હાર્દિક પટેલ આખરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તે સ્પષ્ટ થઈ ગયું છે. આગામી બીજી જૂનના રોજ હાર્દિક પટેલ બીજેપીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. વિવિધ રિપોર્ટ્‌સ પ્રમાણે હાર્દિકના બીજેપી પ્રવેશ વખતે કોઈ કેન્દ્રીય મંત્રી હાજર રહે તેવી શક્યતા નહિવત છે. જો કે સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમલમ ખાતે હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે હાર્દિકને બીજેપીમાં જોડવા માટે બીજેપીના હાઇ કમાન્ડે પહેલા જ લીલીઝંડી આપી દીધી હતી. હવે હાર્દિક બીજી જૂને પાર્ટીમાં જોડાશે તે વાત સામે આવી છે.
હાર્દિક પટેલના બીજેપીમાં જોડાવવા મામલે એસપીજીના લાલજી પટેલે નિવેદન આપ્યું છે કે, હાર્દિક પટેલે વ્યક્તિગત સ્વાર્થ માટે સમાજનો ઉપયોગ કર્યો છે. હાર્દિક પટેલ કાંગ્રેસમાં જોડાયો ત્યારે પણ લોકોમાં રોષ હતો. બીજેપીમાં જોડાશે ત્યારે પણ રોષ જોવા મળશે. હાર્દિકે ભૂતકાળમાં મંચ પરથી એવા નિવેદનો કર્યાં છે કે તે કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાનો નથી. હજુ પાટીદાર સમાજના બે મુદ્દા પડતર છે. ૧૪ શહીદ યુવાનોને ન્યાય નથી મળ્યો. આમ છતાં હાર્દિક વ્યક્તિગત સ્વાર્થ માટે ભાજપમાં જોડાઈ રહ્યો છે.”
હાર્દિક પટેલે ૧૭મી મેના રોજ કાંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હતું. હાર્દિકે રાજીનામું ધરતાની સાથે સોશિયલ મીડિયા પર એક પત્ર લખીને કાંગ્રેસના નેતૃત્વ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યાં હતા. હાર્દિક પટેલે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું હતું કે, કાંગ્રેસના શીર્ષ નેતૃત્વને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે નફરત છે. સાથે જ હાર્દિક પટેલે ગુજરાત કાંગ્રેસના મોટા નેતાઓને પણ આડેહાથ લીધા હતા. હાર્દિકે પત્રમાં એવો આક્ષેપ કર્યો હતો કે ગુજરાત કાંગ્રેસના મોટા નેતાઓ પોતાના સ્વાર્થ માટે વેચાયા છે. એક પ્રસંગે હાર્દિકે એવું પણ લખ્યું હતું કે પ્રદેશ નેતાઓને લોકોના પ્રશ્નો કે ગુજરાતની કોઈ ચિંતા નથી પરંતુ દિલ્હીથી આવતા લોકને ચિકન સેન્ડવિચ મળી કે નહીં તે જોવામાં તેઓ વ્યસ્ત રહે છે.