ગોડસેએ ગાંધીજીની હત્યા કેમ કરી ? આવતી કાલે શહીદ દિવસ છે. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ દિલ્હીમાં નથુરામ ગોડસેએ મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે મહાત્મા ગાંધીની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને આવતી કાલે ૭૭ વર્ષ પૂરાં થશે.
ગોડસેએ ગાંધીજીની હત્યા પછી ચાલેલા ટ્રાયલ દરમિયાન આપેલી જુબાનીમાં ગાંધીજી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ગાંધીજીની હત્યા પોતે કેમ કરી તે વિશે પણ ગોડસેએ વિસ્તારથી વાત કરી હતી. આ જુબાની ‘વ્હાય આઈ એસેસિનેટેડ મહાત્મા ગાંધી’ નામે પ્રગટ કરાઈ હતી.
આ જુબાની પ્રમાણે, ગોડસે ગાંધીજીને ‘ગદ્દાર’ માનતો હતો. ગોડસેના મતે ગાંધીજી જીવતા રહ્યા હોત તો હિંદુઓ અને શીખોની તકલીફો વધી ગઈ હોત. ગોડસેને લાગતું હતું કે, મુસ્લિમો હિંદુઓ અને શીખોની હત્યા કરે તેની સામે ગાંધીજીને વાંધો નહોતો પણ હિંદુઓએ મુસ્લિમોની હત્યા કરી તો ગાંધીજી ભૂખ હડતાળ પર ઉતરી ગયેલા.
ગોડસે સહિતના લોકો પાકિસ્તાનના સર્જન માટે ગાંધીજીને જવાબદાર માનતા હતા. તેમની માન્યતા હતી કે, ગાંધીજીને મુસ્લિમો માટે કૂણી લાગણી છે ને હિન્દુઓને અન્યાય કરીને પણ મુસ્લિમોને લાડ લડાવે છે, પંપાળે છે. ગોડસેના મતે ગાંધીજી બેવડાં કાટલાં ધરાવતા હતા કે જે હિંદુઓ માટે ઘાતક હતા. ગાંધીજીએ પાકિસ્તાનને નાણાં અપાવવા ઉપવાસ કરેલા, મંદિરમાં કુરાનનું પઠન કરાવેલું, હિંદુ-શીખ નિરાશ્રિતોને બહાર કાઢીને મસ્જિદો ખાલી કરાવી હતી એ સહિતનાં ઘણાં કારણો ગોડસેએ આપેલાં. ગોડસેએ તો ગાંધીજી પર નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે ગદ્દારી કરવાનો આક્ષેપ પણ કરેલો.
ગાંધીજી ખરેખર હિંદુદ્રોહી હતા ? બિલકુલ નહીં. ગાંધીજી હિંદુદ્રોહી હતા એવો સુવ્યવસ્થિત કુપ્રચાર આ દેશમાં લાંબા સમયથી ચાલે છે પણ વાસ્તવમાં આ દેશમાં હિંદુ એક રહી શક્યા તેનો યશ ગાંધીજીને જાય છે.
અંગ્રેજો તો ડીવાઈડ એન્ડ રૂલમાં માનતા હતા. મતલબ કે, લોકોમાં ભાગલા પાડીને રાજ કરો. આ માટે સૌથી પહેલાં તેમણે હિંદુઓ અને મુસ્લિમોને અલગ કરીને સામસામે મૂકી દીધા અને પછી હિંદુઓમાં ભાગલા પાડવાની એવી ખતરનાક યોજના બનાવેલી કે જે અમલી બની હોત તો હિંદુ સમાજમાં બહુ મોટી વસતી ધરાવતા દલિતો પણ હિંદુ સમાજથી અલગ થઈ ગયા હોત અને હિંદુ સમાજનો હિસ્સો ના હોત.
ભારતના ભાવિ બંધારણની ચર્ચા કરવા માટે ૧૯૨૮માં સાયમન કમિશન ભારત આવેલું. સાયમન કમિશન સામે ૧૮ દલિત સંસ્થાઓએ દલિતોના હિતની જાળવણી માટે રજૂઆતો કરી હતી અને તેમાંથી ૧૬ સંસ્થાઓએ દલિતોને ધારાસભાઓમાં પ્રતિનિધિત્વ માટે અલગ મતદાર મંડળની માગણી કરી હતી. અલગ દલિત મતદાર મંડળનો અર્થ એ થાય કે, દલિત ઉમેદવારો ફક્ત દલિતોના મતથી જ ચૂંટાય. ડો. બાબાસાહેબ આંબેડકરે ‘બહિષ્કૃત હિતકારણી સભા’ વતી રજૂઆત કરી હતી. ડો. આંબેડકરે અલગ મતદાર મંડળ નહીં પણ હિંદુઓ સાથે સંયુક્ત મતદાર મંડળ માગેલું પણ તેમાં દલિતો અને મુસ્લિમો માટે અનામત બેઠકોની માગણી કરી હતી.
