‘‘બોસ, આ દિલ વગરનાં ડોક્ટરોએ નાના નાના માણસોને દિલમાં ડામ દીધોને એટલે સરકારનીય આંખો ઓડે વયાવી. નહીંતર ઈય તે આંખ આડા કાન કરતી ’તી. પણ, હવે ફટાફટ ફટાફટ મોટી મોટી હોસ્પિટલોને બંધ કરાવી દીધી.’’
‘‘હા પણ હોસ્પિટલ શા માટે બંધ કરાવી ? એ તો બસાડા સેવાનું કામ કરે છે.’’ ‘‘કરતા ’તા બોસ, કરતા ’તા. હવે કેટલાકને આ પૈસા છાપવાનું કારખાનું લાગે છે. એટલે ખટાખટ ખટાખટ નોટ છાપે છે.’’
‘‘અરે પણ, સામાન્ય માણસો પાસે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? ગામડાં ગામનો માણસ. બે છેડા માંડ માંડ ભેગા કરે છે.’’
‘‘એને ક્યાં પૈસા દેવાં છે. પૈસા તો સરકારનાં છે. તમારી પાંહે આયુષ્યમાન કાર્ડ હોય, એટલે ડોકટરને ભયો ભયો. એમાં એમને રૂપિયાનું ઝાડ દેખાય છે. તમે હોસ્પિટલના પગથિયાં ચડ્યાં કે, ખંખેરવાનું શરૂ.’’
‘‘હા પણ બધી હોસ્પિટલ બંધ કરી દેહે તો દર્દી જાહે
ક્યાં? ’’
‘‘તમે હમજ્યા નઈ. હોસ્પિટલ બંધ કરાવી એટલે.., જેમણે નોટુ છાપવાનાં કારખાના કર્યા ’તા એમને બંધ કરાવી છે.
બે વર્ષમાં બાવીસ બાવીસ મોટી હોસ્પિટલને તાળા લાગી ગયા છે અને ખ્યાતિ કાંડ થયા પછી તો સરકાર સફાળી જાગી ગઈ છે.’’
‘‘તો શું સરકાર પેલાં ઉંઘતી ’તી.’’
‘‘ના…આ…સરકાર ઉંઘે તો કેમ કરીને હાલે. એને તો રાતે ‘ય જાગતું રે ‘વુ પડે. મોટાભાગની આવક તો રાતે હોય છે. દિવસે તો મારી તમારી જેવાં મજૂર કામ કરે. એમાં એ હું કાઢી લે.
એને તો ઓલું નથી કે ‘તા કે, ભાગ્યશાળીને ભૂત રળે’ એમ ભૂત તો કદાચ! રાતે જ દેખાય? એટલે સરકારને રાતે તો જાગવું જ પડે.’’
‘‘એટલે તારું કે ’વાનું એમ છે કે, કાળા કામ હંધાય કાળી રાતે જ થાય છે ?? અને દિવસે શપથ લેનારી સરકાર રાતે આવા કામ કરે છે??’’
‘‘અરે..અરે..!! તમે હમજ્યા નહીં ! રાતે જાગે મતલબ હપ્તા ઉઘરાવવા નહીં..! મારી તમારી જેવા સીધા સાદા માણસો નીરાંતે નીંદર કરી શકે એટલે સરકાર અને સરકારના માણસો રાતે જાગે છે. એમ મારું કે ’વાનું છે.’’
‘‘તું ય તે મારો વાલીડો ખરો છે હોં. તે રાતના ધંધામાં ભાગ રાખ્યો છે? કે પછી, કમીશન હાલે છે??’’
‘‘રાતના ધંધા? ઈ વળી કેવા ધંધા ??’’
‘‘રેતીનો ધંધા દિવસે હાલે છે? દારૂનો ધંધા દિવસે હાલે છે? ચરસ, અફીણ, ગાંજો અને હવે તો જાત જાતના ડ્રગ્સ. શું અમને ખબર નથી ? કદાચ ! સરકારને નહીં દેખાતું હોય કે આંખ આડા કાન કરતી હશે. પણ પોલીસ વાળા ? એનો તો આવું પકડવાનો ધંધો જ છે. એને ય આ બધું નથી દેખાતું ?’’
‘‘બસ બસ બસ !! આટલું બધું એક હારે ના બોલી જાવ. સરકાર અને પોલીસ હંધાય ગોટે ચડી જાહે.
પછી નાછૂટકે ગાંધીનગર વાળાને માથું મારવું પડશે.’’
‘‘તો પછી ઈ કે, આટલી બધી હોસ્પિટલો બંધ કેમ
કરાવી ?’’
‘‘જૂઓ બોસ. કોઈ ડોક્ટર જાણી જોઇને નાના બાળકોને વગર કારણે બાટલા ચડાવે, વગર કારણે કાચની પેટીમાં રાખે અને હજારો રૂપિયાનું બિલ કરે. આ ડોક્ટર કેવાય !?? કોઈ ડોક્ટરોનું મોટું રાવણું ભેગું થાય. મલ્ટી સ્પેશિયલના નામે બિલ્ડીંગ ખડકે. અને બકરાં ગોતવા ગામડામાં નિદાન શિબિરો કરે. ખોટા ખોટા રિપોર્ટ બનાવી, દાખલ કરી ઓપરેશન કરે અને સરકારને લૂંટે. આવાં ડોક્ટરોની આવી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલો સરકાર બંધ જ કરાવે ને. આવી હોસ્પિટલમાં પચાસ ટકા દર્દીઓ બોગસ હોય છે. આવું છાપાં વાળા કહે છે.’’
‘‘હવે થોડું થોડું મને હમજાય છે. અમથાલાલ તમને
કાં ’ય હમજાય છે??’’
‘‘અહીંયા સુધીનું તો સમજાયું. પણ ..! તમને નથી હમજાયું ઈ ય મને હમજાયું છે.’’
‘‘લે ..લે.. એ ઈ વળી હું છે ??’’
‘‘તમે ઈ હાંભળી લીધું કે, બાવીસ બાવીસ હોસ્પિટલો સરકારે બંધ કરાવી દીધી. પણ હારે હારે ઈય વિચારો કે, પાછલે બારણેથી વહીવટ કરીને કેટલી હોસ્પિટલો શરૂ થઈ ગઈ ??
આ તો જનતાની આંખે પાટા બાંધવાની વાત છે. બાકી સરકારે બે નંબરની આવકનું એક નવું સાધન ઉભું કર્યું છે. આમાં અભણ જેવો માણસ શું કરશે??’’
‘‘ફરીવાર મત આપશે. બીજું તો શું આપે ??’’
kalubhaibhad123@gmail.com