હમણાં દશેરાનું પર્વ સૌએ ઉજવ્યું. વિજયનો ઉત્સવ એટલે વિજયાદશમી. જેને આપણે દશેરા તરીકે ઉજવીએ છીએ. દશેરા એટલે જીતનો જશ્ન મનાવવાનું પર્વ. અસત્ય ઉપર સત્યનો વિજય. અંધકાર ઉપર પ્રકાશનો વિજય. દશેરાના દિવસે દરેક જગ્યાએ રાવણનું પૂતળા દહન કરવામાં આવે છે. પણ રાવણ તો માત્ર પ્રતીક છે, રાવણ એ કોઈ વ્યક્તિ નહીં પણ એક વિચાર છે.
આપણામાં રહેલી આસુરી વૃત્તિનો નાશ કરવાનો ઉત્સવ એટલે વિજયાદશમી. બહારથી બળવા કરતા અંતરથી ઉકળીને શુદ્ધ થવાનો તહેવાર છે. આપણામાં પડેલા દુર્ગુણો જેવા કે કામ, ક્રોધ, લોભ, માયા, અભિમાન, ઈર્ષા, આળસ અને વેર જેવા દુર્ગુણોને બાળવાનો સંકલ્પ કરીને તેના ઉપર સદગુણોની સ્થાપના કરવાનો દિવસ એટલે દશેરા. રામ રાવણના યુદ્ધમાં આપણને એ વાત શીખવા મળે છે કે રાવણ હારમાં પણ હસતો રહ્યો હતો અને રામ જીતને જીરવી શક્યા હતા. બસ જીવનમાં આ બે બાબતો જ ખૂબ મહત્વની છે. જીતને પચાવવી અને હારમાં હસતા રહેવું. આપણા જીવનમાં ડગલેને પગલે હાર જીતના પ્રસંગો આવતા હોય છે. સામાન્ય રીતે જીત મળ્યા પછી મનમાં ગુમાન આવી જતું હોય છે. જીતનો જશ્ન માણસના મગજમાં એટલું બધુ અભિમાન ઉત્પન્ન કરાવે છે કે સારા નરસાનો વિવેક ભુલાવી દે છે. કોની સાથે કેવું વર્તન કરવું એનો ખ્યાલ રહેતો નથી. પોતે સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ છે એવું સાબિત કરવા માટે ન કરવાના કાર્યો કરવા માંડે છે.
પોતાને મોટો કરનારની સામે બાથ ભીડવાનું સાહસ કરવા લાગે છે. ન્યાય નીતિ અને ધર્મથી દૂર થતો જાય છે અને અહંકારમાં અનીતિ અને અત્યાચાર શરૂ કરે છે. ત્યારે પતનની શરૂઆત થાય છે.
ઇતિહાસ સાક્ષી છે કે માણસ ગમે એટલો શક્તિશાળી હોય પણ જ્યારે મનમાં અભિમાન સવાર થાય ત્યારે વિનાશ નક્કી હોય છે. જેમકે “અહંકાર મે તીન ગયે, ધન, વૈભવ ઓર વંશ, ના માનો તો દેખલો રાવણ કૌરવ ઓર કંસ”. માટે નાની મોટી સફળતા કે જીત મળે ત્યારે જરા પણ અભિમાન ના આવે એનો ખ્યાલ રાખવો અને નાની મોટી હાર મળે ત્યારે જરા પણ નાસીપાસ થવું નહિ. હાર કે નિષ્ફળતા મળ્યા પછી પણ આશા અમર છે એમ માની નિરાશા ખંખેરીને સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. કેમકે બાજી હારી ગયા છીએ, જિંદગી નહિ! અને હારી ગયા પછી કહાની ખતમ થતી નથી, એક નવો અધ્યાય શરૂ થતો હોય છે.