બાબાસાહેબ આંબેડકરની સૌથી મહત્વની માગ દલિતોને ‘હિંદુ સમાજથી અલગ એવી સ્વતંત્ર લઘુમતી જાતિ’ ગણવાની હતી. બાબાસાહેબે મુસ્લિમો માટેના અલગ મતદાર મંડળનો વિરોધ કરીને સૂચવ્યું હતું કે, મુંબઈ પ્રાંતની ૧૪૦ બેઠકોમાંથી મુસ્લિમો માટે ૩૩ ટકા અને દલિતો માટે ૧૫ ટકા બેઠકો અનામત હોવી જોઈએ.
બાબાસાહેબ આંબેડકર દલિતોને હિંદુ સમાજથી અલગ કરવાનો મત ધરાવતા હતા એ વાસ્તવિકતા છે. ડો. આંબેડકરે ૧૯૩૧માં બ્રિટનમાં યોજાયેલી પહેલી ગોળમેજી પરિષદમાં આ અંગે રજૂઆત પણ કરી હતી. અંગ્રેજો માટે આ માગણીથી દોડવું ’તું ને ઢાળ મળ્યો જેવી હતી પણ ગાંધીજી તેની વિરૂધ્ધ હતા. ગાંધીજી માનતા કે દલિત સમુદાય હિંદુ સમાજનો ભાગ નહીં રહે તો હિંદુ સમાજ વિખેરાઈ જશે. આ કારણે ૧૯૩૨માં બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ગાંધીજી હાજર રહ્યા એ પહેલાં ડો. આંબેડકરને મળ્યા હતા.
મુંબઈમાં ગાંધીજીનો ઉતારો મણિભવનમાં હતો. ૧૪ આૅગસ્ટ, ૧૯૩૧ના રોજ ગાંધીજી અને આંબેડકર પહેલી વાર મળ્યા ત્યારે ગાંધીજીએ સ્પષ્ટ કરેલું કે પોતે, દલિતો એટલે કે અસ્પૃશ્યોને હિંદુ સમાજથી અલગ પાડવાની વિરુદ્ધ છે. બાબાસાહેબ પર આ વાતની અસર નહોતી થઈ. બીજી ગોળમેજી પરિષદમાં ડો. આંબેડકરે દલિતો માટે અલગ મતદાર મંડળની માગણી મૂકી હતી. બાબાસાહેબે એવી દરખાસ્ત પણ મૂકી હતી કે, સંયુક્ત મતદાર મંડળ બનાવીને અનામત બેઠકો રાખવી હોય તો વીસ વર્ષ પછી દલિત મતદારોમાં જનમત કરાવીને ભવિષ્યમાં શું કરવું તેનો નિર્ણય લેવાનો રહેશે.
ગાંધીજી માનતા કે, દલિતો હિંદુ સમાજથી અલગ પડી જશે તો હિંદુ સમાજ વેરવિખેર થઈ જશે. ગોળમેજી પરિષદમાં કહી દીધેલું કે, અલગ મતદાર મંડળને કારણે હિંદુસમાજમાં બે જૂથ ઊભાં થશે અને હિંદુઓ એકબીજા સામે લડીને ખતમ થઈ જશે. તેના કરતાં તો દલિતો મુસલમાન કે ખ્રિસ્તી બની જાય એ હું સહન કરી લઈશ.
ગોળમેજી પરિષદમાં બ્રિટનના વડાપ્રધાન પર અંતિમ નિર્ણય લેવાનું છોડાયું. ગાંધીજી ભારત પાછા ફર્યા અને જેલમાં ગયા ત્યારે અંગ્રેજ સરકાર દલિતોને અલગ મતદાર મંડળ આપવા ઇચ્છે છે તેની ખબર પડી. ગાંધીજીએ બ્રિટિશ સરકારને પત્ર લખીને દલિતોને અલગ કરવાનો વિરોધ કર્યો અને ચીમકી આપી કે, બ્રિટિશ સરકાર દલિતો માટે અલગ મતદાર મંડળોની જાહેરાત કરશે તો પોતે આમરણાંત ઉપવાસ કરશે.
