ઉત્તર પ્રદેશના હાપુડમાં એક ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને ૧૩ થઈ ગઈ છે. આ ઘટનાને લઈને કિસાન મજદૂર સંઘે રવિવારે ફેક્ટરીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓ દરેક મૃતકના પરિવારને ૧-૧ કરોડ રૂપિયા વળતરની માંગ કરી રહ્યા છે. હાપુડના ધૌલાના ઔદ્યોગિક વિસ્તારમાં શનિવારે એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને ૧૩ થઈ ગયો છે, જ્યારે ૨૦ અન્ય સારવાર હેઠળ છે. આ ફેક્ટરીને ઈલેક્ટ્રોનિક સામાન બનાવવાનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું, જ્યારે અહીં વિસ્ફોટકો બનાવવામાં આવી રહ્યા હતા.
ખેડૂત મજૂર સંઘના પ્રદેશ પ્રમુખ બ્રહ્મસિંહ રાણાએ જણાવ્યું હતું કે, “અમે અસરગ્રસ્ત પરિવારોને એક-એક કરોડ રૂપિયાનું વળતર અને ગેરકાયદેસર રીતે કાર્યરત તમામ ફેક્ટરીઓને સીલ કરવાની માંગ કરીએ છીએ.” આ ઘટના અંગે ધૌલાના પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૨૮૬, ૨૮૭, ૩૦૪, ૩૦૮, ૩૩૭ અને ૩૩૮ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં જણાવાયું છે કે ફટાકડા ફેક્ટરીમાં બનાવવામાં આવતા હતા. રાષ્ટ્રીય રાજધાનીથી લગભગ ૮૦ કિમી દૂર ધૌલાનામાં ઔદ્યોગિક ઝોનમાં આવેલી ફેક્ટરીમાં આ ઘટના બની ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં લગભગ ૩૦ લોકો હતા. અગાઉ હાપુરના પોલીસ અધિક્ષક દીપક ભુકરે જણાવ્યું હતું કે અકસ્માતમાં ૧૨ લોકોના મોત થયા છે અને ૨૧ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાપુર જિલ્લા મેજીસ્ટ્રેટ મેધા રૂપમે જણાવ્યું કે ધૌલાના સંબંધિત ઉદ્યોગોને ઈલેક્ટ્રોનિક સામાન બનાવવાનું લાઇસન્સ મળી ગયું છે, આવી સ્થિતિમાં વિસ્ફોટક સામગ્રી કેવી રીતે બનાવવામાં આવી રહી છે, તેની તપાસ કરવામાં આવશે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે ઔદ્યોગિક વિસ્તારની દરેક ફેક્ટરીની તપાસ કરવામાં આવશે. તપાસમાં જે પણ અધિકારી કે દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રૂપમે કહ્યું કે વહીવટીતંત્રનો પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સંભાળ મળે અને તેમાંથી કેટલાકને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તો, આ ઘટનાને નજરે જાનારાઓનાં જણાવ્યા અનુસાર, વિસ્ફોટ એટલો જારદાર હતો કે આસપાસની ઘણી ફેક્ટરીઓની છત ઉડી ગઈ હતી. પોલીસ પ્રશાસન અને ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું અને ઘણા લોકોને ત્યાંથી બચાવ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, હાપુડના ધૌલાના પોલીસ સ્ટેશન વિસ્તારના ઔદ્યોગિક વિસ્તાર)માં સીએનજી પંપની બાજુમાં આવેલી ફેક્ટરીમાં બોઈલર ફાટ્યો હતો, જેના કારણે ત્યાં આગ લાગી હતી.