અમરેલી જિલ્લામાં વાહનોની સંખ્યા વધવાની સાથે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. તંત્ર દ્વારા અકસ્માતોની સંખ્યા અટકાવવા ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે છતાં અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા. બગસરાના હામપુરના યુવકને અમદાવાદ પાસિંગની કારે અડફેટે લેતાં તેનો હાથ કપાઈ ગયો હતો. આ અંગે બગસરા તાલુકાના હામાપુર ગામે રહેતા હાર્દિકભાઈ શંભુભાઈ ચોટલીયા (ઉ.વ.૨૮)એ ફોરવ્હીલ નંબર જીજે-૦૧-એચજી-૨૬૯૨ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ બે દિવસ પહેલા રાત્રે ૯ વાગ્યે તેઓ મોટર સાઇકલ લઇને વાડીએ પાણી વાળવા જતા હતા ત્યારે બગસરા તરફથી આવેલી જીજે-૦૧-એચજી-૨૬૯૨ના ચાલકે તેને અડફેટે લીધો હતો. જેમાં તેમનો જમણો હાથ કપાઈ ગયો હતો. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.આર.ભાદરકા વધુ તપાસ કરી રહ્યા છે.