ગુજરાતીમાં કહેવત છે કે, ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે એ શૂર પણ આપણા શૂરવીરો એટલે કે નેતાઓ રણમાં જીતવાના બદલે ભાષાના મુદ્દે ઝગડી રહ્યા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની નેશનલ એજ્યુકેશન પોલિસી (એનઈપી) એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુદ્દે રમખાણ મચ્યું છે.
મોદી સરકારે ૨૦૧૯માં નેશનલ એજ્યુકેશન પોલિસીનો મુસદ્દો જાહેર કર્યો તેમાં પહેલા ધોરણથી બાળકોને ત્રણ ભાષા શીખવવાની દરખાસ્ત હતી. આ પૈકી બે ભાષા અંગ્રેજી અને હિંદી હોવી જોઈએ એવી પણ દરખાસ્ત હતી. તેની સામે દક્ષિણનાં રાજ્યોમાં પ્રચંડ વિરોધ થતાં મોદી સરકારે નવો મુસદ્દો બહાર પાડીને ફરજિયાત હિંદીની જોગવાઈ રદ કરીને વિવાદને શાંત પાડી દીધો હતો.
હવે પાછો આ વિવાદ ભડક્યો છે. મોદી સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરવા દેશનાં બધાં રાજ્યોને કહ્યું તેમાં પહેલા ધોરણથી ફરજિયાત ત્રણ ભાષા ભણાવવાની તાકીદ પણ કરી. મોદી સરકારના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ત્રિભાષી ફોર્મ્યુલા નહીં અપનાવનારને કેન્દ્ર દ્વારા ગ્રાન્ટ નહીં અપાય એવું નિવેદન કર્યું તેનાથી ભડકેલા તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને કેન્દ્ર સરકાર સામે મોરચો માંડી દીધો છે.
મોદી સરકારે પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી છે કે, તમિલનાડુ કે બીજા કોઈ પણ રાજ્યે ફરજિયાત હિંદી ભણાવવાની જરૂર નથી પણ સ્ટાલિન કોઈની વાત સાંભળવા માગતા નથી. સ્ટાલિન સરકારે તો તમિલનાડુના બજેટમાં દેશના ચલણ એવા રૂપિયાના પ્રતિકને પણ ફગાવીને તમિલમાં રૂપિયાનો નવો સિમ્બોલ મૂકી દીધો.
સ્ટાલિનની હરકત આઘાતજનક છે કેમ કે દેશનાં પ્રતિકનું અપમાન દેશનું અપમાન છે. સ્ટાલિને રૂપિયાના પ્રતિકને ભાષા સાથે જોડીને દેશનું અપમાન કરી નાંખ્યું છે પણ મોદી સરકારમાં સ્ટાલિન સરકાર સામે પગલાં લેવાની હિંમત નથી. બીજી તરફ સ્ટાલિન એકદમ જડ વલણ અપનાવીને બેઠા છે તેથી વિવાદ વકર્યો છે.

તમિલનાડુનું રાજકારણ હિંદીના વિરોધ પર ચાલે છે. તમિલનાડુમાં હિંદી ભાષાના વિરોધનો વિવાદ દાયકાઓ જૂનો છે. બલ્કે દેશ આઝાદ થયો એ પહેલાંથી તમિલનાડુના મહાત્મા ગાંધી મનાતા પેરીયારે હિંદીનો વિરોધ કરીને તમિલ અસ્મિતાનો બૂંગિયો ફેંક્યો હતો. તમિલ પ્રજાને આ વાત પસંદ આવી ગઈ તેથી તમિલ નેતાઓ હિંદીવિરોધી રેકર્ડ વગાડ્‌યા કરે છે. છેક ૧૯૪૦ના દાયકાથી રાજકારણીઓ લોકોના માનસમાં ઝેર રેડ્‌યા કરે છે કે, હિદીને અપનાવવા જઈશું તો તમિલ ભાષા અને તમિલ સંસ્કૃતિ ખતમ થઈ જશે. ઉત્તર ભારતીયો તમિલ પ્રજા પર ચડી બેસશે ને આપણે તેમના ગુલામ થઈ જઈશું. તમિલનાડુના બધા રાજકીય પક્ષો આ રીતે પોતાની દુકાન ચલાવે છે. તમિલ ગૌરવ અને હિંદીના વિરોધના મુદ્દે લોકોમાં ઉન્માદ પેદા કરીને રાજ્યમાં હિંદી વિરોધી આંદોલનો પણ થયા છે.
