‘‘હા , હું કોકરોચ છું. હા, હું કોકરોચ છું.’’
બેરાલાલે આવતાં વેંત જ પોતાની પીપુડી વગાડી.
બનેવીલાલને નવાઈ લાગી. સિંહ નહીં, વાઘ નહીં અને કોકરોચ !? આ વળી નવું શું આવ્યું છે?
‘‘કેમ કેમ બેરાલાલ? પુરુષોમાં તો ઘોડો અને સફરજન બેમાંથી એકની જ પસંદગી કરવાની હોય છે. આ તમે કોકરોચ નવું લાયા. અને કોકરોચ એટલે ઓલ્યા વંદાને!??’
‘‘હા..આ.! કોકરોચ એટલે વંદા.’’
‘‘તો પછી.., તમે તો માણસ છો. વંદા કેવી રીતે?’’
‘‘બનેવીલાલ ? છાપું બાપુ વાંચો છો? કે કાળા અક્ષર કૂહાડે માર્યા?’’
‘‘હોય..વળી..!! છાપાં હારે તો રોજ મનમેળ થાય છે. બાપુ હારે હજી સુધી પનારો પડ્યો નથી.’’
‘‘તો પછી, કોકરોચ શબ્દ તમને નવો લાગે છે? ‘કોકરોચ જનતા પાર્ટી’ એ આખું ને આખું સોશ્યલ મીડિયા હલાવી નાંખ્યું છે. જ્યાં જૂઓ ત્યાં બસ કોકરોચ કોકરોચ છવાઈ ગયો છે.’’
‘‘એટલે તમેય કોકરોચ બની ગયાં?’’
‘‘હા..આ..! ભારતીય જનતા પાર્ટી કરતાં’ય એના ફોલોઅર્સ વધી ગયાં છે. અને હજીય વધી રહ્યાં છે. તો પછી મારેય કોકરોચ તો બનવું પડે ને!!’’
‘‘બેરાલાલ, તમારે બાયડી કેટલી?’’
‘‘હાત ખોટની એક જ !!ઈ’ય ખરું નંગ.’’
‘‘બેરાલાલ તમને ખબર છે? દુનિયાની નેવું ટકા મહિલાઓ કોકરોચ મતલબ વંદાથી ડરે છે. વંદો રસોડામાં નીકળે એટલે બધું જ ફેંકીને એ બહાર દોડી જાય છે. અને કેટલાં’ય એવાં દાખલાઓ પણ છે, કે વંદા માટે છૂટાછેડા પણ થયાં છે. હવે તમે જ કોકરોચ બનશો, અને ન કરે નારાયણ અને બૈરું ભાગી ગયું તો!??’’
‘‘ના..ના..ના. મારું બૈરું તો માત્ર ગરોળીથી જ બીવે છે. વંદા બંદા તો એની ઉપર આંટાફેરા મારે છે.’’
‘‘હા પણ, છતાંય તમારે કોકરોચ શા માટે બનવું છે? બનવું જ હોય તો લગનનો ઘોડો બનો. ગધેડો બનો એવું તો મારાંથી નો કેવાય!!’’
‘‘એટલે તમને હું ગધેડો લાગું છું? ના..ના. હું ગધેડો છું?’’
‘‘તમે ગધેડો નથી. આ તો અમસ્તું રાજકારણની વાત થઈ.’’
‘‘તે હું ય રાજકારણની જ વાત કરું છું. કે હું ય કોકરોચ !! તમે જોજો આ ભાજપ હવે કોઈનું હાંભળતો નથી ને. એટલે આ કોકરોચ જનતા પાર્ટી આવીને એમને ઠેકાણે પાડી દેહે. એટલે તો મારે’ય કોકરોચ જનતા પાર્ટીમાં જોડાઈ જાવું છે. અને અમે હંધાય વંદા ભેગાં મળીને હારા હારાને હરાવી દેહું. પછી એ રાજ કુમાર હોય કે રોજમદાર.’’
‘‘તો પછી તમે એક કામ કરો, તમે વંદાની ખેતી કરવા માંડો. ન વરસાદ જોઈએ, ન બીયારણ.’’
‘‘ વંદાની ખેતી!??’’
‘‘હા..હા.., વંદાની ખેતી.’’
‘‘ઈ વળી ક્યાં થાય છે? અને કેવી રીતે થાય છે ?’’
