અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે હાથ ઉછીના આપેલા પૈસા મુદ્દે માથાકૂટ થઈ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. જાફરાબાદના હેમાળમાં માતાએ હાથ ઉછીના આપેલા પૈસા પરત માંગતા પુત્ર-પુત્રવધૂએ ઢીકાપાટુ માર્યા હતા.
આ ઘટના બાદ લીલીયાના પુંજાપાદર ગામે પણ ઉઘરાણી મુદ્દે યુવકને છરીના ઘા મારવામાં આવ્યા હોવાની ઘટના બની હતી. આ અંગે નિલેષબાઈ નરેશભાઈ રાઠોડ (ઉ.વ.૨૨)એ વિક્રમભાઇ ભરતભાઇ નગવાડીયા, રાજુભાઇ ભરતભાઇ નગવાડીયા, ગોપાલભાઇ ધાખડા તથા નાનકો ભરતભાઇ નગવાડીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, વિક્રમભાઈ ભરતભાઈ નગવડીયા પાસેથી તેમણે થોડા સમય પહેલા રૂ.૧૨૦૦ હાથ ઉછીના લીધા હતા. જે પૈસા પરત લેવા ચારેય આરોપીઓએ એકસંપ કરી પુંજાપાદર ગામે રોડ ઉપર આવી તેમની પાસેથી પૈસાની ઉઘરાણી કરી હતી. તેમણે પોતાની પાસે હાલ પૈસા નહીં હોવાનું જણાવતા તમામ આરોપીઓએ ગાળો આપતા સામસામે બોલાચાલી થઈ હતી. વિક્રમભાઈ નગવડીયાએ તેમને ડાબા પડખામાં છરીનો એક ઘા મારી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. લીલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ સી.બી. ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.