હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ધર્મશાલા નજીક પેરાગ્લાઈડિંગ અકસ્માતમાં ગુજરાતના ૨૫ વર્ષીય પ્રવાસી સતીશ રાજેશનું મોત થયું હતું. તે પાઇલટ સૂરજ સાથે પેરાગ્લાઇડિંગ ફ્લાઇટમાં હતો. પેરાગ્લાઇડર ઉડાન ભર્યાની થોડીવાર પછી જ ખીણમાં તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનાનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માતમાં સતીશને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને પહેલા ધર્મશાળાની ઝોનલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં કાંગડાના ટાંડા મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સોમવારે તેમનું મોત નીપજ્યું હતું. પાયલોટ, સૂરજ, હાલમાં સારવાર હેઠળ છે. શહેરના અધિક પોલીસ અધિક્ષક (એએસપી) હિતેશ લખનપાલે પુષ્ટિ આપી કે પીડિતાના પરિવારને જાણ કરવામાં આવી છે, અને પોસ્ટમોર્ટમ પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી મૃતદેહ સોંપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે અકસ્માતનું કારણ નક્કી કરવા અને કોઈ બેદરકારી કે સલામતી પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે જાણવા માટે સંપૂર્ણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હિમાચલ સહિત બીજી જગ્યાએ પેરાગ્લાઈડિંગ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયાં છે. આ તાજેતરની દુર્ઘટનાએ ફરી એકવાર આ પ્રદેશમાં પેરાગ્લાઈડિંગ કામગીરીની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, ચોમાસાની શરૂઆતને કારણે ૧૫ જુલાઈથી પેરાગ્લાઈડિંગ સહિતની તમામ સાહસિક પ્રવૃત્તિઓ પર આયોજિત મોસમી પ્રતિબંધના થોડા દિવસો પહેલા જ આ અકસ્માત થયો હતો. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં, ગુજરાતના અન્ય એક પ્રવાસી, ભાવસાર ખુશીનું પણ પેરાગ્લાઈડિંગ સાઇટ પર ટેન્ડમ ફ્લાઇટ દરમિયાન પડી જવાથી મૃત્યુ થયું હતું. તે જ મહિનામાં આ પ્રદેશમાં બે વધુ જીવલેણ પેરાગ્લાઈડિંગ અકસ્માતો થયા હતા.









































