વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડની બાજુમાં હિરણ નદીના પુલ ઉપર મોટા ખાડા પડી ગયા છે. જેથી આ પુલ ઉપરથી વાહનો ચલાવવા અતિ મુશ્કેલ બનેલ છે અને અત્યારે ચોમાસું ચાલતું હોવાથી વરસાદને કારણે આ ખાડા પાણીથી ભરાય છે. જેથી વાહનચાલકોને કઈ જગ્યાએ ખાડા આવેલા છે તે ખબર પડતી નથી. આ ખાડામાં બાઈક જવાથી વારંવાર પડવાના બનાવો બને છે અને લોકોને ઈજાઓ પણ થાય છે તેમજ ખાડાને કારણે વાહનોના થથડાટને કારણે રોડને પણ નુકસાન થાય છે. જ્યારે આ પુલ ઉપર કોઈ મોટા વાહનો આવે અને ટ્રાફિક જામ થાય ત્યારે વચ્ચે ફસાયેલા વાહનચાલકોનો શ્વાસ અધ્ધર થઈ જાય છે. આ પુલ ઉપરથી રાજકિય અગ્રણીઓ અને જિલ્લાના અધિકારીઓ પણ વારંવાર નીકળતા હોય છે પરંતુ રીપેરીંગ બાબતે ધ્યાન આપવામાં આવતું નથી.