દિલ્હી હાઈકોર્ટે સોમવારે તુર્કી સ્થિત કંપની સેલેબી દ્વારા સુરક્ષા મંજૂરી રદ કરવાને પડકારતી અરજી ફગાવી દીધી હતી. એવિએશન વોચડોગ બીસીએએસએ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં કંપનીની સુરક્ષા મંજૂરી રદ કરી હતી. ન્યાયાધીશ સચિન દત્તાએ ૨૩ મેના રોજ આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો.
બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ ૧૫ મેના રોજ સુરક્ષા મંજૂરી રદ કરી હતી. આના થોડા દિવસો પહેલા, તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો અને પાડોશી દેશમાં આતંકવાદી કેમ્પ પર ભારતના હુમલાઓની નિંદા કરી હતી.
‘સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ’ અને ‘સેલેબી દિલ્હી કાર્ગો ટર્મિનલ મેનેજમેન્ટ ઈન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ’ દેશના વિવિધ એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને કાર્ગો ટર્મિનલ કાર્યોનું નિરીક્ષણ કરે છે.
કેન્દ્રીય સત્તાવાળાના વકીલે કાર્યવાહીનો બચાવ કરતી વખતે ઉડ્ડયન સુરક્ષા માટે “અભૂતપૂર્વ” ધમકી તરફ ધ્યાન દોર્યું હતું. સેલેબીના વકીલે દલીલ કરી હતી કે કેન્દ્રનું પગલું કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને વિમાન સુરક્ષા નિયમો હેઠળ પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું હતું કે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્્યુરિટીના ડિરેક્ટર જનરલે અરજદારોને “પ્રસ્તાવિત દંડ” વિશે જાણ કર્યા પછી તેમને સાંભળવા જાઈએ અને પછી તેમની કાર્યવાહીના કારણો પણ આપવા જાઈએ.
કેન્દ્રએ ૧૯ મેના રોજ જણાવ્યું હતું કે મંજૂરી રદ કરવાનો નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં લેવામાં આવ્યો છે, કારણ કે એવું અહેવાલ હતું કે વર્તમાન પરિસ્થિતિમાં અરજદાર કંપનીઓની સેવાઓ ચાલુ રાખવી જાખમી રહેશે. સેલેબી ૧૫ વર્ષથી વધુ સમયથી ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં કાર્યરત છે અને ૧૦,૦૦૦ થી વધુ લોકોને રોજગારી આપે છે. તે નવ એરપોર્ટ પર તેની સેવાઓ પૂરી પાડે છે.







