અંગ્રેજો પર તેની અસર ના થઈ અને ૧૭ ઓગસ્ટ ૧૯૩૨ના રોજ બ્રિટનના વડાપ્રધાને લઘુમતીઓ માટે અલગ મતદાર મંડળોની જાહેરાત કરી તેમાં દલિતોને પણ હિંદુ સમાજથી અલગ દલિતો ગણી લેવાયા હતા. ગાંધીજીએ ૨૦ સપ્ટેમ્બર, ૧૯૩૨થી આમરણ ઉપવાસ આદરવાનું એલાન કર્યું, ઉપવાસના કારણે ગાંધીજીની તબિયત લથડી તેથી બાબાસાહેબ આંબેડકર પર ભારે દબાણ આવ્યું ને છેવટે બાબાસાહેબે પૂના કરાર કર્યા કે જેમાં દલિતોને હિંદુ સમાજનો જ હિસ્સો ગણીને તેમના માટે અનામત બેઠકોની માગ સ્વીકારાઈ. સપ્ટેમ્બર ૨૪, ૧૯૩૨ની સાંજે પૂના કરાર થયા તેમાં હિંદુ સમાજ અને કોંગ્રેસ વતી મદનમોહન માલવિય, ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધી, સી. રાજગોપાલાચારી અને ઠક્કરબાપા વગેરેએ સહી કરી હતી.
ગાંધીજીએ પોતાનો જીવ જોખમમાં મૂકીને દલિતોને હિંદુ સમાજથી અલગ ના થવા દીધા અને અંગ્રેજોની હિંદુ સમાજમાં ભાગલાની મેલી મુરાદ બર ન આવવા દીધી. હિંદુઓની કુલ વસતીમાં દલિતોનું પ્રમાણ લગભગ ૨૦ ટકા જેવું છે. આઝાદી પહેલાં જ દલિત સમુદાય હિંદુઓથી અલગ થઈ ગયો હોત તો અત્યાર સુધીમાં શું સ્થિતી હોત તેની કલ્પના જ કરવી અઘરી છે. હિંદુઓથી અલગ થયેલા બૌધ્ધ, જૈન અને સીખ ધર્મને અન્ય ધર્મ તરીકે માન્યતા મળી ગઈ એ રીતે દલિત સમુદાયને પણ અલગ ધાર્મિક સમુદાય તરીકે અંગ્રેજો સ્થાપિત કરીને ગયા હોત.
ગાંધીજીએ એ ના થવા દીધું.
પૂના કરાર પછી ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણની ઝુંબેશને ઉગ્ર બનાવી. દેશભરમાંથી દલિતો માટે મંદિરોના દરવાજા ખોલવા, એક જ કૂવા પરથી પાણી ભરવા સહિતના કાર્યક્રમો થયા. તેના કારણે હિંદુઓમાં એકતા વધી. બાબાસાહેબને આ બધાથી બહુ સંતોષ નહોતો તેથી ૧૯૫૬માં તેમણે હિંદુત્વ છોડીને બૌધ્ધ ધર્મ અપનાવી લીધો પણ સમગ્ર દલિત સમાજ તેમની સાથે ના ગયો કેમ કે ગાંધીજીના કારણે હિંદુઓનો બહુમતી વર્ગ અસ્પૃશ્યતા છોડીને દલિતોને પોતાનો હિસ્સો માનવા માંડેલો.
ગાંધીજીને હિંદુવિરોધી માનનારાંને ગાંધીજી તેમની હિંદુત્વની વિચારધારા પ્રમાણે નહોતા વર્તતા તેથી હિંદુવિરોધી લાગ્યા. ગોડસે પણ તેમાંથી એક હતો ને ગાંધીજી ગોડસેને સાચું લાગતું નહોતું એ પ્રમાણે વર્તતા હતા તેથી ગોડસેએ ગાંધીજીની હત્યા કરી દીધી. આ માનસિકતા જિહાદી આતંકવાદીઓથી કોઈ રીતે અલગ નથી. જિહાદી આતંકવાદીઓ પણ તેમની ધાર્મિક માન્યતાઓને ના અનુસરે તેની હત્યા કરી નાખે છે.
સદનસીબે આ દેશનાં લોકોએ ગોડસેની માનસિકતા સ્વીકારી નથી. ભારતનાં લોકોએ બહુ પહેલાં જ ગોડસેને નકારી કાઢીને ગાંધીજીને અપનાવ્યા છે. ભારતીયો ગોડસેને દેશભક્ત કે હીરો માનતા હોત તો આ દેશમાં ગોડસે પૂજાતો હોત અને લોકો તેને નફરત ના કરતાં હોત.
ગોડસેને મહાન દેશભક્ત સાબિત કરવાનાં ફાંફા છેલ્લાં કેટલાંક વરસોથી થાય છે પણ એ પ્રયત્નો ફળતા નથી કેમ કે ભારતીયો હત્યારાઓને પૂજતા નથી.
sanjogpurti@gmail.com