યક્ત કરી છે. મેં ભગવાન રામની અહીં સ્થાપના કરી છે. મારે કોઇ વાત સાબિત કરવાની નથી. હું રઘુવંશી છું, મારે કંઇ સાબિત કરવાનું રહેતું નથી. અમે હિન્દુ સંસ્કૃતિ સાથે જાડાયેલા છીએ.
ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે નરેશ પટેલે રાજકારણમાં આવવું જાઈએ. હું કાંગ્રેસમાં છું તો એવું અપેક્ષા રાખું કે તેઓ કોંગ્રેસમાં આવે અને તેમના જેવા અનેક લોકોએ આવવું જાઈએ. જ્યારે પ્રશાંત કિશોર અંગે તેમણે જણાવ્યું હતું કે પ્રશાંત કિશોર વિશે ઘણા સમયથી ચર્ચા ચાલે છે. તેઓ એક સ્ટ્રેટેજી મેકર્સ છે. તેઓ ચટણી બનાવે અને બગાડે છે. પાર્ટીના નેતાએ એ અંગે પાર્ટીના નેતાઓએ ટ્વીટ કર્યું છે. જા એ એમ માનતા હોય કે ઘીના ઠામમાં ઘી ઠરી ઠામ થયું હોય તો સારી વાત છે.
પોતાના પિતા અંગે વાત કરતાં હાર્દિકે જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં એક વર્ષ પહેલાં મારા પિતાનું દેહાંત થયું. તેમના નિધન બાદ હિન્દુ સંસ્કૃતિ મુજબ ધાર્મિક વિધિ કરી હતી, પરંતુ સામાજિક રીત મુજબ આજે પુણ્યતિથિ કાર્યક્રમ કર્યો છે. આ કાર્યક્રમમાં બધા જ લોકોને અને પાર્ટીના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મેં તો ક્યારે કહ્યું જ નથી કે ફલાણી પાર્ટીના લોકો આવશે. મારા અને મારા પિતાનાં લેણદેણ પૂર્ણ કરવા માટે આજનો કાર્યક્રમ કર્યો છે. નૌતમસ્વામી ખૂબ મોટા સ્વામી છે. હિન્દુ ધર્મના વડા છે, એટલે તેમણે પોતાની લાગણી વ્યક્ત કરી હશે. આજે રામધૂન અને અન્ય ધાર્મિક કાર્યક્રમ કર્યો એટલે હિન્દુ તરીકે જ વિધિ કરી છે.