અમરેલી જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો હતો. હિંડોરણા ગામે આવેલા ઓવરબ્રિજ પાસે કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં એકનું મોત થયું હતું. બનાવ અંગે સંજયભાઇ જોરશંગભાઇ મોરી (ઉ.વ.૪૦)એ ટ્રક નં.GJ-૦૧- KT-૫૫૬૧ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરી. તથા સાહેદો સુત્રાપાડાથી લગ્નપ્રસંગ પૂર્ણ કરી સાહેદ ધર્મેન્દ્રસિંહ પરમારની આઇ ૨૦ ફોરવ્હીલ ગાડી જેના રજી.નં.GJ-૦૪- EA-૪૩૫૬ ની લઇને પરત પોતાના ઘરે આવતા હતા અને ફોરવ્હીલ ગાડી સાહેદ ધર્મેન્દ્રસિંહ પરમાર ચલાવતા હતા. રાત્રીના આશરે સવા બે વાગ્યે હિંડોરણા ગામે આવેલ ઓવરબ્રિજ પાસે હાઇવે રોડ ઉપર પહોચતા તેવામાં હાઇવે રોડ ઉપર ટ્રક રજી.નં-GJ-૦૧-KT-૫૫૬૧ નો ચાલક પોતાના હવાલાવાળો ટ્રક હાઇવે રોડ ઉપર નો-પાર્કિંગ ઝોનમાં ઓવરબ્રિજ ઉપર કોઇપણ જાતની આડાશ કે રીફલેકટર કે સાઇડ-લાઇટ કર્યા વગર માણસની જીંદગી જોખમાય તે રીતે અડચણરૂપ થાય તે રીતે રોડ ઉપર રાખ્યો હતો. જેથી તેમની ગાડી આરોપીના ટ્રક સાથે અથડાઈ હતી. તેમને દાઢી તથા મોઢાના ભાગે ઇજા થયેલ તેમજ સાહેદ નીતાબેનને બન્ને પગે તથા ડાબા હાથ ઉપર ફેક્ચરની ઇજા થયેલ તેમજ સાહેદ ધર્મેન્દ્રસિંહ પરમારને ડાબા હાથની ટચલી આંગળી ઉપર ફ્રેકચર તથા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. મરણજનાર અરજણભાઇ ભોજભાઇ મોરીને છાતીના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. ચાવડા વધુ તપાસ કરી રહ્યા છે.










































