(૧)”હમ દોનો દો પ્રેમી દુનિયા છોડ ચલે” ગીતમાં આ બે પ્રેમી દુનિયા છોડીને ગયા ક્યા?
ડા. હિતેશ વામજા (ધારી)
તમારી પાસેથી કેટલા રૂપિયા ખંખેરતા ગયા છે?
(૨) હાથીને ઉપાડવામાં કેટલી કીડીઓ જોઈએ?
કુંભાણી ધ્રુવિલ (રાજકોટ)
એક સારી કીડી હાથીને ચટકો ભરે તો હાથી ઊભો હોય ત્યાંથી ઘાએ ઘા ઉપડી જાય..
(૩)માથાભારે અને માથાકુટ એટલે શું?
ડાહ્યાભાઇ આદ્ગોજા. (લીલિયા મોટા)
જેમાં માથાની ક્યાંય જરૂર પડતી નથી એવી વ્યક્તિ અને ક્રિયા..!
(૪)દિવાળીને દિવાળી જ કેમ કહેવાય છેં?
ચાંદની એસ. હિરપરા (તરઘરી)
એની મમ્મીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કોઈએ મારી છોકરીનું નામ બગાડવું નહિ !
(૫)ભગવાન,મા-બાપ,પ્યાર, દોસ્ત, એમાં મોટું કોણ?
હરેશભાઈ એમ. કાવઠિયા (નવા ઉજળા -કુંકાવાવ)
છેલ્લા બે તો નહીં જ..!
(૬) તમારા ધર્મપત્નીનો કોઈ સવાલ કેમ તમારી કોલમમાં નથી હોતો?
પૂર્વી સુથાર (બગસરા)
એના સવાલો કોલમમાં લેવા માંડું તો બીજાનો વારો ન આવે!
(૭)કલેકટર દરજ્જાનાં પતિને, સાડા બે ચોપડી ભણેલ પત્ની તતડાવે કે ‘ભણ્યાં પણ ગણ્યાં નહીં’, તો એને સામાજિક કરુણતા કહેવાય કે નહીં?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ)
સાર્વજનિક કરુણતા કહેવાય.
(૮)પી.એસ.આઇ., કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આ ભરતીમાં આવી જાશે બધા ?
નિતુલ દિનેશભાઈ ડાભી (બાબરા)
બધા આવી જાય એવી શુભેચ્છા.. પણ તમે આવી જાઓ તો પાછા ‘બધા આવે તો જ હું આવું’ એવી જિદ્દ ન કરતા.
(૯)મારે કેવો પ્રશ્ન પૂછવો જોઈએ કે જેનો જવાબ આપવામાં આપ ગોથું ખાઈ જાવ?
સરદારખાન મલેક (મહેસાણા)
મને ગોથું ખવડાવીને તમને શું ફાયદો? અલબત્ત, તમે ખાઈ ચુક્યા હો તો તમને સથવારો કરાવવો એ મારી નૈતિક ફરજ ગણાય!
(૧૦)પપ્પાનું ડેડ થઈ ગયું, મમ્મીનું મોમ થઈ ગયું તો સાસુનું શું થાય?
સંજયભાઈ જોશી (બાબરા)
સાસુનું આઘુપાછું કરવામાં હજી એકાદ સદી વીતી જશે.
(૧૧) જ્યારે કાંઈ ના સમજાય… ત્યારે શું કરવુ જોઈએ?
રાહુલ ડાંગર ..(ગળકોટડી)
ન સમજાય એ બીજાને સમજાવવા માંડવું.
(૧૨) સ્વીચ શબ્દનું ગુજરાતી કરી શકો?
વલ્લભ રાણપરિયા (ગઢડા)
ચાલુબંધ નિયંત્રણ યંત્ર !
(૧૩) વરરાજાને ઘોડા પર બેસેલો જોઈને ગધેડાઓ શું વિચારતા હશે?
જસવંત જાની (ગોંડલ)
કાઈ વિચારવું નહિ એ ગધેડાઓની વિશિષ્ટતા છે!
(૧૪) તમારા જીવનમાં ઉપસ્થિત થયેલો સૌથી મોટો પ્રશ્ન કયો?
ટિ્વન્કલ પટેલ (સુરત)
આ.
(૧૫) આ કોલમનું નામ ‘હાસ્યાય નમઃ’ રાખવાનું કોઈ ખાસ કારણ?
ભગવાન ભટ્ટ (ભાવનગર)
લોકો હાસ્યને ગંભીરતાથી લે અને કોલમ હાંસિયામાં ન ધકેલાઈ જાય એ.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..