નવરાત્રિ ફરી આવી ગઈ છે.

ઉત્સવપ્રિય ગુજરાતીઓ માટે નવરાત્રિ સૌથી મોટો તહેવાર છે અને આવતી કાલે ગુરૂવારે પહેલું નોરતું છે, આસો નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતી  ગમે ત્યાં વસે પણ નવરાત્રિમાં હિલોળે ના ચડે એવું બને જ નહીં. નવરાત્રિ યૌવનનું પર્વ છે ને નવરાત્રિમાં આખું ગુજરાત હિલોળે ચડતું હોય છે. ગુજરાતમાં જ નહીં પણ ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓ પણ નવરાત્રિને મન ભરીને માણે છે પણ છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે ગુજરાતીઓ ગરબે ઘૂમી શકતા નથી ને નવરાત્રિની મજા માણી શકતા નથી. યૌવનનો થનગનાટ ને હિલોળે ચડતું જોબન મન મારીને ઠંડું થઈને બેસી જાય છે ને કોરાના કાળને કારણે બે વર્ષથી નવરાત્રિ સાવ નિરસ  જાય છે.  કોરોનાએ બે વર્ષથી નવરાત્રિની બધી મજા બગાડી દીધી હતી.

નવરાત્રિના કારણે લોકોની ભીડ જામે ને  કોરાનાનો ચેપ લાગે એ ડરમાં ને ડરમાં સરકારે નવરાત્રિની ઉજવણી પર જ પ્રતિબંધ મૂકી દીધો હતા. તેના કારણે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ક્યાંય નવરાત્રિમાં ગરબા ન થયા ને ગુજરાતીઓ કોરાધાકોર રહી ગયા. નવરાત્રિ શક્તિનું પર્વ છે ને લોકોની ધાર્મિક લાગણીઓ જોડાયેલી છે તેથી માતાજીનું સ્થાપન કરીને નવ દિવસ આરતી-પૂજા કરીને લોકોએ સંતોષ માણ્યો પણ નવરાત્રિની જે ધમાકેદાર ઉજવણી થતી હતી એવી બે વર્ષથી થઈ નથી.  કોઈ કોઈ ઠેકાણે પ્રતિકાત્મક રીતે આરતી પછી પાંચ ગરબા કરીને લોકોએ નવરાત્રિની ઉજવણીનો સંતોષ માણ્યો પણ તેનાથી મન ના ભરાય. નવરાત્રિમાં ગરબાની સાથે સાથે માહોલ પણ મહત્વનો હોય છે. કોરોનાના ડરના કારણે થનગનાટનો, ઉત્સાહનો માહોલ હતો જ નહીં તેથી વરસો પછી પહેલી વાર સળંગ બે વર્ષ માટે નવરાત્રિ નિરસ ગઈ.

આ વખતે નવરાત્રિ સાવ નિરસ નહીં જાય.

કોરોનાનો ખતરો હજુ ગયો નથી પણ આ વખતે સરકારે થોડી દયા બતાવીને શેરી ગરબા કરવાની મંજૂરી આપી છે. મોટા પાર્ટી પ્લોટ્સ અને ક્લબમાં થતા ધમાકેદાર ગરબા તો આ વખતે પણ નથી થવાના પણ લોકો પોતાની સોસાયટી, ફ્લેટ, એપાર્ટમેન્ટ્સ વગેરેમાં વધારેમાં વધારે 400 લોકો ભેગાં થઈ શકે એ રીતે નવરાત્રિ માણી શકશે, ગરબે ઘૂમી શકશે. કોરોનાના કારણે સરકારે જાત જાતની શરતો મૂકી છે. આ શરતો લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે છે તેથી તેનું પાલન કરવું જ જોઈએ પણ આ શરતો સાથે ગરબા ગાઈ શકાશે એ મોટી વાત છે.

ગુજરાતીઓ ત્રણ વરસ ને એ પહેલાં જબરદસ્ત થનગનાટ સાથે નવરાત્રિની ઉજવણી કરતા હતા એવી ઉજવણી ચોક્કસ નહીં કરી શકાય પણ સાવ કોરાધાકોર પણ નહીં રહી જવાય.

ટૂંકમાં આ વખતે નવરાત્રિની પૂરી ફિલ્મ નહીં હોય પણ ટ્રેલર ચોક્કસ જોવા મળશે.

//////////////////////////

હિંદુ કેલેન્ડરમાં ચાર નવરાત્રિ આવે છે.

આ વાત જાણીને આશ્ચર્ય થશે પણ સાચી છે. હિંદુ કેલેન્ડરમાં વસંત નવરાત્રિ, અષાઢ નવરાત્રિ, શરદ નવરાત્રિ અને પુષ્ય નવરાત્રિ છે. આપણે આસો મહિનામાં ઉજવાતી નવરાત્રિ અને ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિ વિશે જાણીએ છીએ પણ દેશમાં અલગ અલગ સ્થળ કુલ ચાર નવરાત્રિ ઉજવાય છે.