તમિલનાડુમાં હિંદીનો વિરોધ કઈ હદે પ્રબળ છે તેનો ખ્યાલ ૨૦૨૩માં થયેલી હિંસા પરથી આવે. તમિલનાડુમાં રાજ્યનું દૂધ ઉત્પાદક સંઘ એટલે કે નંદિની બ્રાન્ડથી દહીં વેચે છે. પહેલાં દહીંનાં પાઉચ પર અંગ્રેજીમાં નંદિની કર્ડ લખાઈને આવતું હતું પણ ફૂડ સેફ્‌ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ ૨૦૨૩ના માર્ચમાં દહીનાં પેકેટ પર કર્ડ હટાવીને દહીં લખવા કહ્યું.
દૂધ ઉત્પાદક સંઘે તેનો અમલ કરીને નંદિની દહીં લખવા માંડ્‌યું તેમાં તો ભડકો થઈ ગયો. તમિલનાડુના લોકો પાઉચ પર દહીં લખવાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યાં. નેતાઓ પણ મેદાનમાં આવી ગયાં ને દક્ષિણ ભારતના લોકો પર મોદી સરકાર હિંદી થોપવાનો પ્રયત્ન કરી રહી છે એવા આક્ષેપોનો મારો ચાલ્યો. હોબાળો વધતાં દૂધ ઉત્પાદક સંઘે પેકેટ પર દહીં કે કર્ડ લખવાના બદલે દહીં માટેનો તમિલ શબ્દ તાયિર લખવા માંડ્‌યું ત્યારે મામલો શાંત પડ્‌યો.
આ માનસિકતા હોય ત્યાં હિંદીને કોણ સ્વીકારે ? ભાષા મુદ્દે ઉન્માદ પેદા કરવામાં સ્ટાલિન એકલા નથી. થોડા સમય પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૈયાજી જોશીએ મુંબઈમાં રહેવા મરાઠી શીખવું જરૂરી નથી એવું નિવેદન કર્યું તેની સામે મહારાષ્ટ્રના રાજકારણીઓએ હોબાળો મચાવીને ભૈયાજીને પોતાનું નિવેદન પાછું લેવાની ફરજ પાડી એ ભાષાકીય જડતાનું ઉદાહરણ છે. એ જ રીતે ભાજપના નેતા ઉર્દૂનો પણ વિરોધ કરે છે અને તેને ભારતીય ભાષા ગણવા પણ તૈયાર નથી. ઉત્તર પ્રદેશમાં ઉર્દૂને ત્રીજી ભાષા બનાવવાની માગને ફગાવીને યોગી આદિત્યનાથે કહ્યું કે, ઉર્દૂ ભણાવીને અમારે યુપીમાં મૌલવીઓ પેદા કરવા નથી. ઉર્દૂ ભારતીય ભાષા છે. ઉર્દૂની લિપી અરબી છે પણ વ્યાકરણ હિંદી પ્રમાણે છે પણ યોગી સહિતના નેતા તેને મુસલમાનોની અને ઈસ્લામની ભાષા ગણાવે છે. વાસ્તવમાં ભારત અને પાકિસ્તાન સિવાય બીજા કોઈ દેશના મુસલમાન ઉર્દૂ બોલતા નથી કેમ કે ઉર્દૂ હિંદુસ્તાની ભાષા છે.
ભાજપના નેતા હિંદીને દેશભરમાં ભણાવવા જોર લગાવી રહ્યા છે પણ અસલી ભારતીય ભાષા સંસ્કૃતની સાવ અવગણના કરી રહ્યા છે. ભાજપને હિંદુત્વની એટલી જ ચિંતા હોય તો તેમણે પહેલા ધોરણથી સંસ્કૃત ફરજિયાત કરવું જોઈએ. હિંદુત્વની ફિલોસોફી અને જ્ઞાન બધું સંસ્કૃત ભાષામાં સચવાયેલું છે. દુનિયામાં હિંદુત્વ તરફ આકર્ષાતા લોકો જે વિચારધારા તરફ આકર્ષાય છે એ સંસ્કૃતમાં છે એ જોતાં દરેક ભારતીયે સંસ્કૃત ભણવી જોઈએ.