‘‘બીજું કોણ હોય? દુનિયામાં કાંઈક નવું જાણવાં જોવાં મળે એટલે હમજવાનું ઈ ચીન જ હોય.
એની પાંહે નવું નવું આવ્યાં જ કરે છે.’’
‘‘અરે પણ, એની ખેતી કેમ કરવી? અને શા માટે કરવી?’’
‘‘તમે ઉપરનો ફોટો જોયો? આપણે જેમ મધની ખેતી કરીએ, એમ એ વંદાની ખેતી કરે છે.’’
‘‘પણ..!! મધનો તો ભાવ કેવડો મોટો છે. ત્યારે વંદા તો ટકાના તેર મળે. અને એનું રહેઠાણ જ ગટર છે.’’
‘‘તોય તમારે કોકરોચ બનવું જ છે ને ?’’
‘‘ઈ વાત આખી અલગ છે. તમે વંદાની ખેતીની વાત કરોને. એને વંદાની ખેતી કેમ કરવી પડી??’’
‘‘ચીનાઓ ખાધોડકા બઉં છે. (આપણે ત્યાં રૂપિયા ખાય એને ત્યાં દેડકા અને ઉંદરો)હથેક નું લે, પછી પેટ ફાટી જાય એટલું ખાય. છતાં’ય થાળીમાં વધે. હવે આ વધેલો ખોરાક કોણ ખાય !? હંધાય રોગનું ઘર તો ચીન છે. હવે આવો હજારો ટન ખોરાક વધવા લાગ્યો. એનું હું કરવું?’’
‘‘ચીનાઓની સાબુ (સામાન્ય બુધ્ધિ)નો હાલી? આપણે ત્યાં તો આવો હંધોય ખોરાક રખડતી ગાયો અને ભુંડ સફાસટ કરી નાંખે છે.’’
‘‘ચીનાઓ એમ જ કરતાં તા પણ જયારથી ‘વાયરસ કોરોના’ આવ્યો છે ને, (કોરોના વાયરસ ચીનનાં ભૂંડમાથી ફેલાયો હતો) ત્યારથી ચીનાઓએ ભુંડને કોરોનટાઈન કરી દીધાં છે. અને વધેલો હંધોય ખોરાક આ વંદાઓને આપવામાં આવે છે.’’
‘‘વંદાઓને? આ નાનકડું જીવડું કેટલું’ક ખાય?’’
‘‘બેરાલાલ! તમારો જેટલો ખોરાક હશે ઘડીભરમાં એ ચફાસટ કરી નાંખે છે.’’
‘‘હા પણ, આમાં ખેતી ક્યાં આવી?’’
‘‘ચીનમાં આવાં હજારો ‘‘કોકરોચ ર્ફામિંગ’’ ‘ફૂડ વેસ્ટ મેનેજમેન્ટ મોડલ’ બની ગયાં છે. અને ખેડૂતો લાખો રૂપિયા રળી રહ્યા છે.’’
‘‘કેવી રીતે? વંદામા વળી શું રળવાનું??’’
‘‘વંદાનુ સામાન્ય રીતે આયુષ્ય છ મહિનાનું હોય છે.
ચાર પાંચ મહિના ભરપેટ વધેલું ખવરાવે. પછી વંદાનુ દૂધ ‘સુપર ફૂડ’ લાખો રૂપિયામાં વેચે. દવા કંપનીઓ વંદામાથી પેટનાં અલ્સરની દવા બનાવે, શ્વાસની દવા બનાવે, કોસ્મેટિક બનાવે. હજીય વંદા વધે તો એની હુકવણી કરીને ગાય ભેંસનાં ખોરાકમાં ‘સુપર ફૂડ’ તરીકે ભેળવે. અને રૂપિયા રળે ’’
‘‘ઈ હંધૂય તો ઠીક છે, પણ તમે મને એક હારો રસ્તો બતાવી દીધો.’’
‘‘રસ્તો? આમાં વળી રસ્તો ક્યાં આવ્યો?’’
‘‘કોકરોચ જનતા પાર્ટીના સભ્યો જલ્દી વધારવા હોય તો વહેલી તકે ચીનમાં પોગી જાવું પડે. દુનિયાની નંબર વન પાર્ટી બની જાય. અને નફો થાય ઈ લટકાંમાં..!!’’










































