બેંગલુરુમાં રાતોરાત પડેલા ભારે વરસાદને કારણે, વિવિધ વિસ્તારો ખરાબ રીતે પ્રભાવિત થયા છે, ઘણી જગ્યાએ રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે અને ઘણા રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. શહેરમાં વધુ વરસાદની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના બુલેટિન અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં બેંગલુરુમાં ૧૦૩ મીમી વરસાદ નોંધાયો છે. બેંગલુરુના વિવિધ ભાગોમાંથી પાણીમાં ડૂબી ગયેલા રસ્તાઓના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે, જે વરસાદ વચ્ચે શહેર કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તે દર્શાવે છે. ગૃહમંત્રી જી પરમેશ્વરના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ દિવસથી બેંગલુરુમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

ગૃહમંત્રીએ કહ્યું, “આપણે ચોમાસા પહેલા પૂર અને ડૂબી ગયેલા વિસ્તારો જોઈ રહ્યા છીએ.બીબીએમપી(બ્રુહત બેંગલુરુ મહાનગર પાલિકે) ના કાર્યકરો અને અધિકારીઓ રસ્તાઓ પરથી પાણી ભરાઈ ગયેલા અને ઉખડી ગયેલા વૃક્ષો અને ડાળીઓ સાફ કરવામાં વ્યસ્ત છે. અધિકારીઓ તેમનું કામ કરી રહ્યા છે.” શનિવારે પડેલા વરસાદ કરતાં ત્રણ ગણો વધુ ભારે વરસાદ પડ્યો, અને આજે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ગંભીર અને અકલ્પનીય બની શકે છે. જો તમારી પાસે ઘરેથી કામ કરવાનો વિકલ્પ હોય, તો તમારી કાર ગેરેજમાં રાખવી અને મુસાફરી કરવાનું ટાળવું શ્રેષ્ઠ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર ‘બેંગ્લોર કોર્પોરેટ ક્લબ’ના ઓફિશિયલ પેજ પર કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે, જેમાં સોમવારે સવારે ૭.૨૦ વાગ્યે શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંના એકમાં ટ્રાફિક સંપૂર્ણપણે જામ થયેલો જોવા મળે છે. પીટીઆઈના અહેવાલ મુજબ, સિલ્ક બોર્ડ પર લગભગ ૧૦ કિમીના પટમાં ટ્રાફિક લગભગ ઠપ થઈ ગયો હતો.

શહેરના હવામાન નિષ્ણાતોના મતે, આ વખતે ચોમાસા પહેલાના વરસાદ દરમિયાન, છેલ્લા કેટલાક દિવસોમાં બેંગલુરુમાં વાદળ ફાટવાના પણ અહેવાલો મળ્યા છે અને અહીં ૧૫ થી ૨૦ સેમી વરસાદ નોંધાયો છે. શહેરના રસ્તાઓ પર મુસાફરી કરવી લગભગ અશક્ય અને જોખમી બની ગઈ હોવાથી, મોટાભાગના લોકો ઘરેથી કામ કરવાનું પસંદ કરે છે.

બેંગલુરુના હોરામાવુમાં સાઈ લેઆઉટ અત્યાર સુધીના વરસાદથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાંનો એક છે. ચોમાસા પહેલા પડેલા વરસાદને કારણે, લેઆઉટ ચારથી પાંચ ફૂટ પાણીથી ભરાઈ ગયું હતું. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, લોકોએ પાણી ભરાવા માટે ભરાયેલા ગટરોને જવાબદાર ઠેરવ્યા હતા અને દાવો કર્યો હતો કે અધિકારીઓને વારંવાર ફરિયાદ કરવા છતાં, ગટરો સાફ કરવામાં આવ્યા ન હતા.

ટેનેરી રોડ પર આવેલી એનસી કોલોનીમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જોકે, આના કારણે કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. જયનગરમાં ભારે વરસાદને કારણે, એક વૃક્ષ ઉખડીને ત્યાં પાર્ક કરેલી કાર અને જીપ પર પડ્યું, જેના કારણે તેમને નુકસાન થયું. પાણી ભરાઈ જવાને કારણે કેટલાક રસ્તાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા.

દરમિયાન, ભારતીય હવામાન વિભાગના બેંગલુરુ કેન્દ્રના ડિરેક્ટર એન. પુવીઆરાસુએ જણાવ્યું હતું કે બેંગલુરુ સહિત કર્ણાટકના કેટલાક વિસ્તારો માટે ૧૮ મેના રોજ જારી કરાયેલ ‘યલો એલર્ટ’ મંગળવાર અને બુધવારે પણ અમલમાં રહેશે. ડિરેક્ટરે પીટીઆઈને જણાવ્યું હતું કે વિભાગ હવાના પરિભ્રમણની વર્તમાન સ્થીતિનો અભ્યાસ કરી રહ્યું છે અને પછીથી અપડેટેડ હવામાન માહિતી જાહેર કરશે.

પુવીઆરાસુએ કહ્યું, “ચક્રવાતી પવનોની હાલની પરિસ્થિતિ અનુસાર, કર્ણાટકમાં, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. આગામી બે દિવસ સુધી બેંગલુરુમાં પણ ભારે વરસાદની આગાહી છે.આઇએમડીએ ચેતવણી આપી છે કે ‘યલો એલર્ટ’ વચ્ચે, કેટલાક વિસ્તારોમાં વીજળી પુરવઠો અસ્થાયી રૂપે ખોરવાઈ શકે છે, ટ્રાફિકમાં થોડો વિક્ષેપ પડી શકે છે અને નબળા વૃક્ષો અને ડાળીઓ ઉખડી શકે છે.

બેંગલુરુ સહિત કર્ણાટકના ૨૩ જિલ્લાઓમાં ગુરુવાર સુધી ભારે વરસાદ માટે ‘યલો એલર્ટ’ જારી કર્યો હતો. હવામાન વિભાગ દેશમાં હવામાન ચેતવણીઓ આપવા માટે ચાર રંગોનો ઉપયોગ કરે છે. આ રંગો અને તેમના સંદેશા છે… લીલો (કોઈ કાર્યવાહીની જરૂર નથી), પીળો (જુઓ અને દેખરેખ રાખો), નારંગી (તૈયાર રહો) અને લાલ (કાર્યવાહી/સહાયની જરૂર છે). વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં બેંગલુરુ અર્બન, બેંગલુરુ ગ્રામીણ, કોલાર, ચિક્કાબલ્લાપુરા, તુમાકુરુ, મંડ્યા, મૈસુર, હસન, કોડાગુ, બેલાગવી, બિદર, રાયચુર, યાદગીર, દાવણગેરે અને ચિત્રદુર્ગનો સમાવેશ થાય છે.