સંસ્કૃત તો ધીરે ધીરે વિદ્યાર્થીઓ ગુમાવી રહયા છે પણ ભાજપને સંસ્કૃતની પરવા નથી કેમ કે સંસ્કૃતની વાત કરવાથી લોકોમાં ઉન્માદ પેદા કરીને મત નથી મેળવી શકાતા, હિંદીની વાત કરવાથી મત મળે છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એક મુદ્દો પ્રાથમિક શિક્ષણના માળખામાં ધરખમ ફેરફારનો પણ છે. મોદી સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરાઈ ત્યારે મોદી સાહેબે કહેલું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓના મગજ પરથી માર્કશીટનું દબાણ દૂર કરવા માટે છે કેમ કે માર્કશીટ વિદ્યાર્થી માટે પ્રેશર શીટ અને પરિવારો માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. મોદી સાહેબે માતૃભાષામાં શિક્ષણની જરૂરીયાત પર પણ ભાર મૂક્યો હતો. ક્લાસરૂમને દીવાલોની વચ્ચે કેદ કરવાના બદલે ક્રિટિકલ થિંકિંગ, ક્રિયેટિવિટી, કોલાબરેશન, ક્યુરીયોસિટી અને કોમ્યુનિકેશન એ ‘ફાઈવ સી’ આધારિત શિક્ષણનો મંત્ર પણ આપેલો. મોદીએ કહેલું કે, એકવીસમી સદીમાં શિક્ષકોએ આ પાંચ કૌશલ્ય કેળવવાં પડશે, વિદ્યાર્થીઓએ આ ગુણોને આત્મસાત કરીને તેના આધારે આગળ વધવું પડશે.
આ વાતો સાંભળવામાં સારી લાગે છે પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેનાથી સાવ અલગ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્કૂલ શિક્ષણનું નવું ફોર્મેટ બાળકો પર બોજ વધારનારું છે. ભારતમાં વરસોથી ૧૦ + ૨ એટલે કે ધોરણ ૧થી ધોરણ ૧૦ સુધીનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અને પછી ધોરણ ૧૧ અને ધોરણ ૧૨નું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એ ફોર્મેટ છે. ધોરણ ૧૦ પછી વિદ્યાર્થી પોતાની મનપસંદ સાયન્સ, કોમર્સ કે આટ્‌ર્સ બ્રાંચમાં જઈને પોતાની કારકિર્દી ઘડે એ ફોર્મેટ ચાલે છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બાળકો માટે ૫+૩+૩+૪ના નવા ફોર્મેટની ભલામણ કરવામાં આવી છે. મોદી સરકાર ૧૦ + ૨ ફોર્મેટને અભરાઈ પર ચડાવીને ૧૫ વર્ષનું નવું ફોર્મેટ લાવવા માગે છે. અત્યારે બાળકને ૫ વર્ષની ઉંમર થઈ જાય પછી સ્કૂલમાં મોકલવાનો નિયમ છે. તેના બદલે ૩ વર્ષે બાળકને સ્કૂલમા દાખલ કરાવીને નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી એમ ત્રણ વર્ષ ભણ્યા પછી પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનું ફોર્મેટ અમલી બનશે.
મોટા મોટા શિક્ષણશાસ્ત્રીઓ અને માનસશાસ્ત્રીઓ પણ બાળકો પર નાની વયે શિક્ષણનો બોજ નહીં નાખવાની તરફેણ કરે છે. બાળકોને શિક્ષણના બોજ તળે દબાવીને તેમનું બાળપણ ના છિનવી લેવું જોઈએ એવું સૌ કહે છે પણ તેના બદલે મોદી સરકાર બાળકો પર ત્રણ વર્ષની ઉંમરથી જ શિક્ષણનો બોજ નાંખી દેવા માગે છે. તેના કારણે ખાનગી સ્કૂલોના સંચાલકોને ફાયદો થશે કેમ કે દરેક વાલીએ જખ મારીને નર્સરીથી એડમિશન લેવું પડશે.
આ બહુ મોટો મુદ્દો છે પણ કમનસીબે તેની કોઈ ચર્ચા કરતું નથી. બાળકોને નાની ઉંમરે સ્કૂલમાં મોકલીને તેમનું બાળપણ છિનવી લેવાની જોગવાઈ સામે બધાં ચૂપ છે પણ હિંદી ભણાવવું કે ના ભણાવવું, બે ભાષા ભણાવવી કે ત્રણ ભાષા ભણાવવી એ મુદ્દે તલવારો તણાઈ ગઈ છે.
આ દેશના નેતા એકદમ સ્વાર્થી છે, તેમને સત્તા સિવાય કશાની પડી નથી ને દેશના ભવિષ્યની તો પડી જ નથી તેનો આ પુરાવો છે. ભાજપને હિંદી બેલ્ટની મતબેંકની ચિંતા છે એટલે હિંદીનું વાજું વગાડે છે ને સ્ટાલિનને તમિલનાડુમાં પોતાની મતબેંક સાચવવી છે એટલે હિંદીના વિરોધનો ઝંડો લઈને કૂદી પડ્‌યા છે.
આ દેશનાં બાળકોનું કોણ વિચારશે ?
sanjogpurti@gmail.com