રાજ્યપાલ સીવી આનંદ બોઝે શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ સુધારા કાયદાના વિરોધ દરમિયાન થયેલી હિંસા બાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તેમણે મૃતક હરગોવિંદ દાસ અને ચંદન દાસના પરિવારજનોને મળ્યા અને શક્ય તમામ મદદની ખાતરી આપી. રાજ્યપાલે સુતી, જાંગીપુર અને ધુલિયાં જેવા અન્ય હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને લોકો સાથે વાત કરી અને કહ્યું કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મૃતકોના પરિવારજનોએ આ ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરી છે.૮ થી ૧૨ એપ્રિલ દરમિયાન આ મુસ્લીમ બહુમતીવાળા વિસ્તારોમાં વક્ફ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. હિંસાના સંદર્ભમાં ૨૭૪ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

દરમિયાન, રાષ્ટ્રીય મહિલા આયોગના વડા વિજયા રહાતકરના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે પણ મુર્શિદાબાદની મુલાકાત લીધી અને રમખાણોથી પ્રભાવિત મહિલાઓને મળ્યા. પીડિતોએ જણાવ્યું હતું કે તેમને સતત ભયમાં જીવવું પડે છે અને તેમણે વિસ્તારમાં કાયમી બીએસએફ કેમ્પની માંગ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે આ અથડામણોની તપાસ એનઆઇએ દ્વારા થવી જોઈએ. રહાતકરે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર અને કમિશન બંને તેમની સાથે છે અને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે.

હિંસાના પીડિતોને મળ્યા બાદ રાજ્યપાલ સીવી આનંદ બોઝે કહ્યું કે ‘તેઓ (પીડિતો) સુરક્ષિત અનુભવવા માંગે છે. પીડિતોએ જે પણ સૂચનો કે માંગણીઓ કરી છે તેના પર વિચાર કરવામાં આવશે. હું કેન્દ્ર સરકારને આ અંગે જાણ કરીશ જેથી યોગ્ય કાર્યવાહી કરી શકાય. મેં લોકોને મારો ફોન નંબર આપ્યો છે અને જ્યારે પણ તેમને મારી જરૂર હોય ત્યારે મને ફોન કરવા કહ્યું છે. આપણે સંપર્કમાં રહીશું.સીવી આનંદ બોઝે જિલ્લાના ધુલિયાં, સુતી અને જાંગીપુરમાં હિંસા પ્રભાવિત અન્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી રાજ્યપાલ સીવી આનંદ બોસે હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને મળ્યા. તેમણે પીડિત પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપી. શમશેરગંજના જાફરાબાદ વિસ્તારમાં હરગોવિંદ દાસ અને ચંદન દાસના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા અને તેમના શરીર પર છરીના અનેક ઘા હતા. સત્તાવાર માહિતી અનુસાર, રાજ્યપાલે પરિવારના સભ્યો સાથે વાત કરી અને તેમને મદદનું આશ્વાસન આપ્યું. પરિવારના સભ્યોએ આ ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે શમશેરગંજનો પ્રવાસ શરૂ કરતા પહેલા, બોઝે ફરક્કાના ગેસ્ટ હાઉસમાં અસરગ્રસ્ત પરિવારોના કેટલાક સભ્યો સાથે વાત કરી હતી જ્યાં તેઓ રોકાયા હતા. શુક્રવારે, બોસે માલદાની મુલાકાત લીધી હતી અને મુર્શિદાબાદ જિલ્લાના હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી ભાગી આવેલા કામચલાઉ શરણાર્થી શિબિરમાં રહેતા લોકોને મળ્યા હતા. તેમણે અસરગ્રસ્ત લોકોને ખાતરી આપી કે તેમની ફરિયાદોના નિવારણ માટે “નક્કર પગલાં” લેવામાં આવશે. રાજ્યપાલે કહ્યું, “હું અહીં કેમ્પમાં હાજર પરિવારના સભ્યોને મળ્યો. તેમણે મને વિગતવાર માહિતી આપી છે. ચોક્કસપણે, નક્કર કાર્યવાહી કરવામાં આવશે.”

આ હિંસા અંગે ભાજપે પણ મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારે આરોપ લગાવ્યો કે મમતા બેનર્જી વોટ બેંકનું રાજકારણ કરી રહ્યા છે અને આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સત્ય બહાર ન આવે તે માટે મીડિયાને હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પ્રવેશવાની મંજૂરી નથી. મજુમદારે એવો પણ આરોપ લગાવ્યો કે જો મૃતકો મુસ્લીમ હોત તો મમતા ચોક્કસપણે ત્યાં ગઈ હોત.

ધુલિયાંથી સ્થળાંતર કરીને આવેલા ઘણા હિન્દુ પરિવારોએ દાવો કર્યો છે કે તેમના પાણીમાં ઝેરી મિશ્રણ થઈ રહ્યું છે અને તેઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે. મજુમદારે કહ્યું કે જ્યાં સુધી કેન્દ્રીય દળો તૈનાત છે, ત્યાં સુધી તેઓ થોડી રાહત અનુભવી રહ્યા છે. તેમણે મૌલાનાઓ સાથે મમતા બેનર્જીની મુલાકાત અને ગૃહમંત્રી અમિત શાહ પરની તેમની ટિપ્પણીઓ પર પણ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે મમતાજી ગૃહમંત્રીથી ડરે છે કારણ કે તેઓ બંગાળમાં પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે આવ્યા છે.

ભાજપના નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીએ પણ રાજ્યની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે બંગાળમાં હવે સામાન્ય હિન્દુ પોતાના રાજ્યમાં શરણાર્થી જેવો અનુભવ કરી રહ્યો છે. મિથુને એમ પણ ઉમેર્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નામની કોઈ વસ્તુ બાકી નથી અને તૃણમૂલ સરકાર ફક્ત તુષ્ટિકરણની રાજનીતિમાં વ્યસ્ત છે.