આપણે  આસો મહિનામાં શરદ નવરાત્રિની ઉજવણી કરીએ છીએ. શરદ નવરાત્રિ   મહા નવરાત્રિ કહેવાય છે. શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ એટલે કે આસો સુદમાં ઉજવાતી નવ દિવસની નવરાત્રિ પછી દસમા દિવસે દશેરા હોય છે ને પાંચ દિવસ પછી પૂનમના દિવસે શરદ પૂનમ હોય છે.  ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિ વસંત ઋતુમાં આવે છે તેથી તેને વસંત નવરાત્રિ કહેવાય છે. ઉત્તર ભારતમાં વસંત અથવા તો ચૈત્ર નવરાત્રિની ઉજવણી થાય છે. ચૈત્રી નવરાત્રિમાં  શક્તિનાં નવ સ્વરૂપોની આરાધના થાય છે. અંગ્રેજી કેલેન્ડ પ્રમાણે માર્ચ-એપ્રિલમાં આવતાં ચૈત્ર નવરાત્રાના નવ દિવસોનો ઉત્સવ  રામ નવરાત્રિ તરીકે પણ ઓળખાય છે.

શરદ અને વસંત નવરાત્રિ લોકપ્રિય છે પણ આ સિવાય અષાઢ અને પુષ્ય નવરાત્રિ પણ હિંદુ કેલેન્ડરમાં છે.  અષાઢ નવરાત્રિને  ગુપ્ત નવરાત્રિ કહે છે. તેને ગાયત્રી કે શાકંભરી નવરાત્રિ પણ કહેવાય છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે અષાઢ મહિનામાં અને અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જૂન-જુલાઇ  મહિનામાં મા શક્તિના નવ સ્વરૂપોની ગુપ્ત રીતે આરાધના કરવામાં આવે છે. પુષ્ય નવરાત્રિ હિંદુ કેલેન્ડર પ્રમાણે પોષ મહિનામાં અને અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ડિસેમ્બર-જાન્યુઆરી  મહિનામાં ઉજવવામાં આવે છે.

આ ચાર નવરાત્રિ ઉપરાંત માઘ નવરાત્રિ પણ છે.  માઘ નવરાત્રિને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે મહા મહિનામાં અને અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી  મહિનામાં આ નવરાત્રિ ઉજવાય છે.  નવરાત્રિ અષાઢની ગુપ્ત નવરાત્રિના વિકલ્પે છે તેથીતેને વૈકલ્પિક ગણવામાં આવે છે.

//////////////////////////

નવરાત્રિનું હિંદુ સંસ્કૃતિમાં ભારે આધ્યાત્મિક મહાત્મ્ય છે.

હિંદુ સંસ્કૃતિમાં મા દુર્ગાને શક્તિ સ્વરૂપે પૂજે છે. નવરાત્રિ મા દુર્ગાનાં નવ અલગ અલગ સ્વરૂપોની આરાધનાનું પર્વ છે. નવરાત્રિના નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ એટલે કે દુર્ગા દેવીનાં નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દુર્ગા શક્તિનું મૂળ સ્વરૂપ છે. તેમનાં નવ સ્વરૂપમાં  ભદ્રકાલી, અંબા કે જગદંબા ( વિશ્વમાતા), અન્નપૂર્ણા, સર્વમંગલા, ભૈરવી, ચંદ્રિકા (ચંડી), લલિતા, ભવાની અને મોકામ્બિકાનો સમાવેશ થાય છે. નવરાત્રિમાં આ નવ સ્વરૂપોની પૂજા થાય છે.

હિંદુઓ નવ દુર્ગાનાં વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રને પહેલે દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજા કરે છે. આ પૂજા નવ દિવસ સુધી ચાલે છે. નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. દશેરા એ  નવરાત્રિ પછીનો દિવસ છે. ભગવાન રામે રાવણને દશેરાના દિવસે હણ્યો હતો તેથી હિંદુ પરંપરામાં તેનું પણ આગવું મહત્વ છે. આ કારણે નવરાત્રિ ઉત્સવમા દશેરાને જોડીને દસ દિવસનો ઉત્સવ બનાવી  ગયો છે અને હવે નવરાત્રિનું નોમના દિવસે નહીં પણ વિજયાદશમીએ સમાપન થાય છે.

હિંદુ પરંપરામાં નવરાત્રિમાં આઠમનું વિશેષ મહત્વ છે. માંડવી બેસાડનારા એટલે કે ઘટસ્થાપન કરનારા નોમને દિવસે કુમારીકા ભોજન કરાવે છે. આ ભોજનમાં બેથી દશ વર્ષની ઉમરની નવ કુમારિકાઓને સરસ ભોજન કરાવાય છે. આ કુમારીકાઓનાં કલ્પિત નામ કુમારિકા, ત્રિમુર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા હોય છે. આ તમામ મા દુર્ગાનાં નામ છે ને નવરાત્રિમાં નવ દુર્ગામાંથી દરરોજ એક-એક દુર્ગાનું દર્શન કરાય છે.

