હિંમતનગર ના ઝાહિરાબાદમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે રૂપિયા ૧૯.૫૨ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. મદની સોસાયટીમાંથી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગરનાં ઝાહિરાબાદમાં એસએમસીએ રૂપિયા ૧૯.૫૨ લાખની કિંમતનો ૧૯૫.૨૮૫ ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. મદની સોસાયટીમાં આરોપીના ઘરમાંથી એસએમસીએ ડ્રગ્સ ઝડપી બે આરોપી ખુર્શીદ પઠાણ અને નોમાનમીયાં પરમારને પણ પકડી લીધા છે. ખુર્શીદ પઠાણના ઘરમાં વેચાણ માટે ડ્રગ્સનો જથ્થો રખાયો હતો, આરોપી ઈરફાન પઠાણ એમપીથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો.
૫ વર્ષ પહેલા પણ ઈરફાન ૩૫ લાખના ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. ડ્રગ્સ કેસમાં જામીન પર છૂટી બાદ ફરી ડ્રગ્સનો વેપાર શરુ કર્યો હતો. એસએમસીએ ફરાર ઈરફાન પઠાણને ઝડપવા શોધખોળ હાથ ધરી છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ સામે એસએમસીએ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓની ધરપકડ કરી ડ્રગ્સની હેરાફેરી કરવામાં કોણ કોણ સંડોવાયેલા છે તેની પૂરી વિગતો મેળવવાનો સ્ટેટ મોનિટરિંગ પોલીસ પ્રયાસ કરી રહી છે. નશાબંધી કાયદા હેઠળ ગુનો નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશ હેઠળ રાજ્યના યુવાઓને ડ્રગ્સની બદીથી બચાવવા માટે રાજ્ય સરકારે ડ્રગ્સ વિરુદ્ધ રીતસરની જંગ છેડી છે. આ અભિયાન અંતર્ગત, જાન્યુઆરી ૨૦૨૫માં વિશેષ સત્તાઓ સાથે શરૂ થયેલા સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશન દ્વારા માત્ર ચાર મહિનામાં ૧૨ મોટા એનડીપીએસ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ)ના કેસો શોધી કાઢવામાં આવ્યા છે. આ કેસોમાં ૨૫ ડ્રગ કાર્ટેલ અને પેડલર્સને ઝડપી લેવામાં આવ્યા છે, જેમની પાસેથી કોકેઈન, એમડી મેફેડ્રોન, ગાંજા અને ઓપિયમ આલ્કલોઈડ્‌સ જેવા રૂ. ૪.૧૪ કરોડની કિંમતના ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં બે વિદેશી (નાઈજિરિયન) આરોપીઓનો પણ સમાવેશ થાય છે.