અલ્હાબાદ હાઈકોર્ટે રામપુરના સમાજવાદી પાર્ટીના સાંસદ મોહિબુલ્લાહ નદવીને તેમની ચોથી પત્નીને નિયમિત માસિક ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે, નહીંતર કાનૂની પરિણામોનો સામનો કરવો પડશે. ન્યાયાધીશ સુભાષ ચંદ્ર શર્માએ વૈવાહિક વિવાદનો ઉકેલ શોધવા માટે આ મામલો હાઈકોર્ટના મધ્યસ્થી કેન્દ્રને પણ મોકલ્યો છે. કોર્ટે સમાધાન માટે ત્રણ મહિનાનો સમય આપ્યો અને નદવીને ૫૫,૦૦૦ જમા કરાવવાનો આદેશ આપ્યો, જેમાંથી ૩૦,૦૦૦ દર મહિને તેમની પત્નીને ભરણપોષણ તરીકે આપવામાં આવશે.

મોહિબુલ્લાહ નદવીએ ૧ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ આગ્રા ફેમિલી કોર્ટના એડિશનલ ચીફ જસ્ટીસ દ્વારા આપવામાં આવેલા આદેશ સામે અરજી દાખલ કરી. હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન, સપા સાંસદના વકીલે દલીલ કરી હતી કે આ મામલો વૈવાહિક વિવાદ સાથે સંબંધિત છે અને નદવી તેને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માંગે છે.

અરજદારના વકીલની દલીલો સ્વીકારતા, કોર્ટે જણાવ્યું હતું કે, રેકોર્ડ અને તેની સમક્ષ રજૂ કરાયેલી દલીલોના આધારે, તે સંતુષ્ટ છે કે કેસનું સ્વરૂપ એવું છે કે મધ્યસ્થી દ્વારા મામલો ઉકેલવાની શક્યતા છે, અને આ શક્યતા શોધવા માટે પ્રયાસો કરવા જાઈએ.જાકે, ૧૧ સપ્ટેમ્બરના તેના આદેશમાં, કોર્ટે ચેતવણી આપી હતી કે જા અરજદારો ઉપરોક્ત રકમ જમા કરવામાં અથવા હાલની ભરણપોષણની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય, અથવા જા મધ્યસ્થી નિષ્ફળ જાય, તો વચગાળાનો આદેશ આપમેળે સમાપ્ત થઈ જશે.

નોંધનીય છે કે આઝમ ખાનની નારાજગી છતાં, સમાજવાદી પાર્ટીએ મોહિબુલ્લાહ નદવીને રામપુરથી લોકસભાની ટિકિટ આપી. નદવીએ ચૂંટણી પણ જીતી હતી. તેઓ પહેલી વાર સાંસદ બન્યા. આઝમ ખાન અને મોહિબુલ્લાહ નદવી વચ્ચે તણાવપૂર્ણ સંબંધો છે. તાજેતરમાં, જ્યારે અખિલેશ યાદવ આઝમ ખાનને મળવા રામપુર ગયા હતા, ત્યારે નદવી તેમની સાથે હાજર નહોતા કારણ કે આઝમ ખાને તેમને મળવાનો ઇનકાર કર્યો હતો.