હિંદુઓમાં શરદ નવરાત્રી ઉત્સવ તરીકે જ્યારે ચૈત્રી નવરાત્રિ વ્રત-તપ માટે વધુ પ્રચલિત છે. ઉત્તર ભારતમાં તમામ નવરાત્રિમાં નવ દિવસના ઉપવાસ અને દેવી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા સાથે આ ઉત્સવની ઉજવણી થાય છે. રસપ્રદ વાત એ છે કે, શરદ અને ચૈત્રી બંને નવરાત્રિ ભગવાન રામ સાથે જોડાયેલી છે. ચૈત્ર નવરાત્રિનો અંત ભગવાન રામના જન્મદિવસ એટલે કે રામનવમીથી થાય છે જ્યારે શરદ નવરાત્રીનો અંત દશેરાથી થાય છે.

બંગાળમાં શરદ નવરાત્રીના છેલ્લા ચાર દિવસોને  દુર્ગા પૂજા થાય છે. બંગાળમાં દુર્ગા પૂજા વર્ષનો સૌથી મોટો ઉત્સવ છે. દુર્ગા માતાએ મહિષા,રનો વધ કર્યો તેનો મહિમા દુર્ગા પૂજામાં કરાય છે. મહિષાસૂર રાક્ષસનો વધ કરતાં મા દુર્ગાની મૂર્તિના મંડપ આખા બંગાળમાં લાગે છે ને પાંચ દિવસ સુધી પૂજા કરીને પાંચમાં દિવસે મૂર્તિને પાણીમાં પધરાવવામાં આવે છે.

//////////////////////////

ગરબા વિના નવરાત્રિની વાત અધૂરી કહેવાય.

ગુજરાતમાં નવરાત્રિની ઉજવણી પરંપરાગત ગરબા અને દાંડિયા રાસથી થાય છે. ગુજરાતના ગરબા હવે વૈશ્વિક છે ને  વિદેશમાંથી લોકો નવરાત્રિ ઉજવવા ગુજરાત આવે છે. ગરબો અત્યારે ગુજરાતની ઓળખ છે ને એક નૃત્ય તરીકે સ્થાપિત થઈ ગયું છે પણ મૂળ ગરબો એટલે અંદર દીવો હોય એવો કાણાં કાણાંવાળો માટીનો કે ધાતુનો નાનો ઘડો.  ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે.

પહેલાંના જમાનામાં ગામડામાં લોકો રાત્રે ખુલ્લામાં ગાતાં. એ વખતે લાઈટ નહોતી તેથી દીવાનો પ્રકાશ કરતાં પણ પવનના કારણે દીવો ઠરી ન જાય અને તેનાં કિરણ ચારે બાજુ નીકળી પ્રકાશ આપે એટલે તેમાં ઘણાં કાણાં કરી દેવાતાં. આ કાણાવાળા માટલા એટલે કે ગરબાની આસપાસ સ્ત્રીઓ ગાતી તેથી તેમનું નૃત્ય પણ ગરબા તરીકે જાણીતું બની ગયું. સ્ત્રીઓ ગાતી ને પૂરૂષો માતાજીની સ્તુતિમાં ગીતો ગાતા તેથી આ ગીતોને પણ ગરબા કહે છે.

ગરબા સાથે શક્તિની પૂજા, શક્તિનું મહાત્મ્ય જોડાયેલું છે કેમ કે નવરાત્રિનો ગરબા ઉત્સવ  શક્તિપૂજાનો જ ઉત્સવ છે. ગામડાંમાં જ્યારે અનાજ પાકી જાય ત્યારે લોકો ઉત્સવ મનાવતાં. લોકો ભેગા થઇને દેવી-દેવતાની સ્તુતિ કરીને આભાર વ્યક્ત કરતા હતા. આ સ્તૃતિમાં નૃત્ય અને સંગીત ભળ્યો,  લોકસંગીત બન્યું ને આ લોકસંગીત ગરબો કહેવાયો. કાળક્રમે ગરબામાં રાસ, દાંડિયા રાસ, ગોફ, મટકી, ટીપ્પણી વગેરે ઉમેરાતાં ગયાં.. જુદાજુદા પ્રદેશમાં જુદીજુદી રીતે ગરબા લેવાતા થયાં ને એમાં જુદા તાલ, અને પગલાં લેવાતાં થયાં. હાલના સમયમાં ઘણઉં બદલાયું છે પણ ગરબાનો ઉદ્દેશ બદલાયો નથી.

ગુજરાતીઓ ગરબા ક્યારથી ગાતા થયા એ કહેવું મુશ્કેલ છે કેમ કે આપણે તો પેદા થયા ત્યારથી ગરબા જોયા છે. આપણી પેઢીઓની પેઢીઓ પહેલાં પણ ગરબા હતા જ કેમ કે ગુજરાતીઓ  ગરબા નહોતા રમતા એવી કલ્પના જ ના થઈ શકે.

ગરબા વિશે બહુ બધું લખી શકાય પણ ગરબા વાંચવાની નહીં માણવાની મજા છે તેથી આ નવરાત્રિમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને ગરબાની મજા માણજો.